પતંગની દોરીથી સાચવજો:ફ્રેન્ડના ઘરે ટૂ-વ્હીલર પર જતી વખતે ગળું કપાયું, અંદર 7 અને બહાર 10 ટાંકા આવ્યા, માંડ-માંડ જીવ બચ્યો

12 દિવસ પહેલા

અમદાવાદના નરોડામાં રહેતા 21 વર્ષીય યુવકનું ટૂ-વ્હીલર પર જતી વખતે દોરીથી ગળું કપાઈ ગયું હતું. ગંભીર રીતે ઘાયલ પ્રિયાંક પારેખ નામના યુવકને એક અજાણ્યો શખસ સનરાઇઝ હોસ્પિટલમાં તાત્કાલિક લઈ ગયો હતો, જ્યાં ડૉક્ટરોએ ઇમર્જન્સી સારવાર કરીને પ્રિયાંકનું ઓપરેશન કર્યું હતું. પ્રિયાંકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેના ગળામાંથી ખૂબ જ લોહી વહી ગયું હતું અને બ્લડપ્રેશર પણ લો થઈ ગયું હતું. પ્રાથમિક સારવાર બાદ હાલ અત્યારે પ્રિયાંકનું સ્વાસ્થ્ય સારું છે.

પ્રિયાંકે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘સવારે ફ્રેન્ડના ઘરે બાઇક લઈને જતો હતો. આ દરમિયાન ગળામાં અચાનક દોરી ભરાઈ ગઈ અને મેં બાઇક ઊભું રાખી દીધું હતું. મારી બાજુમાં એક શખસ હતો. તેમને મને કહ્યું કે ખૂબ જ લોહી વહી રહ્યું છે. તે શખસ મને તાત્કાલિક હોસ્પિટલ લઈ આવ્યા અને અહીં હોસ્પિટલમાં ડૉક્ટરોએ મારી તાત્કાલિક સારવાર કરી હતી. મને અંદર 7 અને બહાર 10 એમ કુલ 17 ટાંકા આવ્યા છે.’

ડૉક્ટર સીમા નથવાણીએ જણાવ્યું હતું કે ‘આજે સવારે 9થી 9.30ની વચ્ચે એક અજાણી વ્યક્તિ દર્દીને લઈને આવ્યો હતો. પેશન્ટના ગળામાં દોરી વાગવાને લીધે સખત બ્લીડિંગ થઈ રહ્યું હતું. અમે પેશન્ટને બોટલ ચઢાવી અને બ્લીડિંગ બંધ થાય એ માટે ઇન્જેક્શન આપ્યા પછી ઓપરેશન થિયેરમાં ટાંકા લીધા હતા. પેશન્ટને દોરીનો ઘા ઊંડો હોવાથી અમારે અંદરની સાઇડ 7 ટાંકા લેવા પડ્યા અને બહારની સાઇડ 10 ટાંકા લેવા પડ્યા હતા. એકથી દોઢ કલાકની અંદર પેશન્ટ ખતરાની બહાર આવી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...