ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવવા અને આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડક સજા કરાવવા રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) બનાવવાનો નિર્ણય લીધો છે. SIT ટીમ રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરીને યોગ્ય માર્ગદર્શન આપશે. CID ક્રાઇમ અને રેલવેના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી SITમાં 6 સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગેરરીતિ કે ચોરીની ઘટના અટકાવવા નિર્ણય લેવાયો
રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.
SITમાં કોણ કોણ સભ્ય સામેલ હશે
SITમાં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે CID ક્રાઇમ અને રેલવેના પોલીસ મહાનિરીક્ષક હશે. આ ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક અને CID ક્રાઇમ અને રેલવેના પોલીસ અધિક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેક્ટર હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધિક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.
સમિતિ દર મહિને બેઠક કરશે
ગૃહ વિભાગે બનાવેલી SIT રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. આ ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઈ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધિક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.