અમદાવાદ ક્રાઈમ ન્યુઝ:શહેરમાં અજાણ્યા વાહનની ટક્કરે બે લોકોના મોત, સાબરમતી જેલમાં મહિલા કેદી મોબાઈલ સાથે ઝડપાઈ

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાયખંડની પતરા‌વાડી ચાલીમાં રહેતા 72 વર્ષીય માયાબેન ચૌધરી એલીસબ્રિજ ખાતેની એક સ્કુલમાં આયા તરીકે નોકરી કરે છે. મંગળવારે સવારના સમયે માયાબેન સ્કુલે જવા માટે નિકળ્યા હતા અને પ્રિતમનગર ચાર રસ્તા પાસેથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા, આ દરમિયાન પૂરપાટ ઝડપે અજાણ્યા વાહન ચાલકે માયાબેનને ટક્કર મારી હતી. જેના કારણે માયાબને જમીને પટકાઈ પટકાઈ પડતા ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ માયાબેનનું મોત નિપજ્યુ હતુ.

રીક્ષા પલ્ટી ખાઈ જતા ત્રણને ઈજા
જ્યારે બીજી ઘટનામાં હાથીજણમાં રહેતા વિપુલ પટેલ તેના મિત્ર સૌરભ પારધી અને લાલા સાથે લાલાની રીક્ષા લઈને એસ.પી.રીંગરોડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન લાલાએ પૂરપાટ ઝડપે રીક્ષા હંકારીને વિનોબાભાવેનગર સામે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન વિંઝોલના ગેટ સામેની ડિવાઈડર સાથે અથડાવી હતી, જેના કારણે રીક્ષા પલ્ટી ખાઈ જતા ત્રણેયને ઈજાઓ થઈ હતી. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ત્રણેયને હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં ગંભીર ઈજાઓ થવાના કારણે સૌરભ પારધીનું મોત નિપજ્યુ હતુ. જ્યારે વિપુલ અને લાલાને સામાન્ય ઈજાઓ થઈ હતી.

અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત
ત્રીજા બનાવમાં કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અશ્વીનભાઈને પીએસઓ તરફથી મેસેજ મળ્યો હતો કે, આર.વી.ડેનીમ જુહાપુરા પાસે અકસ્માત થયો છે, જેથી ત્યાં જઈને તપાસ કરી ત્યારે પીરાણાથી નારોલ તરફ જતા જયહિંદ મોટર્સની પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે 35 વર્ષીય યુવકને ટક્કર મારી હોવાથી ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જેથી આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી મૃતક યુવકની ઓળખ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

સાબરમતી જેલમાં મહિલા કેદી મોબાઈલ સાથે ઝડપાઈ
સાબરમતી જેલમાં મહિલા કેદી પાસેથી પ્રથમ વખત મોબાઈલ પકડાયો હોવાની ઘટના બની છે. જેમાં બેરેક નવમાં કાચા કામના કેદી તરીકે રહેતી મહીલા મોબાઈલ સાથે રાખીને ફરતી હતી. ત્યારે જેલર તથા તેમના સ્ટાફે તેને પકડી પાડી હતી. જેલની ચાર મહિલાઓ આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હોવાનું પુછપરછમાં સામે આવ્યુ હતુ. આ મામલે જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાચા કામના મહિલા કેદીના વિરુદ્ધમાં ફરિયાદ
અમદાવાદ મધ્યસ્થે જેલમાં જેલરગ્રુપમાં ફરજ બજાવતા મહેશભાઈ મહીપતરામ દવે તેમના સ્ટાફ સાથે મહિલા જેલ જેલમાં ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બેરેક નવમાં કાચા કામના કેદી ડીમ્પલ ચૌધરીના હાથમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. જેથી મોબાઈલ તથા સિમકાર્ડ જપ્ત કરીને પુછપરછ કરતા મોબાઈલ કાચા કામના કેદી રૂબીના બરકતઅલી શેખનો હતો. તેના મોબાઈલ ફોનનો ઉપયોગ કાચા કામના કેદી ચંપીબેન વિરાભાઈ વણકર તથા તમન્ના રમેશભાઈ ગુપ્તા કરતા હોવાનું જણાવ્યુ હતુ. જેથી આ મામલે જેલર મહેશભાઈ દવેએ ચારેય કાચા કામના મહિલા કેદીના વિરુદ્ધમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

32 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સની ધરપકડ
એસઓજી ક્રાઈમમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ સમીર ઝહીરૂદ્દીન તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, વાજીદ શેખ નામનો વ્યક્તિ સાંરગપુર પાણીની ટાંકીની બાજુમાં રાત્રીના સમયે છુટકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે અને અત્યારે તે ડ્રગ્સનો જથ્થો લાવીને સારંગપુર બસ ટર્મિનલની બાજુમાં આવેલ જાહેર શૌચાલય પાસે આવવાનો છે. જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવીને અબ્દુઝ વાઝીદ શેખ (ઉ.વ.24, રહે.વેજલપુર)ને ઝડપી પાડ્યો હતો. સાથે તેની પાસેથી 32 ગ્રામ 460 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત 3.24 લાખ થાય છે તે મળી આવી હતી. જેથી એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીની પુછપરછ હાથધરી હતી. પ્રાથમિક પુછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ઈસનપુર ખાતે રહેતા રાશીદ નામના યુવક પાસેથી વેચાણ કરવા માટે લાગ્યો હોવાનું જણાવ્યુ હતુ. જેથી એસઓજીની ટીમે તેના વિરુદ્ધમાં પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

પરિવાર ફરવા ગયો અને ઘરમાંથી 17 લાખની ચોરી
શીલજના સ્વાગત ગ્રીન વીલેજમાં સોનિયા પટેલ તેમના પરીવાર સાથે રહે છે. ગત 26 તારીખા તેમના પરીવાર સાથે દુબઈ ફરવા માટે ગયા હતા. ત્યારે તેમના સાસુ અને સસરા ઘરે હાજર હતા. આ દરમિયાન ગત 1 તારીખે બેડરૂમમાંથી પાણીનો અવાજ આવતો હતો. જેથી સાસુ-સસરાએ બેડરૂમ બીજી ચાવીથી ખોલીને જોયુ તો બાથરૂમમાં પાણીની ચકલી ચાલુ હતી સાથે જ બારીના કાચ ખુલ્લા હતા અને બેડરૂમમાં મુકેલી તિજોરીનો સામાન વેર વિખેર પડ્યો હતો. જેથી તેમણે સોનિયાબેનને ફોન કરીને ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જેથી સોનિયાબેન તથા તેમના દિકરા અને પતિ દુબઈથી પરત અમદાવાદ આવ્યા હતા, બાદમાં ચોરી થયેલ વસ્તુની તપાસ કરી ત્યારે તિજોરીમાંથી અલગ અલગ સોનાના દાગીના તથા ડાયમંડની વિંટીઓ મળીને કુલ 17.80 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી સોનિયાબેને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...