ઉઘરાણી ચાલુ રાખતાં ફાંસો ખાધો:અમદાવાદના જીવરાજ પાર્કમાં વ્યાજખોરોના ત્રાસ, ધમકીઓથી ડરી યુવકની આત્મહત્યા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રોમિસરી નોટ લખાવી ઉઘરાણી ચાલુ રાખતાં ફાંસો ખાધો, 3 સામે ગુનો50 હજારની સામે વ્યાજ સાથે 5 લાખ ચૂકવ્યા છતાં 18 લાખ માગતા હતા

વ્યાજે લીધેલા રૂ.50 હજારની સામે રૂ.5 લાખ ચૂકવી દીધા હોવા છતાં મહિલા સહિત 3 વ્યાજખોર રૂ.18 લાખની માંગણી કરીને પૈસાની ઉઘરાણી માટે ધમકી આપતા હતા, જેથી તંગ આવી ગયેલા યુવાને ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. યુવાને લખેલી ચિઠ્ઠીના આધારે પોલીસે મહિલા સહિત 3 વ્યાજખોર વિરુધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

જીવરાજ પાર્કના ભાલે‌શ્વર સોસાયટીમાં રહેતા નિતીનભાઈ મકવાણા (ઉં.45) પત્ની જેનિફર (ઉં.43) અને દીકરા યશ (ઉં.16) સાથે રહેતાં હતાં. નિતીનભાઈ ઘરેથી ફોટોગ્રાફી અને જમીનની દલાલીનું કામ કરતા હતા. જ્યારે જેનિફર ઝાયડસ હોસ્પિટલમાં નર્સ છે. નીતિનભાઈને ધંધામાં પૈસાની જરૂર હોવાથી મહેશભાઈ રબારી પાસેથી રૂ.50 હજાર વ્યાજે લીધા હતા, જેની સામે નીતિનભાઈએ વ્યાજ સાથે રૂ.5 લાખ ચૂકવી દીધા હતા તેમ છતાં મહેશભાઈ અને ચંપાબહેન વતી સેંઘાભાઈ પૈસાની ઉઘરાણી કરતા હતા.

આટલું જ નહીં આ લોકોએ નીતિનભાઈ પાસે પ્રોમિસરી નોટ લખાવી લીધી હતી અને રૂ.18 લાખ બાકી હોવાનું કહીને પૈસાની ઉઘરાણી માટે ફોન કરીને તેમ જ ઘરે આવીને ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતા હતા. આ લોકોના પૈસાની ઉઘરાણીના ત્રાસથી કંટા‌ળીને નીતિનભાઈએ ગત 5 સપ્ટેમ્બરે બપોરે ઘરમાં પંખાના હુક સાથે પટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટનાની જાણ થતા વાસણા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે તપાસ કરતા નીતિનભાઈએ આત્મહત્યા કરતા પહેલા ચિઠ્ઠી લખી હતી, જેમાં જીવરાજ પાર્કના શિવનગર ફ્લેટમાં રહેતા મહેશભાઈ રબારી, ચંપાબહેન રબારી તેમ જ સેંઘાભાઈની પૈસાની ઉઘરાણીના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યા હોવાનું લખ્યંુ હતંુ, જેના આધારે વાસણા પોલીસે ત્રણેય વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...