જમીન માલિકો ચોકીદારથી ચેતજો:અમદાવાદમાં જમીનના ચોકીદારે જ વેપારીની જમીન પચાવી પાડી, જમીન માલિકને જાનથી મારી નાંખવાની ધમકી આપી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં વર્ષોથી જમીન માફીયાઓ જમીન હડપ કરી રહ્યા છે. 6 મહિના પહેલા ગુજરાત સરકારે પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કરીને દોષિતને 10થી 14 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરી હતી. અમદાવાદ શહેરમાં આજે લેન્ડ ગ્રેબિંગનો વધુ એક કેસ સામે આવ્યો છે. શહેરના જુહાપુરામાં આવેલી જમીનના માલિકે જે ચોકીદારને જમીનની રખેવાળી કરવાની જવાબદારી સોંપી હતી તેણે જ જમીન કબજે કરી લીધી છે. આ મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપી એવા મુરાદખાન પઠાણ, સલમાનખાન પઠાણ અને વહાબખાન પઠાણની ધરપકડ કરી છે.

આમિર સુરતી નામના વેપારીની જમીન પચાવી પાડી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જુહાપુરામાં રહેતા અને પીરાણામાં કમલ પ્રોસેસ ટેક્સટાઈલનાં નામે કાપડનું ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગનું કામ કરતા આમિર સુરતી નામના વેપારીએ લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એક્ટ હેઠળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં વેપારીની માલિકીની ફતેવાડી ગ્યાસપુરની જમીન તેઓએ પોતાના પગી મુરાદ ખાનને ધ્યાન રાખવા માટે આપી હતી. જમીન માલિકે નવેમ્બર 2020માં ખાલી કરવાનું કહેતા ચોકીદાર મુરાદ ખાન પઠાણે કાવતરું રચીને પરિવાર સાથે મળી જમીન ખાલી કરી નહોતી. માત્ર એટલું જ નહીં, વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

આરોપીની પત્નીની કપડાં ફાડી પોલીસ સ્ટેશન જવાની ધમકી
વેપારીએ પોતાની મલિકીની જમીન પર CCTV કેમેરા લગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ ભેગા મળીને જગ્યા પર પ્રવેશ આપ્યો ન હતો. તેમજ ચોકીદાર મુરાદ ખાનની માતાએ વેપારીને પોતે સળગી જવાની, મુરાદ ખાનની પત્નીએ કપડાં ફાડીને પોલીસ સ્ટેશન જવાની ધમકી આપી હતી. આમ જમીન માલિકના અનેક પ્રયાસો છતાં આરોપીઓએ જમીન ખાલી કરી નહોતી.

મહત્વનું છે કે સરકારે જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે બનાવેલા લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નઝીર વોરા સામે પણ ગુનો નોંધાયો હતો, ત્યારે વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં ફરાર બે મહિલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજ્યમાં 317થી વધુ ભૂ માફિયાઓ જેલ ભેગા
ગુજરાતમાં સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી શરુ કરી છે. સમગ્ર રાજ્યમાં ભૂમાફિયાઓ સામે 133થી FIR કરવામાં આવી છે. જ્યારે 144 ચાર્જશીટ દાખલ કરીને 317થી વધુ ભૂમાફિયાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં 1384 વિઘાથી વધુ જમીન તેમના મૂળ માલિકોને પરત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો સંદર્ભની 57 અરજીઓ મળી છે.