વધુ એક શિવાંશ:અમદાવાદમાં સ્પામાં કામ કરતી યુવતી કુંવારી માતા બનતાં નવજાત શિશુને તરછોડ્યું, બાળકને સીડી પર મૂકતાં જ સ્થાનિકોએ ઝડપી લીધી

અમદાવાદ12 દિવસ પહેલા
બાળક અને તેની માતા.
  • વેજલપુરના શ્રીનંદનગર એપાર્ટમેન્ટની સીડીમાં બાળક રડવાનો અવાજ આવતો હતો
  • બાળકનો રડવાનો અવાજ સાંભળી મહિલા ત્યાં પહોંચી
  • સીડીમાં કોઈનો ઊતરવાનો અવાજ આવ્યો અને બૂમાબૂમ થતાં યુવતી ઝડપાઈ ગઈ

હાલ આડાસંબંધો દ્વારા થયેલા સંતાનને તરછોડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. મહેંદી પેથાણી અને સચિન દીક્ષિત પ્રેમપ્રકરણમાં મહેંદી કુંવારી માતા બની અને ત્યાર બાદ પ્રેમી સચિને દીકરા શિવાંશને તરછોડ્યો હતો. શિવાંશને તરછોડવાના 6 દિવસમાં અમદાવાદમાં બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરના વેજલપુરના શ્રીનંદનગર એપાર્ટમેન્ટની સીડીમાં બાળક રડવાનો અવાજ આવતો હતો, જેથી આસપાસ રહેતી મહિલાએ બહાર આવીને જોયું તો એક નવજાત બાળક રડી રહ્યું હતું. એટલામાં સીડીમાં કોઈનો ઊતરવાનો અવાજ આવ્યો અને બૂમો પડતાં સ્થાનિકો દ્વારા મહિલાને પકડી પાડવામાં આવી હતી.

ત્યાર બાદ આ મહિલાએ નવજાત બાળક તેનું જ હોવાનું અને કુંવારી માતા બનતાં બાળક તરછોડ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જ્યારે બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યું છે.

મહિલાએ બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો
શ્રીનંદનગર એપાર્ટમેન્ટના બીજા માળે સવારના સમયમાં રોજની જેમ લોકો ઘરની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે કોઈ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ અવાજ સાંભળીને આસપાસની મહિલાઓ જ્યાં બાળક રડતું હતું એ સ્થળે પહોંચી હતી. બાળકને રડતું જોઈને મહિલા બૂમાબૂમ કરવા લાગી હતી.

પ્રેમી છોડીને જતો રહેતાં યુવતીએ બાળકને તરછોડ્યું
આ સમયે સીડીમાંથી એક યુવતી દોડતી સોસાયટીના ગેટ તરફ જતી હતી, પરંતુ સ્થાનિકોએ બૂમાબૂમ કરતાં લોકોએ યુવતીને પકડી લીધી હતી અને પછી જે જાણવા મળ્યું એ ખૂબ ચોંકાવનારી બાબત હતી. આ યુવતી મિઝોરમની રહેવાસી છે. તે અહીં સ્પામાં કામ કરતી હતી. તેને સુનીલ નામના એક યુવક સાથે પ્રેમ હતો. તે ગર્ભવતી બની, પણ સુનીલ તેને મૂકીને જતો રહ્યો હતો. સુનીલના કોઈ પતો ન લાગ્યો અને એ દરમિયાન યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો.

બાળકને જન્મ તો આપ્યો, પણ કુંવારી માતા હોવાથી તે કઈ રીતે બાળકને રાખશે એ જાણીને આ એપાર્ટમેન્ટમાં બાળકને મૂકી ગઈ હતી, પરંતુ લોકોએ પકડી લેતાં હાલ પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી છે.

પ્રેમિકાની હત્યા કરી શિવાંશને તરછોડવાની ઘટના ગુજરાતભરમાં ગાજી
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ તેણે શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પોલીસ આરોપી સચિનને લઇને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી, જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક શખસ જતો રહ્યો. ત્યાર બાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી અને સચિનની ઓળખ થઈ હતી. હાલ શિવાંશને ઓઢવના શિશુ ગૃહમાં રાખવામાં આવ્યો છે. જ્યારે સચિન પોલીસના કબ્જામાં છે.