ફરિયાદ:શેર ટ્રેડિંગ કંપનીએ ડોક્ટરના 2.65 કરોડના શેર વેચી માર્યા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કંપનીના 2 માલિક, કર્મચારીએ બારોબાર વહીવટ કર્યો
  • ડોકટરે 2010માં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું
  • 2018 સુધીના તમામ વ્યવહાર બરાબર હતા ત્યારબાદ શેર વેચી દેતાં ફરિયાદ

શેર ટ્રેડિંગ કરતી એક કંપનીના 2 માલિક અને 1 કર્મચારીએ ભેગા મળીને એક ડોકટરના રૂ.2.65 કરોડના શેર બારોબાર વેચી દીધા હતા. ભાંડો ફૂટતા ડોકટરે આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે શેર ટ્રેડિંગ કરતી આ કંપની ડિફોલ્ટ થયેલી હોવાથી સેબી એ પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે.

સૈજપુર - બોઘા કૃષ્ણ ગોકુલ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ગુણવંતભાઈ પરીખ(56) ઘરે જ રેવા ક્લિનિક નામથી કલીનીક ધરાવીને પ્રેકટિસ કરે છે. હિતશભાઈના ઘરની સામે જ આરકેડીયા શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ પ્રા.લી. નામની શેર ટ્રેડિંગ કંપની આવેલી છે. તેના સેલ્સમેને ગત તા. 2 - 4 - 2010 ના રોજ હિતેશભાઈને ફોન કરીને કહ્યું હતુ કે તમે શેર બજારમાં રોકાણ કરવા માટે અમારી કંપનીમાં ખાતું ખોલાવીને શેરની લે - વેચ કરો. અમારી કંપની તમને સારી સર્વિસ આપશે.

તેવી વાત કરતા હિતેશભાઈએ તેમની કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ કંપનીના માલિક નિતિનભાઈ બારોટ અને એન્થોની સિકવેરા હતા જ્યારે ગિરીશભાઈ બારોટ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા. 2010થી 2018 સુધી કંપનીના હિતેશભાઈ સાથેના વ્યવહારો બરાબર ચાલતા હતા. જ્યારે હિતેશભાઈએ 2020 થી 2021 ની બેલેન્સશીટ જોતા હિતેશભાઈના ખાતામાંથી રૂ.2.65 કરોડના શેર વેચી દેવાયા હતા. જ્યારે તે શેરના પૈસા હિતેશભાઈના ખાતામાં જમા કરવામાં આવ્યા ન હતા.

જેથી આ અંગે હિતેશભાઈએ કંપનીમાં વાત કરી હતી. પરંતુ માલિક તેમજ કર્મચારી દ્વારા યોગ્ય જવાબ નહીં મળતા આખરે હિતેશભાઈ એ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે નવરંગપુરા પીઆઈ એ.એ. દેસાઈએ જણાવ્યું હતું કે, હાલમાં એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ આરકેડિયા શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઘણા સમયથી બંધ થઈ હોવાનું જાણવા મળ્યું છે જેથી આ અંગે સેબીને જાણ કરાવામાં આવી છે. જેથી પોલીસની સાથે સેબીની ટીમો પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...