રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ નોંધાયા છે. જેની સામે 98 દર્દીઓ સાજા થયા છે અને હાલ છ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 11 દિવસમાં ભરૂચના ઝઘડિયામાં કોરોનાના કારણે 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે આજે ફરી મહેસાણામાં કોરોનાથી ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે.
રાજ્યમાં કોરોનાના કુલ 1064 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1064 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1058 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,144 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11049 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 124 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 50 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમરેલીમાં નવા 19 કેસ નોંધાયા છે. મોરબીમાં 17 કેસ સામે આવ્યા છે. સુરતમાં 23 કેસ નોંધાયા છે. રાજકોટમાં 24 કેસ સામે આવ્યા છે. જ્યારે મહેસાણામાં નવા 12 કેસ નોંધાયા છે અને કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે. વડોદરામાં 9 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 4 કેસ, જામનગરમાં પણ 4 કેસ, આણંદમાં 2 કેસ જ્યારે સાબરકાંઠામાં પણ 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગરમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, ખેડામાં 1 કેસ, નવસારીમાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, પાટણમાં 1 કેસ અને પોરબંદરમાં પણ 1 કેસ નોંધાયો છે.
જોટાણાના ત્રણ વર્ષના મૃત્યુ પામેલા બાળકને કોરોના
મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો હવે 79 પર પહોંચી ગયો છે. જ્યારે જોટાણા તાલુકાના એક ત્રણ વર્ષીય બાળકનું કોરોનાના કારણે મોત નિપજ્યું હોવાનું પણ આજે જાહેર કરવામાં આવ્યું છે.
મહેસાણામાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા
મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. સતત કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. ત્યારે આજે એક જ દિવસમા 12 કેસ નોંધાયા છે. મહેસાણા શહેરમાં 1 અને ગ્રામ્યમાં 1, વડનગરમાં 1, ખેરાલુમા 1, કડી સિટીમાં 1 અને ગ્રામ્યમાં 3, જોટાણામા 1,બેચરાજી ગ્રામ્યમાં 2 મળી કુલ 12 કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે નવા 152 સેમ્પલ લેવામાં આવ્યાં છે, જે લેબમાં મોકલી અપાયા છે. જોટાણા તાલુકાના એક બાળકને લીવરની બીમારીના કારણે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું 15 તારીખે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારબાદ કોરોનાનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો.
સીઝનલ ફલૂના આજે 3 સેમ્પલ લેવામાં આવ્યાં
મહેસાણા જિલ્લામાં બીજી બાજુ શરદી-ખાંસીના કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે સીઝનલ ફ્લૂના 3 સેમ્પલ લઇ તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યાં છે.
વડોદરામાં કોરોનાના 9 કેસ નોંધાયા, 1 દર્દી વેન્ટિલેટર પર
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 100,972 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 5 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,387 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 41 ઉપર પહોંચ્યો છે.
આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના ઉંડેરા, એકતાનગર, અકોટા, ગોત્રી, નવીધરતી, માંજલપુર, તાંદલજા અને છાણી વિસ્તારમાં આજે કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. કુલ 387 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 7 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 35 કેસ પૈકી 36 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 5 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 4 દર્દી ઓક્સિજન અને 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 36 લોકો હોમ ક્વોરન્ટીન છે.
ભરૂચમાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભરૂચના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધને કોરોનાની સારવાર માટે 15 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગઇકાલે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાનમાં 236 દિવસ બાદ ચિતા સળગી
કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં સૌ પ્રથમ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે કોવિડનું અલગ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં આજે 236 દિવસ બાદ ચિતા સળગી હતી. ઝઘડિયાના વાસણા ગામના વૃદ્ધનું મોત નીપજ્યા બાદ આજે કોવિડ સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.