અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર વોશ માટે ઇકોફ્રેન્ડલી સર્વિસ શરૂ કરવામાં આવી છે. સર્વિસ પાર્ટનર ક્લીન કાર્ટ દ્વારા અનોખી રીતે ડિઝાઈન કરાયેલા કાર વોશ સેન્ટર પર તમામ મુસાફરો સહિત પીકએપ-ડ્રોપિંગ માટે આવતા લોકો પણ આ સુવિધાનો લાભ લઇ શકાશે. આ સુવિધાથી માત્ર 20 મિનિટમાં 1.5 લીટર પાણીથી કાર વોશ કરવામાં આવશે.
મુસાફરો અને સગા-સંબંધીઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે
એરપોર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કારને ક્લીન કાર્ટ વોશ કરવાનું કામ કરશે. એટલે કે, એરપોર્ટ પાર્કિંગમાં કાર પાર્ક કરીને જતા મુસાફરોને વધુ એક સુવિધા મળશે. જોકે, પાર્કિંગમાં મુસાફરો ડેડિકેટેડ કાર વોશ સર્વિસ અલગથી બુક કરાવી શકે છે. પ્રીબુકિંગ બાદ ક્લીન કાર્ટ કાર પાર્કિંગ સ્થાને જઈને ક્લીનીંગ સેવા પૂરી પાડશે. વળી ડ્રોપ અથવા પીક અપ માટે આવતા મુસાફરો અને સગા-સંબંધીઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. એક દિવસની સફર કરતા મુસાફરો માટે આ વધુ ફાયદાકારક રહેશે. કારણ કે, પરત ફરતી વેળાએ તેમની કાર બિલકુલ સાફ સુથરી હશે. જોકે, આ માટે તેમણે પ્રીબુકિંગ કરાવવાનું રહેશે. એરપોર્ટ પર સગા-વહાલાને મળવા આવતા કે પીકઅપ-ડ્રોપીંગ માટે આવતા સંબંધીઓ તેમના વધારાના સમયમાં આ સેવાનો લાભ ઉઠાવી શકે છે.
બાયો-ડિગ્રેડેબલ ક્લીનીંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે
કાર ધોવાની પ્રક્રિયા ઈકોફ્રેન્ડલી રીતે કરવામાં આવે છે. કારની સફાઈ લગભગ 20 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે. Clean Cart કાર વોશ માટે લગભગ 1.5 લિટર પાણી સાથે બાયો-ડિગ્રેડેબલ ક્લીનીંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે છે. પોર્ટેબલ ક્લીનકાર્ટમાં 40-લિટરની ટાંકી હોય છે. જેમાંથી એક ફિલિંગમાં 25 કાર વોશ કરી શકાય છે. ગ્રાહકો માટે સૌથી અગત્યની અને ફાયદાકારક બાબત એ છે કે, ક્લીન કાર્ટ વાહન પાર્કિંગના સ્થાને જ ઉભુ કરવામાં આવ્યું છે. તેનો સ્ટાફ કાર પરથી કચરો ધોઈને સાફ-સફાઈ કરી આપે છે. SVPI એરપોર્ટ એક પ્રતિબદ્ધ એરપોર્ટ ઓપરેટર તરીકે પેસેન્જર ફીડબેકના આધારે ઘણી પેસેન્જર-કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરે છે. કાર વોશની સેવા મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.