ખબરદાર જમાદાર:બોલો... મસાજનાં શોખીન મહિલા અધિકારીએ સરકારી ખર્ચે થેરાપિસ્ટ રાખી, એક PIએ તો ચાવાળાનું 1300નું કરી નાખ્યું!

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે.

અત્યારે રાજ્યના પોલીસબેડામાં એક મહિલા ઓફિસર પોતાના મસાજ કરાવવાના શોખને લીધે ખૂબ ચર્ચામાં છે. આ માટે મેડમે એક પર્સનલ થેરાપિસ્ટ રાખી છે, જે નિયમિત રીતે મેડમના બંગલે જાય છે. એટલું જ નહીં, મજાની વાત તો એ છે કે પોતાની આ પર્સનલ થેરાપિસ્ટનો આખો પગાર મેડમની ભલામણથી જિલ્લાની જ સરકારી હોસ્પિટલના કોન્ટ્રેક્ટ પરના કર્મચારીના ક્વોટામાંથી નીકળે છે. મેડમ જ્યારે ફિલ્ડમાં હોય અને મસાજ કરાવવાની ઈચ્છા થઈ જાય તો તેઓ થેરાપિસ્ટને સીધી સરકારી હોસ્પિટલમાં બોલાવી લે છે અને ત્યાં મહિલા મેડમને મસાજ પણ કરી આપે છે. બાકીનો સમય તો આ મસાજવાળાં બહેન હોસ્પિટલમાંથી ગાયબ જ રહે છે. આમાં તો મેડમને પણ ફાવી ગયું છે અને મસાજ કરવાવાળી થેરાપિસ્ટને પણ. હોસ્પિટલનો સ્ટાફ પણ પેલાં મહિલા અધિકારીના ખોફથી કશું કહી શકતો નથી અને બંનેનું કામ પણ ચાલી જાય છે.

રેડ વિજિલન્સની પણ લોટરી આ જયેશને લાગી
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિજિલન્સની ટીમે લાલ આંખ કરી છે અને શહેરના દારૂ-જુગારના અડ્ડા પર રેડ પાડીને ફફડાટ ઊભો કરી દીધો છે. હવે અમદાવાદમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં જોરદાર એવા જયેશને લોટરી લાગી હોય એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે જયેશના વિસ્તારમાં દારૂની ટ્રક પકડાઈ, ત્યાર બાદ તેને વધુ બે પોલીસ સ્ટેશનના વહીવટ મળી ગયા. આજે તે અમદાવાદના મધ્ય વિસ્તાર હોય કે રિંગ રોડ પરનો વિસ્તાર, આ વિસ્તારમાં તમામ બૂટલેગરો સાથે સંબંધો રાખતો હોવાની ચર્ચાએ જોર પકડી છે.

પાસપોર્ટ વેરિફિકેશ માટે મહિલાકર્મીનું અનોખું રેટ લિસ્ટ
અમદાવાદના પૂર્વના એક પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટનું કામ કરતાં એક મહિલા કર્મચારીએ તેમની કામગીરીનું અનોખું રેટ લિસ્ટ બનાવ્યું છે. જે લોકો પોતાના પાસપોર્ટ વેરિફિકેશન માટે આ પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે સહી કરાવવાના બદલામાં આ મહિલા કર્મીને તેની એક ફિક્સ રકમ આપવી જ પડે છે. જાણે તેમણે એક ફિક્સ રેટ કાર્ડ નક્કી કરી હોય એમ આ રકમ ચૂકવવી જ પડે છે. કોઈ વ્યક્તિ પાસપોર્ટ વેરિફિકેશનમાં પહોંચે એટલે આ મહિલા તેને અમુક રકમ ચૂકવવાનો હુકમ કરી દે છે અને કહે છે કે મારે છેક ઉપર સુધી પૈસા આપવાના હોય છે. હાલ એવી પણ ચર્ચા છે કે આ મહિલા કર્મચારી પોતાના પોલીસ સ્ટેશનના પીઆઇને પાસપોર્ટના જ દર મહિને 15 હજાર રૂપિયા આપે છે.

પોલીસ સ્ટેશનનો કર્મચારી સીધો મેનેજર બની ગયો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અડીને આવેલા પોલીસ સ્ટેશનમાં રાજ નામના એક મેનેજરની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. આ વિસ્તારમાં પીઆઇને કોઈપણ તકલીફ પડે તો એક ઇવેન્ટ મેનેજરની જેમ રાજ હંમેશાં તૈયાર જ હોય છે. લોકો રાજ તરીકે ઓળખતા આ પોલીસકર્મચારીની નોકરી બીજા પોલીસ સ્ટેશનમાં છે, પરંતુ તેને તે પોલીસ સ્ટેશનમાં નોકરી કરવી ગમતી જ નથી. તેથી જ તો અમદાવાદના પૂર્વ રિંગ રોડ તરફનાં તમામ પોલીસ સ્ટેશનમાં તે વિસ્તારના પીઆઇની મેનેજર તરીકે આગતાસ્વાગતતા કરવામાં જ તેનો આખો સમય વીતી જાય છે. થોડા સમય પહેલાં આ મેનેજરને શિક્ષાના ભાગરૂપે બીજે નોકરી પણ આપવામાં આવી હતી.

એક IPSએ પીઆઇને 40 લાખની વર્ધી આપી
અમદાવાદ શહેરમાં એક IPS અધિકારીએ બે-પાંચ હજારની નહીં પણ પૂરા રૂ. 40 લાખની વર્ધી એક પીઆઇને આપી દીધી છે. પહેલા આ પીઆઈને હતું કે સાહેબે તેમને બોલાવ્યા છે અને એક વ્યક્તિને કામ પૂરું કરવા માટે જણાવ્યું હતું. એટલે સાહેબ તેમના પર ખુશ છે એવું લાગ્યું હતું. થોડીવારમાં પોલીસ-ઇન્સ્પેક્ટર બેઠા હતા ત્યારે IPSનો માણસ તેમની પાસે આવ્યો અને સાહેબે કીધી છે એ વસ્તુ લઈ આપવા માટે જણાવ્યું હતું, એટલે પીઆઈએ ખુશી ખુશી પૂછ્યું કેટલાની વસ્તુ છે? એટલે સામેવાળાએ સાચી રીતે કહ્યું, સાહેબ 40-45 લાખની હશે. આ સાંભળીને પીઆઇના તો મોતિયા જ મરી ગયા હતા, પરંતુ હવે તે કરે તોપણ શું કરે?

બોલો, આ પીઆઈએ તો ચાવાળાનું 1300નું કરી નાખ્યું
અમદાવાદમાં એક પોલીસ-ઇન્સ્પેક્ટરની તાજેતરમાં બદલી થઈ હતી. પોલીસ-ઇન્સ્પેક્ટરે ઉત્સાહમાં આવીને બધાને મીઠાઈ ખવડાવી અને નવી જગ્યાએ પોસ્ટિંગ પણ લઈ લીધું. આ તો પછી ખબર પડી કે ચા પીવાના શોખીન પીઆઈએ ગરીબ ચાવાળાને રૂ. 1300નું બિલ તો ચૂકવ્યું નહીં અને હાથ હલાવતા ઊપડી ગયા. આ ગરીબ માણસને ત્યારે ખબર પડી કે સાહેબ રૂપિયા આપ્યા વગર નીકળી ગયા છે ત્યારે તેને સાહેબને અને તેમનાના માણસને ફોન કરવાનો પ્રયાસ કર્યો. તે માણસ પણ આજે રૂપિયા આપું, કાલે આપું એમ કહેવા લાગ્યો. હવે તો પેમેન્ટ માટે આ ગરીબ ચાવાળો લટકી ગયો છે.

એક IPS સાહેબ એવા જેમની પાસે ના ઓફિસ ના સ્ટાફ
એક નવા સવા IPS બનેલા સાહેબની અત્યારે કફોડી હાલત થઈ ગઈ છે. તેમને કામ નથી આવડતું એવું કહીને કી પોસ્ટ પરથી હટાવી દેવાયા છે. તેમને વિભાગની સાવ નબળી ગણાતી કામગીરીમાં હોદ્દો આપી દેવાયો છે. અહીં તેમને હોદ્દો અપાયો ત્યાં બે મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે, પરંતુ હજી સુધી તેમને ચેમ્બર સુધ્ધાં મળી નથી. આ ઉપરાંત તેમની પાસે તેમનો કોઈ સ્ટાફ પણ નથી. આવામાં આખો દિવસ આ IPS સાહેબ બીજા કોઈ અધિકારીની ચેમ્બરમાં બેસીને પોતાનો સમય પસાર કરે છે. એવું પણ નથી કે તેમણે ચેમ્બર અથવા સ્ટાફ મેળવવા ધમપછાડા નથી કર્યા, પરંતુ દરેક વખતે તેમને એવી ધરપત આપીને ટાળી દેવાય છે કે થઈ જશે.. થઈ જશે... હવે તો સાહેબને પણ સમજાઈ ગયું છે કે આગળનો રસ્તો તેમના માટે આસાન નથી.

બાઘાએ વહીવટ કર્યો ને દારૂ કટિંગમાંથી નામ નીકળી ગયું
પોલીસબેડાની છાને ખૂણે ચાલી રહેલી એક ચર્ચા એવી પણ છે કે સૌરાષ્ટ્રના એક શહેરમાં થોડા સમય પૂર્વે દારૂનું કટિંગ ચાલુ હતું ને પોલીસે દરોડા પાડી બે જણને પકડી લીધા. પકડાયેલા બન્ને બૂટલેગરે પૂછપરછમાં કુખ્યાત અલ્તાફ છ આંગળીના દારૂનું નામ લીધું. આ ગેરકાનૂની ધંધાનો તમામ વહીવટ બાઘા નામનો શખસ કરતો અને દારૂનું કટિંગ થયાની વિગતો ખૂલી હતી. બાઘાનું નામ ખૂલતાં જ પોલીસને મધ દેખાઈ ગયું અને અન્ય મારફત બાઘાનો સંપર્ક કર્યો. દારૂના કેસમાં નામ ખૂલે છે એવો દમ મારતાં જ બાઘાએ વહીવટ કરી લેવા કાકલૂદી કરી. આમાં લાખો રૂપિયાની લેવડ-દેવડ થઈ ગયાની પણ ચર્ચા છે, જેને કારણે જ આ કેસમાંથી બાઘાનું નામ બાકાત થઈ ગયું. સત્ય તો પકડાયેલા બન્ને બૂટલેગર, બાઘો અને જેના હસ્તક વહીવટ થયો એ જાણે, પરંતુ આ તોડકાંડની કાનાફ્સી અત્યારે પુરજોશમાં ચાલુ છે.

સુરતના એક પીઆઇ ધારાસભ્યને ખુશ કરવા સદા તત્પર
સુરતના એક પોલીસ મથકના પીઆઇની કામગીરી હંમેશાં વિવાદમાં રહી છે. જોકે તેમની આ વિવાદાસ્પદ કામગીરી હંમેશાં એક ધારાસભ્યને ખુશ રાખવાના ઇરાદે ચાલી રહી છે. સુરતના પરપ્રાંતિયોની ઝાઝી વસતિ ધરાવતા વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈ સ્થાનિક ધારાસભ્યને ખુશ રાખવા ખોટી ફરિયાદો કરતાં પણ ખચકાતા નથી. આ પીઆઈના સગા ભાઈ પણ પોલિટિકલી વેલ કનેક્ટેડ છે. ધારાસભ્યને ખુશ રાખવા આ પીઆઈએ કેટલાકને તો પાસા પણ કરી દીધા છે તો કેટલાકની ઉપર ખોટી ફરિયાદ ઊભી કરાવીને એટ્રોસિટી જેવી કલમ પણ લગાવી દીધી છે છતાં આ પીઆઈનો કોઈ વાળ વાંકો થઈ શક્યો નથી. આ પીઆઈ તો બોલિવૂડની ફિલ્મોની જેમ તેમના સાગરીતો દ્વારા રસ્તા પર અકસ્માતો કરાવે છે અને બાદમાં તેના જ વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરી તોડ કરે છે.

અન્ય સમાચારો પણ છે...