ભાસ્કર એક્સક્લૂસિવમેટ્રો બન્યું અમદાવાદીઓનું નવું પિકનિક સ્પોટ:શનિ-રવિ હોય કે રજા, મેટ્રો રાઇડ માટે સવારથી જ ફેમિલીની ભીડ જામે છે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • સાબરમતી પરથી ટ્રેન પસાર થતાં જ પાડે છે ચિચિયારીઓ!

અમદાવાદીઓ જેની વર્ષોથી આતુરતાથી રાહ જોતા હતા એ મેટ્રો ટ્રેન હવે સંપૂર્ણપણે દોડતી થઈ ગઈ છે. મેટ્રોના બંને રૂટ શરૂ થયા ત્યારથી જ શહેરીજનોને તો જાણે લોટરી લાગી ગઈ છે. રોજબરોજના વપરાશકારોની ભીડ તો રહે જ છે, પરંતુ શનિ-રવિ તો વિશેષ ભીડ થવા લાગી છે. વીકેન્ડ અને રજાના દિવસે સવારથી જ અમદાવાદીઓ ફેમિલી સાથે એ રીતે મેટ્રો સ્ટેશને ઊમટી પડે છે કે જાણે તેમના માટે નવું પિકનિક સ્પોટ ના બની ગયું હોય! ફરવાના શોખીન અમદાવાદીઓ રવિવારે મેટ્રોમાં સવાર થઈને શહેરનાં વિવિધ સ્થળોએ ફરવા જવા લાગ્યા છે.

એલિવેટેડ રૂટ પર શહેર અલગ અંદાજમાં જોવા મળે
અમદાવાદમાં રવિવારે મેટ્રો ટ્રેનમાં સફર કરવા આવેલા લોકો સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. એમાં લોકો પોતાના પરિવાર સાથે મેટ્રો ટ્રેન સફરનો અનુભવ વર્ણવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે ટ્રેનમાં સફર કરવાની ખૂબ જ મજા આવે છે. દર રવિવારે શહેરની વિવિધ જગ્યાએ ફરવા જતા હોય છે, પરંતુ મેટ્રો ટ્રેનમાં ફરવાનો ખૂબ જ અલગ અનુભવ મળે છે. એનું સૌથી મોટું કારણ એલિવેટેડ બ્રિજ પરની સફર છે, જ્યાંથી શહેરનો નજારો જોવા મળે છે.

સારી સુવિધાઓ, ક્લીન એન્ડ નીટ મેટ્રો
મેટ્રો ટ્રેનમાં સફર કરવા આવેલા નૂપુર શાહે જણાવ્યું હતું કે રવિવારે અમદાવાદમાં લોકો વિવિધ કેફે, રિસોર્ટ વગેરે જગ્યાએ જતા હોય છે, પરંતુ મેટ્રો ટ્રેન શરૂ થઈ છે, ત્યારે ટ્રેનમાં સફર કરવાની મજા આવી છે. રવિવારે ફરવા માટે હવે આ એક પિકનિક સ્થળ બની ગયું છે. આનું કારણ એ છે કે મેટ્રોમાં સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાય છે અને ટ્રેનમાં ફરવાની ખૂબ જ મજા આવે છે. રુચિત શેઠે જણાવ્યું હતું કે મેટ્રોમાં રવિવારે મુસાફરી કરવાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે, સારી સુવિધાઓ સાથેની આ મેટ્રો ટ્રેનમાં ફરવાની મજા આવે છે.

સાબરમતી પરથી નજારો તો આહલાદક રહ્યો
પૌત્રને લઈ મેટ્રો ટ્રેનમાં સફર કરવા માટે આવેલા કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે મેટ્રો ટ્રેનમાં નાનાં બાળકોને ખૂબ જ મજા આવે છે, જેથી હું મારા પૌત્રને લઈને મેટ્રો ટ્રેનમાં સફર કરવા માટે આવ્યો હતો. સાબરમતી નદી ઉપરથી ટ્રેન જ્યારે પસાર થઈ ત્યારે બાળકોને જોવાની ખૂબ જ મજા આવી હતી. સામાન્ય રીતે રવિવાર હોય ત્યારે રિવરફ્રન્ટ અથવા બગીચામાં ફરવા માટે બાળકોને લઈને જતા હોય છે, પરંતુ હવે મેટ્રો ટ્રેન શરૂ થઈ છે ત્યારે ટ્રેનમાં બેસવા માટે બાળકોને લઈને અહીં આવ્યા છીએ.

મેટ્રો એટલે સસ્તા ભાડે આખા અમદાવાદની યાત્રા
રોટરી ક્લબના 32 જેટલા સભ્ય રવિવાર હોવાથી મેટ્રો ટ્રેનની મજા માણવા માટે પહોંચ્યા હતા. રોટરી ક્લબના સભ્ય એવા ડો. મુકેશ બાવીશીએ જણાવ્યું હતું કે મેટ્રો ટ્રેન એ ખૂબ જ સારી સુવિધા અમદાવાદીઓને મળી છે અને દર રવિવારે જ્યારે આખું અમદાવાદ બહાર ફરવા માટે નીકળી જતું હોય છે ત્યારે મેટ્રો ટ્રેનમાં સફર કરવી એ ખૂબ જ સસ્તી અને સારી જગ્યા છે. મેટ્રો ટ્રેનમાંથી રવિવારે આખું અમદાવાદ જોઈ શકાય એવો અનુભવ થાય છે.

મેટ્રો ટનલમાંથી નીકળે એટલે છોકરાઓ ચિચિયારી પાડે છે
જ્યારે કિંચિત નામના મુસાફરે જણાવ્યું હતું કે રવિવારે આમ તો લોકો એસજી હાઇવે અને બીજી બધી જગ્યાએ ફરવા માટે જતા હોય છે, પરંતુ અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ મળી છે. ત્યારે અમે પરિવાર સાથે ટ્રેનમાં સફર કરવા માટે આવ્યા છીએ. વાહનમાં સાબરમતી નદી પરથી પસાર થઈએ અને જ્યારે મેટ્રો ટ્રેનમાંથી પસાર થઈએ તો બન્ને વચ્ચે ખૂબ મોટો તફાવત જોવા મળે છે. મેટ્રોમાં ખૂબ જ અલગ અનુભવ થાય છે. ત્યારે મેટ્રો ટ્રેન ટનલમાંથી પસાર થયા છે ત્યારે લોકો જે ચિચિયારીઓ પાડે છે એ અનુભવ ખૂબ જ સારો છે.

મોરબીથી લગ્નમાં આવ્યા ને મેટ્રોમાં ફરવા નીકળ્યા
જ્યોતિ ચૌહાણે જણાવ્યું હતું કે મોરબીથી અમદાવાદ લગ્નમાં આવ્યાં હતાં અને રવિવાર હોવાથી મેટ્રો ટ્રેનમાં સફરની મજા માણી. મેટ્રો ટ્રેનમાં પહેલીવાર બેસવાનો ખૂબ જ સારો અનુભવ છે, આજે રવિવાર હોવાથી ભીડ છે. સાબરમતી નદી અને અંડરગ્રાઉન્ડ ટનલમાંથી ટ્રેનમાં પસાર થયા ત્યારે ખૂબ જ મજા આવી.

થલતેજ-વસ્ત્રાલ રૂટ પર રોજના 20 હજાર પેસેન્જર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કર્યા બાદ મેટ્રો ટ્રેન 2 ઓક્ટોબરથી લોકો માટે શરૂ કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતા વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના રૂટ પર રોજના સરેરાશ 20 હજાર જેટલા લોકો મુસાફરી કરે છે, જ્યારે 6 ઓક્ટોબરથી ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતા મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીના રૂટ પર રોજના સરેરાશ 12 હજાર જેટલા લોકો મુસાફરી કરે છે. વસ્ત્રાલથી થલતેજના રૂટ પર અંદાજે રોજની 4થી 5 લાખની જ્યારે મોટેરાથી વાસણા એપીએમસી સુધીના રૂટ ઉપર 2 લાખની આવક થાય છે.

અન્ય સમાચારો પણ છે...