હિટ એન્ડ રન:અમદાવાદની સિલ્વર ઓક કોલેજ નજીક ટ્રકે રાહદારીને કચડ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોતાની ઘટના, અકસ્માત બાદ ટ્રક મૂકી ડ્રાઇવર નાસી ગયો

એસજી હાઈવે પર આવેલી સિલ્વર ઓક કોલેજ ચાર રસ્તા પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂરઝડપે પસાર થઇ રહેલા મિક્ષચરના ચાલકે રાહદારીને કચડી માર્યો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર મિક્ષચર ટ્રક સ્થળ પર મૂકીને ભાગી ગયો હતો.

ગોતા સિલ્વર ઓક કોલેજ પાસે બીપીસી પ્લાનની સામે રહેતા દેવાભાઈ રબારી(42) ડ્રાઈવિંગ કરે છે. શનિવારે સવારે દેવાભાઈ ઘરેથી ચાલતા નોકરી જવા નીકળ્યા હતા. દેવાભાઈ ગોતા સિલ્વર ઓક કોલેજ ચાર રસ્તા ઉમિયા ડેરીની સામેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે પ્રસંગ પાર્ટી પ્લોટ બાજુથી એક મિક્ષચર ચાલક પૂરઝડપે આવ્યો અને દેવાભાઈને ટકકર મારતા તેઓ રોડ ઉપર પટકાયા અને મિક્ષચરનું વ્હિલ શરીર પરથી ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નિપજયું હતુ.

આ ઘટનાના પગલે રાહદારીઓ ભેગા થઇ ગયા હતા અને 108 બોલાવી હતી. જો કે ડોકટરની ટીમે તપાસ કરતા દેવાભાઈનું મૃત્યુ થયુ હતુ. આ અંગે તેમના પરિવારના સભ્યોને જાણ થતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ અંગે મૃતક દેવાભાઈના દીકરા આશિષે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છુટેલા મિક્ષચર ચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...