• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Woman Died After Being Hit By A Truck, While A Minor Was Thrown Into The Air After Being Hit By A Bolero, 5 People Died In 5 Incidents Of Accidents.

અમદાવાદમાં 24 કલાકમાં 5નાં મોત:ટ્રકની અડફેટે મહિલાનું મોત તો બોલેરોએ ટક્કર મારતાં સગીરા હવામાં ફંગોળાઈ, અકસ્માતની 5 ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદ22 દિવસ પહેલા

અમદાવાદ શહેરમાં અકસ્માતના બનાવ ખુબ જ વધી રહ્યા છે. ત્યારે 24 કલાકમાં અમદાવાદમાં અકસ્માતના અલગ અલગ 5 બનાવ બન્યા છે જેમાં 5 વ્યક્તિઓના મોત થયા છે. 5 વ્યક્તિઓના મોત થયા તેમાં નાની બાળકી, આધેડ અને વૃદ્ધ એમ તમામ અલગ અલગ વયના લોકો છે. લોકોની ઉતાવળ અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોટા ભાગના કિસ્સામાં અકસ્માત એટલા ગંભીર હતા કે અકસ્માત બાદ સ્થળ પર જ વ્યક્તિઓના મોત થયા હતા.

બેફામ ટ્રકે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લીધી
સેટેલાઈટ રામદેવનગર ટેકરા 62 વર્ષીય દેવીબેન છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે રાત્રીના સમયે ઈસ્કોન ઓવરબ્રીજ ઝાયડસ બિલ્ડીંગની સામેથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન બેફામ ચાલી આવેલા ટ્રકે દેવીબેનને અડફેટે લેતા તેઓ જમીન પર પટકાય હતા. જેના કારણે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો.

બોલેરોએ ટક્કર મારતા સગીરા હવામાં ફંગોળાઈ
બીજી ઘટનામાં વટવાના મહાવીરનગરમાં નંદુ રાજભર કાંકરિયા રેલવે યાર્ડમાં છૂટક મજૂરી કામ કરે છે. તેમની 16 વર્ષની દીકરી અંકુર ધોરણ 10માં અભ્યાસ કરે છે. વહેલી સવારે અંકુર સાઈકલ લઈને વટવા ગુજરાત ઓફ્સેટ ચાર રસ્તાથી મહાલક્ષ્મી ચાર રસ્તા તરફથી સ્કૂલે જઈ રહી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારે અંકુરની સાઈકલને ટક્કર મારી હતી. જેના કારણે અંકુર 3 ફૂટ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાઈ હતી.

બાઈકની ટક્કર 65 વર્ષીય વ્યક્તિનું મોત
ત્રીજી ઘટનામાં નિકોલની રાધેશ્યામ રેસીડેન્સીમાં રહેતા 65 વર્ષીય દિનેશભાઈ પંચાલ નિવૃત જીવન ગુજારે છે. ગત 2 તારીખે રાત્રીના સમયે દિનેશભાઈ બાપાસિતારામથી કલ્યાણ ચોક તરફ ચાલતા જતા હતા. તે સમયે શિવ રેસીડેન્સી પાસે એક પૂરપાટ ઝડપે આવતી બાઈકે તેમને ટક્કર મારી હતી. જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા દિનેશભાઈને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત
ચોથી ઘટનામાં કુબેરનગરમાં રહેતા ધર્મેશ વૈષ્ણવ સોમવારે સાંજના સમયે કામ અર્થે ગેલેક્ષી ગયા હતા. આ દરમિયાન તેમની ફોઈ લક્ષ્મીબેનનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યુ હતુ કે, તારા કાકા રાધેશ્યામ (ઉ.વ.66)નો મેઘાણીનગર એફએસએલ ચાર રસ્તા પાસે બાઈક અકસ્માત થયો છે. જેથી ધર્મેશ તે જગ્યાએ પહોંચ્યો ત્યારે જાણવા મળ્યુ હતુ કે, રાધેશ્યામભાઈ બાઈક લઈને એફએસએલ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા મોત નીપજ્યું હતું.

પૂરપાટ ઝડપે આવતી એસટી બસે યુવકનું મોત
પાંચમી ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ એએસઆઈ ઈબ્રાહિમખાનને વર્ધી મળી હતી કે, એનઆઈડી સર્કલ પાસેના રિવરફ્રંટ હોટલની સામે એક અકસ્માત થયો છે, જેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેથી પોલીસનો સ્ટાફ સિવિલ પહોંચી પુછપરછ હાથધરી હતી. ત્યારે જાણવા મળ્યુ હતુ કે, 35 વર્ષની ઉંમરનો અજાણ્યા શખ્સ એનઆઈડી સર્કલ તરફ ચાલતો જતો હતો, તે સમયે એસટીબસના ચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારીને યુવકને ટક્કર મારી હતી.

અન્ય સમાચારો પણ છે...