ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરી DEOએ સંયુક્ત પત્રકાર પરિષદ કરીને ગઈકાલે હોલ ટિકિટ અંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી આકસ્મિક કારણોસર હોલ ટિકિટ ભૂલી ગયો હોય તો તેને પરીક્ષા આપવા દેવામાં આવશે અને હોલ ટિકિટ પરીક્ષા કેન્દ્ર પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે આજે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને હોલ ટિકિટ વિના પરીક્ષા નહિ આપવા દેવાય તેવું જણાવ્યું છે.
શિક્ષણ વિભાગનો હોલ ટિકિટ મામલે ખુલાસો
અમદાવાદ શહેર અને ગ્રામ્યના બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે, પરીક્ષા કેન્દ્ર પર આકસ્મિક કારણોસર વિદ્યાર્થી હોલ ટિકિટ વિના પહોંચે તો તેને હોલ ટિકિટ મંગાવવામાં આવશે. પરંતુ વિદ્યાર્થી પરીક્ષા આપવાથી વંચિત નહિ રહે. વિદ્યાર્થીને હોલ ટિકિટ વિના પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. આ નિર્ણય બાદ શિક્ષણ વિભાગ દ્વારા હોલ ટિકિટ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે.
DEOએ 24 કલાકમાં નિર્ણય બદલ્યો
ગુજરાત અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા નિયામકે પરિપત્ર કરીને જાણ કરી છે કે બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ લઈને ફરજિયાત જવાનું રહેશે. હોલ ટિકિટ વિના પરીક્ષા ખંડમાં પ્રવેશ આપી શકાશે નહીં. પરીક્ષા સમયે હોલ ટિકિટ સાથે રાખવાની રહેશે. શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ પણ પોતાનું નિવેદન 24 કલાકમાં બદલ્યું છે અને હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ તેવું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.