તમે ક્યાંય બહાર જાવ અને અચાનક યાદ આવે કે ઘરમાં લાઈટ ચાલુ છે તો બહારથી પરત ઘરે જવું પડે. પરંતુ હવે એવું ન કરવું પડે તે માટે અમદાવાદના ડિપ્લામાના વિદ્યાર્થીએ એક ડિવાઈસ બનાવ્યું છે. આ ડિવાઈસ હવે વિશ્વના કોઈ પણ ખૂણે બેઠાં બેઠાં વાપરી શકાશે. આ ડિવાઈસ વડે ક્યાંય પણ બેઠાં બેઠાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી શકાશે. જેમાં લાઈટ, પંખા, એસી સહિત 20 વીજ ઉપકરણ ચાલુ-બંધ કરી શકાશે.
આ ડિવાઈસથી વીજળી બચાવી શકાશે
શહેરના આંબાવાડીમાં આવેલ ગવર્નમેન્ટ પોલિટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તોહિત મલ્લિક નામના વિદ્યાર્થીએ ‘વોઈસ કંટ્રોલ હોમ ઓટોમેશન સિસ્ટમ’ તૈયાર કરી છે. તોહિત ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. આ સિસ્ટમ ઘર, ઓફિસ, દુકાન કે કોઈ પણ જગ્યાએ વાપરી શકાય છે. જ્યાં ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ થતો હોય ત્યાં આ સિસ્ટમ કામ કરે છે. આ સિસ્ટમથી વધુ પડતી વીજળીના ઉપયોગને બચાવી શકાશે.
માઈક્રો કન્ટ્રોલર ટેક્નોલોજીનો ઉપયોગ
આ ડિવાઈસનું નામ પણ તોહિતે ‘વોઈસ કંટ્રોલ હોમ ઓટોમેશન સિસ્ટમ’ આપ્યું છે. આ સિસ્ટમમાં માઈક્રો કન્ટ્રોલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમને વાઈફાઈ સાથે કનેક્ટ કરવામાં આવી છે, જેનાથી તે મોબાઈલ સુધી જોડાય છે, ત્યારબાદ રિમોટ સિસ્ટમથી કામ કરે છે. લગભગ 10 દિવસની મહેનત બાદ આ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સિસ્ટમ એકસાથે 20 એપ્લાયન્સ સાથે કનેક્ટ થાય છે.
આ સિસ્ટમ કોસ્ટ ઇફેક્ટિવ છે
સિસ્ટમ બનાવનાર તોહિત મલ્લિકે જણાવ્યું હતું કે, આ સિસ્ટમ કોસ્ટ ઇફેક્ટિવ છે. આ સિસ્ટમ માઈક્રો કન્ટ્રોલથી ચાલે છે, જેથી જે જગ્યાએ સિસ્ટમનો ઉપયોગ કરવાનો હોય ત્યાં વાઈફાઈ હોવું જરૂરી છે. આ સિસ્ટમ સાથે લાઈટ, પંખા, એસી જેવી અલગ અલગ 20 વસ્તુઓ કનેક્ટ થઈ શકે છે. આ સિસ્ટમ સસ્તી છે, જેથી સામાન્ય માણસ પણ ઉપયોગ કરી શકશે.
ડિવાઈસ તૈયાર કરવામાં 10 દિવસ લાગ્યા
તોહિતે વધુમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર સાથે મેં આ ડિવાઈસ બનાવ્યું છે. જેમાં માઈક્રો કન્ટ્રોલર (ESP-32)નો ઉપયોગ કર્યો છે. આ ડિવાઈસમાં વોઈસ આપતા જ ઘરનાં તમામ વીજ ઉપકરણો બંધ થઈ શકે છે. આની રેન્જ ઓલ અરાઉન્ડ વર્લ્ડ છે. આ એક કોસ્ટ ઇફેક્ટિવ છે. આ ડિવાઈસ તૈયાર કરતા મને 10 દિવસ જેટલો સમય લાગ્યો છે.
રિમોટથી વીજ ઉપકરણો ઓન-ઓફ કરી શકાશે
પ્રોફેસર અને પ્રોજેક્ટ ગાઈડ હિના પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત ડિપ્લોમાના વિદ્યાર્થીએ રિમોટથી ઓન-ઓફ કરી શકાય તેવી વોઈસ કન્ટ્રોલ સિસ્ટમ બનાવી છે. અત્યારે પ્રોટોટાઈપ છે, પરંતુ મોટી ડિવાઈસ પણ આ ટેક્નોલોજીથી જ બનાવી શકાય છે. વિશ્વના કોઈ પણ ખૂણેથી બેસીને આ સિસ્ટમ કંટ્રોલ કરી શકાય છે.
હવે તમે આઉટ ઓફ ટાઉન છો તો કોઈ ટેન્શન નહીં
હિના પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ હાલ ડિવાઈસની મદદથી ઘરનાં વીજ ઉપકરણો કંટ્રોલ કરીને બતાવ્યાં છે. આ ડિવાઈસની રેન્જમાં કોઈ લિમિટ નથી. તમે આઉટ ઓફ ટાઉન હો તો પણ તમે ઘરનાં વીજ ઉપકરણો ચાલુ-બંધ કરી શકો છો. હાલ ઉનાળામાં અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન રહે છે તો તમે ઓફિસેથી બેઠાં બેઠાં ઘરને ઠંડું કરવું હોય તો ડિવાઈસની મદદથી એસી ચાલુ કરી શકો છો અને ઘરે પહોંચતા ઘર ઠંડું થયાનો અનુભવ કરી શકો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.