આગમાં યુવાનોનો આબાદ બચાવ:અમદાવાદમાં કાર રીપેરિંગ કરતા અચાનક લાગી આગ, બે કારીગરો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશન પાસે આજે બપોરે કાર રીપેરિંગ દરમિયાન એક કારમાં આગ લાગતા બે કારીગરો દાઝી ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા એક ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. કાર રીપેરિંગ દરમિયાન કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ અથવા અન્ય રીતે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

સ્વીફ્ટ કારના એન્જિનમાં અચાનક આગ લાગી
અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોરે 3.30 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો હતો કે, રાણીપ મેટ્રોલ સ્ટેશન પાસે કારમાં આગ લાગી છે. બે વ્યક્તિ દાઝી ગયા છે. જેથી ફાયર બ્રિગેડની એક ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગોકુળ એપાર્ટમેન્ટ પાસે એક દુકાનની બહાર સ્વીફ્ટ કારનું રીપેરિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક એન્જિનમાં શોર્ટ સર્કિટ અથવા બીજા કોઈ કારણથી આગ લાગી ગઈ હતી. કાર રીપેરિંગ કરતા રમેશ (ઉ.વ.19) અને નરેશ (ઉ.વ.25) દાઝી ગયો હતો.

બંને કારીગરને સારવાર માટે ખસેડાયા
બંને કારીગરો મોઢા અને શરીરના અન્ય ભાગે દાઝી ગયા હતા. જેના કારણે તેઓને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે પણ કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી. કારમાં આગ લાગતા આગળના ભાગે નુકસાન થયું હતું. કામ રીપેરિંગ દરમિયાન આવી ઘટના બનતા લોકો પણ ભયમાં મુકાઈ ગયા હતા.

લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયરબ્રિગેડને જાણ કરાઈ
અમદાવાદના સોલા વિસ્તારમાં કારગિલ પેટ્રોલ પંપ પાસે આવેલા ગણેશ જીનેસસ કોમ્પ્લેક્સમાં આજે મોડી સાંજે લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. લિફ્ટમાં ફસાઈ જવાના કારણે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં લિફ્ટની અન્ય માસ્ટર કીથી યુવકને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. દર્શનભાઈ પરમાર નામનો યુવાન આ લિફ્ટમાં ફસાયો હતો.

અન્ય સમાચારો પણ છે...