આત્મહત્યા:અમદાવાદમાં ITમાં ભણતી યુવતીએ પોલિટેકનિક હોસ્ટેલમાં એસિડ પીને આપઘાત કર્યો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બાથરૂમમાં જઈ એસિડ પી લીધું, સુસાઇડ નોટ ન મળતાં કારણ અકબંધ
  • મૂળ ભાવનગરની યુવતીની તબિયત બગડતાં સોલા સિવિલ લઈ જવાઈ હતી

સરકારી પોલિટેકનિકમાં ડિપ્લોમા આઈટીમાં અભ્યાસ કરતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ભાવનગરની યુવતીએ એસિડ પી આત્મહત્યા કરી લીધી હતી. જોકે હાલમાં પોલીસને ચિઠ્ઠી કે અન્ય કોઈ લખાણ મળ્યંુ ન હોવાથી યુવતીની આત્મહત્યાનું કારણ અકબંધ જ રહ્યંુ છે. જ્યારે તેના માતા-પિતા અંતિમ ક્રિયા માટે દીકરીનો મૃતદેહ ભાવનગર લઈ ગયા હોવાથી પોલીસ તેમની પણ પૂછપરછ કરી શકી નથી.

મૂળ ભાવનગરના રહેવાસી પ્રવીણભાઈ સવસાણીની દીકરી ધારા (ઉં.17) સરકારી પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમા આઈટીમાં અભ્યાસ કરતી હતી, જેથી ધારા અન્ય છોકરીઓ સાથે આંબાવાડીની પોલિટેકનિકની ગર્લ્સ હોસ્ટેલમાં જ રહેતી હતી. દરમિયાન 1 ઓક્ટોબરે સાંજે 7.30 વાગ્યે ધારાએ હોસ્ટેલના બાથરૂમમાં જઈ એસિડ પી લીધું હતું. આથી તેની તબિયત બગડતા તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તે જ રાતે 11 વાગ્યે ધારાનું મોત નિપજ્યું હતુ.

ઘટનાની જાણ થતા ગુજરાત યુનિર્વસિટી પોલીસ આવી પહોંચી હતી અને આત્મહત્યા અંગે ગુનો નોંધી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને પોલીસે ધારાનો મૃતદેહ તેના પરિવારના સભ્યોને સોંપી દેતા તેઓ અંતિમ ક્રિયા માટે ધારાનો મૃતદેહ વતન ભાવનગર લઈ ગયા હતા. આ અંગે ગુજરાત યુનિર્વસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી. જી. જાડેજાએ જણાવ્યું હતુ કે, ધારાએ આત્મહત્યા કરતા પહેલાં કોઈ ચિઠ્ઠી કે લખાણ લખ્યું ન હતંુ. જ્યારે તેનાં માતા-પિતા ધારાનો મૃતદેહ અંતિમ ક્રિયા માટે ભાવનગર લઈ ગયા હોવાથી તેમની પણ હાલમાં પૂછપરછ થઈ શકી નથી. આથી ધારાએ કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી.

સાથે ભણતી વિદ્યાર્થિનીઓનાં નિવેદન લેવાયાં
ધારાની સાથે હોસ્ટેલમાં રહેતી અને પોલિટેકનિકમાં સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની પોલીસે પૂછપરછ કરી હતી, પરંતુ ધારાએ કયા કારણથી આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી. જોકે ધારાને કોલેજ કે હોસ્ટેલમાં કોની સાથે અણબનાવ બન્યો હોવાની વાત પણ તેની સાથે ભણતી અને રહેતી છોકરીઓએ નકારી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...