શહેરમાં હિટ એન્ડ રનની સતત બીજી ઘટના બની છે. એસજી હાઈવે પર બીએમડબ્લ્યુ ચલાવતા યુવકે દંપતીને ફંગોળી ઇજાગ્રસ્ત કર્યા બાદ ગુરુવારે રાત્રે પણ નરોડા પાટિયા વિસ્તારમાં એક યુવકનું કારની ટક્કરે મોત નીપજ્યું હતું. આ સિવાય શહેરમાં છેલ્લા 48 કલાકમાં રોડ અકસ્માતમાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.
ઘટના 1 | વિરાટનગરની ન્યુ સત્તાધાર સોસાયટીમાં રહેતા રવિ જોગુ ગુરુવારે રાતે નરોડા પાટિયાથી નરોડા બેઠક તરફ ચાલતા જઈ રહ્યા હતા તે સમયે કારની અડફેટે આવતાં રવિનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ ઘટના સ્થળે પહોંચીને 108ને જાણ કરી હતી. જોકે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ રવિભાઈનું મોત નીપજ્યું હતું.
ઘટના 2 | અસલાલી રિંગ રોડ ખાતે રહેતા હેમરાજ સોરોત ગુરુવારે રાત્રે ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર ડેપોમાંથી ટ્રેક્ટર લઈ રાધનપુર ખાતે ડિલિવરી કરવા જતા હતા. ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ તરફ જતા વૈભવ બિલ્ડ મોલની સામે પહોંચ્યા ત્યારે પાછળથી આવેલી કારે ટ્રેક્ટરને ટક્કર મારી હતી, જેથી ટ્રેક્ટર પલટી ખાઈ જતા હેમરાજભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન હેમરાજભાઈનું મોત નિપજ્યું હતું.
ઘટના 3 | સરદારનગરમાં રહેતા ગોપાલભાઈ તેમની પત્ની કપિલાબેન સાથે દિલ્હી દરવાજાથી એક્ટિવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ખોડિયાર માતાના મંદિર પાસે બેફામ આવેલા કારચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેથી ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયું હતું. જોકે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે કપિલાબેનને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.