ભાસ્કર એક્સક્લૂસિવ:અમદાવાદ એરપોર્ટના એરાઇવલ એરિયા પાસેનો 'વોશરૂમ’ સોનાની દાણચોરીનું હબ

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: ભાવિન પટેલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • ડ્યૂટી ભર્યા વગર અત્યારસુધીમાં કરોડોની કિંમતના સોનાની દાણચોરી થઈ હોવાની આશંકા
  • સોનાની દાણચોરી કરનારા એરોબ્રિજમાંથી ઊતરી સીધા વોશરૂમમાં ઘૂસી જાય છે

સોનાની દાણચોરીનું હબ બની ગયેલા અમદાવાદ એરપોર્ટ પર દુબઇથી લોડરની મદદથી કસ્ટમ ડ્યૂટી ભર્યા વિના બારોબાર સોનું વેચવાનું રેકેટ પકડાયું છે. આ રેકેટમાં એરપોર્ટ કસ્ટમ્સના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પણ મિલીભગત હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. અગાઉ સોનાની દાણચોરીમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર, એરલાઇન્સ સ્ટાફની સંડોવણી બહાર આવી ચૂકી છે. એરપોર્ટ પર સોનાની દાણચોરી માટે એરપોર્ટ એરાઇવલના ‘વોશરૂમ’નો ઉપયોગ થઈ રહ્યો છે.

એરપોર્ટ સૂત્રોના મતે, આ મોડસ ઓપરેન્ડીથી અત્યારસુધીમાં અનેકવાર મોટી માત્રામાં સોનું એરપોર્ટ બહાર કાઢી દેવાયું છે. એરપોર્ટના એરાઇવલનો વોશરૂમ એવી જગ્યાએ બનાવાયો છે, જ્યાંથી સોનાની સરળતાથી દાણચોરી કરી શકાય છે. આમ, અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે સોનું ઘૂસાડીને અત્યારસુધીમાં કરોડોની ડ્યૂટી ચોરી કરાઈ હશે. સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોના મતે, સોનાની દાણચોરીમાં એરપોર્ટ-કસ્ટમના અધિકારી, કર્મચારીની પણ શંકાસ્પદ ભૂમિકા છે.

આ છે સોનાની દાણચોરી માટેની મોડસ ઓપરેન્ડી
એરપોર્ટ સુરક્ષા સાથે સંકળાયેલી એજન્સીઓનાં સૂત્રોના મતે, સોનાની દાણચોરી કરવા અવનવી મોડસ ઓપરેન્ડી અજમાવાઈ રહી છે. એરપોર્ટના સ્ટ્રક્ચર મુજબ, વિદેશથી આવનારા મુસાફરો ફ્લાઈટમાંથી એરોબ્રિજ મારફત બહાર આવે છે. ટર્મિનલમાં પ્રવેશ કરતાં જ સીડીથી નીચે ઊતરી ઇમિગ્રેશન વિભાગમાં જાય છે. એ પહેલાં જમણી બાજુ વોશરૂમ છે. જે મુસાફર સોનું લઈને આવ્યો હોય તે અંદર જતો રહે છે. વળી, અહીં સીસીટીવી પણ નથી, જેથી પકડાઈ જવાનો ડર નથી. અહીં વોશરૂમના ડસ્ટબિન કે અન્ય જગ્યાએ સોનું મૂકી દેવાય છે. ત્યાર પછી કેરિયર કે મુસાફર ટર્મિનલની બહાર નીકળીને કસ્ટમ્સ અધિકારીઓ, એરલાઇન્સના અન્ય કર્મચારીઓને સંપર્ક કરી લોડરો કે સફાઈકર્મીની મદદથી સોનું બહાર કાઢી દે છે.

ટોઇલેટમાંથી સફાઇકર્મીને કિલો સોનું મળ્યું
હજુ થોડા દિવસ પહેલાં જ એક 21 વર્ષીય સફાઇકર્મીને અમદાવાદ એરપોર્ટના ટોઇલેટમાંથી એક કિલો સોનુ મળ્યું હતું. તે તેણે કસ્ટમ્સને સુપરત કરી દીધું હતું. આ પ્રામાણિકતા બદલ તેને ઇનામ આપીને પણ સન્માનિત કરાયો હતો.

મોટા ભાગના કેસ ડીઆરઆઇએ કર્યા હતા
થોડા વખત પહેલાં અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સતત સોનાની હેરાફેરી થતી હતી. આમ મોટા ભાગના દાણચોરીના કેસ ડિરેક્ટોરેટ રેવન્યુ ઓફ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા કરવામાં આવ્યા હતા અને કેરિયરોની સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો.

સમયાંતરે અધિકારીની બદલી કરાય છે
કેટલાક કેસમાં કસ્ટમ્સ સુપરિન્ટેન્ડન્ટની સંડોવણી બહાર આવ્યા બાદ તમામ સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી, એરપોર્ટ પર કેરિયરો સાથે ચેનલ ન ગોઠવાય એ માટે એરપોર્ટ કસ્ટમ વિભાગમાં અમુક સમયના અંતરે અધિકારીઓની બદલી કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...