અમદાવાદમાં છેડતીના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં છે. નોકરીએ જતી મહિલાઓની છેડતી થવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં એક નોકરી કરતી યુવતી સાથે યુવકને એકતરફી પ્રેમ થયો હતો. યુવક યુવતીને પ્રેમ સંબંધ રાખવાનું કહેતો હતો પરંતુ યુવતી તેને આ માટે ઈનકાર કરતી હતી. જેથી જ્યારે પણ આ યુવતી ઘરેથી નોકરીએ જવા નીકળતી ત્યારે આ યુવક તેનો પીછો કરતો હતો. તે યુવતીને માનસિક રીતે હેરાન કરતો હતો. યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીને જાહેરમા ઉભી રાખીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના દાણિલિમડા વિસ્તારમાં 20 વર્ષની રીટા ( નામ બદલ્યું છે) નામની યુવતી પરિવાર સાથે રહે છે. તે પોતાના પરિવારની મદદ કરવા માટે નોકરી કરે છે. આ જ વિસ્તારનો એક સચિન ( નામ બદલ્યું છે) નામનો યુવક રીટાના પ્રેમમાં પડ્યો હતો. તે રીટાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જ્યારે રીટા ઘરેથી નોકરી જતી ત્યારે સચિન તેનો પીછો કરતો હતો. રીટાને પ્રેમ સંબંધ રાખવા માટે વારંવાર જાહેરમા રસ્તા વચ્ચે ઉભી રાખીને પૂછતો હતો.
પરોઢિયે મોર્નિંગ વોક દરમિયાન યુવતીનો પીછો કરતો
સચિન રીટાની સામે ટગર ટગર જોયા કરતો હતો. ત્યારે રીટાએ સચિનની આવી હરકતોથી કંટાળીને નોકરી છોડી દીધી હતી. તેણે સમાજમાં પોતાના માતા પિતાની આબરૂ જાય નહીં તે માટે આ બાબતની જાણ પણ કરી નહોતી. રીટા જ્યારે સવારમાં પાંચેક વાગ્યે મોર્નિંગ વોક માટે ઘરેથી રિવરફ્રન્ટ જતી હતી. ત્યારે આ સચિન ત્યાં પહોંચી જતો હતો. ગત બીજી નવેમ્બરે પણ સચિન પરોઢિયે રીટાનો પીછો કરીને રિવરફ્રન્ટ સુધી પહોંચ્યો હતો.
માતા પિતાએ હિંમત આપતાં યુવતીએ ફરિયાદ નોંધાવી
રિવરફ્રન્ટ પર વોકિંગ કરી રહેલી રીટાને સચિને ઉભી રાખીને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પૂછ્યું હતું. પરંતુ રીટાએ ઈનકાર કરી દેતાં સચિન તેની પર ખૂબજ ગુસ્સે થયો હતો. રીટા જ્યારે પણ ઘરેથી બહાર નીકળતી ત્યારે તેની રાહ જોઈને ઉભો રહેલો સચિન તેનો પીછો કરતો અને માનસિક રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરતો હતો. આખરે રીટાએ આ સમગ્ર બાબતની જાણ તેના માતા પિતાને કરી હતી. રીટાના માતા પિતાએ રીટાની વાત સાંભળીને તેને હિંમત આપી હતી. બાદમાં પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર બાબતે સચિન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
( દાણીલિમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.