આપઘાતનો પ્રયાસ:અમદાવાદની યુવતીને સારી યુનિવર્સિટીમાં ભણવા બાબતે પરિવાર સાથે ઝઘડો થતા ઘરમાં લોક મારી હાથમાં છરીના ઘા માર્યા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ યુવતીએ મહિલા હેલ્પલાઇનને ફોન કર્યો
  • મહિલા હેલ્પલાઇનની ટીમે મહામુસીબતે યુવતીને સમજાવી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી
  • યુવતીએ આ રીતે ત્રીજી વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો

અમદાવાદ શહેરમાં નાની બાબતોમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય ઝઘડા હોય કે બોલચાલીમાં જીવન ટૂંકાવતા હોવાના કિસ્સાઓ બને છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરમાં 21 વર્ષીય યુવતીએ સારી યુનિવર્સિટીમાં ભણવા બાબતે પરિવાર સાથે થયેલા ઝઘડાના કારણે પોતાના હાથ પર છરીના ઘા મારીને પથ્થર પર માથા પછાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ બાદ તેને મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી.

હેલ્પલાઈનની ટીમે મહામુસીબતે યુવતીને સમજાવી હોસ્પિટલ મોકલી
મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક તેના ઘરે પહોંચી હતી. યુવતી સારવાર માટે હોસ્પિટલમાં જવા તૈયાર ન હતી અને પરિવાર પણ ગાળાગાળી અને ખરાબ શબ્દો બોલી ઝઘડા કરતો હતો. જેથી હેલ્પલાઈને બંનેને મહામુસીબતે સમજાવી યુવતીને હોસ્પિટલમાં મોકલી આપી હતી.

મહિલા હેલ્પલાઈનના વાહનની ફાઈલ તસવીર
મહિલા હેલ્પલાઈનના વાહનની ફાઈલ તસવીર

યુવતીએ હાથમાં છરીના ઘા માર્યા હતા
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરમાંથી યુવતીએ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરી જાણ કરી હતી કે તેના માતા-પિતા અને પરિવાર સાથે ઝઘડો થયો છે અને તેને રૂમમાં લોક મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગાડીની મદદ માટે તેણે ના પાડી હતી. પરંતુ સમજાવટ બાદ તેની પાસેથી સરનામું લઈ હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. યુવતીને ભાઈ-ભાભી, માતા અને પિતા સાથે સારી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ઝઘડો થતા ઘરના ચોથા માળે છત પર જઈ દરવાજો લોક કરી દીધો હતો. હાથમાં છરીના ઘા મારી પથ્થર પર માથું પછાડી અને લોહી લુહાણ કરી નાખ્યું હતું.

ત્રીજી વખત આપઘાતનો પ્રયાસ કર્યો
હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી ત્યારે તે લોક ખોલતી નહોતી. ટીમ તેને બહુ સમજાવટથી બહાર લાવી. બહાર આવ્યા બાદ પણ યુવતી હોસ્પિટલમાં જવા તૈયાર નહોતી. જેથી જબરજસ્તી તેને ઘરની બહાર લાવી 108માં સારવાર માટે હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી. જ્યારે યુવતીને બહાર લાવી હોસ્પિટલમાં મોકલવાના હતા ત્યારે પણ યુવતી અને પરિવારજનો ઝઘડા કરી સામે ગાળાગાળી કરતા હતા. હેલ્પલાઇનની ટીમે મહામુસીબતે તેના પિતાને સમજાવી સાથે હોસ્પિટલમાં મોકલ્યા હતા. યુવતીએ આ રીતે ત્રીજી વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.