જટિલ સર્જરી:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાને 20 વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ મળી

અમદાવાદ9 મહિનો પહેલા
રાજસ્થાનના દર્દી પુષ્પાદેવી તથા તેમના પતિ
  • ખાનગી હોસ્પિટલમાં શક્ય નહોતી તે સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ થઈ

અમુક સર્જરી એવી છે કે જે તબીબી વિજ્ઞાન માટે આજના આધુનિક યુગમાં પણ પડકારરૂપ છે, પરંતુ ડોક્ટર્સના દૃઢ સંકલ્પ, અંગત સૂઝબૂઝ, જ્ઞાન કૌશલ્યથી જ આવી સર્જરીઓ સફળ થતી હોય છે. આવી જ એક કરોડરજ્જુની અતિ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમે માત્ર બે જ દિવસમાં સફળતાપૂર્વક પાર પાડીને રાજસ્થાનની એક મહિલાને 20 વર્ષના લાંબા સમયગાળાથી વેઠવી પડતી પીડામાંથી મુક્તિ અપાવી છે.

અગાઉ બે વખત ઓપરેશન કરાવ્યું હતુ
રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી પુષ્પાદેવી સોનીની ઉંમર પંચાવન વર્ષ છે અને છેલ્લાં 20 વર્ષથી તેમને કમરમાં અસહ્ય દુઃખાવો રહેતો હતો. આ દુઃખાવાના લીધે પુષ્પાદેવીને ઊભા રહેવામાં કે ચાલવામાં પણ ખુબ તકલીફ પડતી હતી. આ દુઃખાવામાંથી છૂટકારો મેળવવા તેમણે અગાઉ ખાનગી હોસ્પિટલોમાં વર્ષ 2000 અને વર્ષ 2014માં, એમ બે વખત ઑપરેશન કરાવ્યું હતું. પરંતુ તકલીફ પણ ધીરે ધીરે ઘટવાના બદલે વધતી જતી હતી. છેલ્લાં 3 વર્ષથી પુષ્પાબેનને અસહ્ય દુઃખાવાની સમસ્યા રહેતી હતી. આ પીડામાં રાહત માટે પુષ્પાદેવીના પરિવારજનોએ ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ તથા ઓર્થોપેડીક ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. પરંતુ ક્યાંય દર્દીને સંતોષકારક સારવાર મળી ન હતી.

સ્પોન્ડિલોલિસ્થેસિસના લીધે કમરમાં અસહ્ય દુખાવો તથા ચાલવા પર અસર થાય છે
સ્પોન્ડિલોલિસ્થેસિસના લીધે કમરમાં અસહ્ય દુખાવો તથા ચાલવા પર અસર થાય છે

સ્ક્રૂ તૂટી ગયા અને મણકા ખસી ગયાં હતાં
આખરે પુષ્પાદેવી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં એક્સ-રૅ, MRI તથા સીટી સ્કેન કરતાં જાણવા મળ્યું કે પુષ્પાદેવીની કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન દરમિયાન મુકવામાં આવેલા સ્ક્રૂ તુટેલા હતાં. તથા કમરનાં ચાર મણકાંમાં પણ સ્પોન્ડિલોલિસ્થેસિસ નામની તકલીફ હતી. આ સ્પોન્ડિલોલિસ્થેસિસની બે વખત અગાઉ સર્જરી કરવામાં આવી હતી. જેના કારણે મણકા ત્રીજા તબક્કા સુધી ખસી ગયા હતા. સ્પોન્ડિલોલિસ્થેસિસના લીધે કમરમાં અસહ્ય દુખાવો તથા ચાલવા પર અસર થાય છે.સ્ક્રૂ તૂટી જવાથી અને મણકા ત્રીજા તબક્કા સુધી ખસી જવાના કારણે આ સર્જરી જટિલ અને સંવેદનશીલ બની રહી હતી.

ચારેય સ્ક્રૂને કાઢવા સહિતની શસ્ત્રક્રિયા જરૂરી હતી
સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી. મોદી આ સર્જરીની ગંભીરતા સમજાવતાં કહે છે કે,પુષ્પાદેવીને ઝડપભેર દુઃખાવામાંથી રાહત મળે તે માટે કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન્સ દરમિયાન મુકાયેલા ચારેય સ્ક્રૂને કાઢવા સહિતની શસ્ત્રક્રિયા જરૂરી બની હતી. તબીબી શૈલીમાં આ સર્જરીને “રિવિઝન સ્પાઇન સર્જરી” કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારનાં ઓપરેશન ખુબ જ જટિલ ગણાય છે કારણકે ઓપરેશન દરમિયાન તુટેલાં સ્ક્રૂ કાઢતી વખતે કરોડરજ્જુના ખુબ જ નાજુક ભાગને ઇજા થવાનું જોખમ રહેલું હોય છે અને આવી ઇજા ખુબ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્ક્રૂ કાઢવામાં કરોડરજ્જુની નસને ઇજા થવાનું પણ ખુબ જ જોખમ હોય છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી. મોદી તથા દર્દી પુષ્પાદેવી
સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી. મોદી તથા દર્દી પુષ્પાદેવી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમને વિશ્વાસ હતો કે તેઓ પુષ્પાદેવીને આ સમસ્યામાંથી છૂટકારો અપાવશે જ.આ ટીમે સતત ન્યુરો મોનિટરિંગ સાથે આ જટિલ તથા જોખમી ઓપરેશન નિપુણતાપૂર્વક પાર પાડ્યું. હાલમાં પુષ્પાદેવી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઓપરેશન બાદ તેમને દુઃખાવામાં પણ આરામ છે. હવે પુષ્પાદેવીના ચહેરા પર પીડાના બદલે રાહતના હાવભાવ તરવરે છે.

અન્ય સમાચારો પણ છે...