શહેરમાં મહિલાઓ અને બાળકીઓ હવે સુરક્ષિત નથી રહી. દિનપ્રતિદિન છેડતી અને મોબાઈલમાં વીડિયો બનાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જગતપુર વિસ્તારમાં થોડાં દિવસ પહેલા એક સગીરાનો વિડીયો બનાવવાની ઘટના તાજી છે ત્યારે ફરી એકવાર ગોદરેજ ગાર્ડન સિટીથી ગોતા તરફ જવાના રોડ તરફ સેવી સ્વરાજ બિલ્ડીંગ પાસે શાકભાજી ખરીદવા આવેલી પોતાની દીકરીની ઉંમરની યુવતીઓનો ચોરીછુપીથી વિડીયો ઉતારનાર આધેડને યુવતીઓએ બરાબરનો પાઠ ભણાવ્યો છે. યુવતીઓ લાકડીઓ લઈને જયેશ પટેલ નામના આધેડ પર તૂટી પડતા તે કરગરવા લાગ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ વાઈરલ થયો છે જેમાં યુવતીઓ રણચંડી બની આધેડને માર મારી રહી છે. આધેડની ધોલાઈ કર્યા બાદ પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મોબાઈલ ચેક કરતા ફોનમાંથી આધેડે ઉતારેલો વિડીયો મળી આવ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સેવી સ્વરાજ રોડ પર રહેતી યુવતી સવારે તેના જ ફ્લેટમાં રહેતી તેની મિત્ર સાથે નીચે શાકભાજી લેવા નીકળી હતી. શાકભાજી લેતા હતા ત્યારે બાજુની ડેરી પાસે એક આધેડ શખ્સ ઉભો હતો. તેના હાથમાં મોબાઈલ હતો. યુવતીને લાગ્યું હતું કે શખ્સ તેનો વિડીયો ઉતારી રહ્યો છે. જેથી બંને યુવતીઓ તેની પાસે ગઈ હતી. તેની પાસે રહેલો મોબાઈલ ચેક કરતા ફોનમાંથી તેણે ઉતારેલો વિડીયો મળી આવ્યો હતો. આ વીડિયો જોતા જ બંને યુવતીઓ લાલઘૂમ થઈ હતી. ત્યાર બાદ લાકડીઓ લઈ આવીને આધેડને માર માર્યો હતો. અન્ય યુવતીઓને પણ જાણ થતાં રણચંડી બની ગઈ હતી અને પોતાની દીકરીની ઉંમરની યુવતીઓનો વિડીયો ઉતારતા શખ્સને માર મારી પાઠ ભણાવ્યો હતો.
મારે તમારી ઉંમરની દીકરીઓ છે, કેમ આવું કરો છો?
આ વિડીયોમાં આધેડ પોતે કહી રહ્યો છે કે મારે તમારી ઉંમરની દીકરીઓ છે. કેમ આવું કરો છો કહે છે. પોલીસને જાણ થતાં ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આધેડને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પૂછપરછ કરતા તેનું નામ જયેશ પટેલ છે અને સીટીએમ ખાતે રહે છે તેમજ એસી રિપેરીગનું કામ કરે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.