ગુજરાતમાં બુલેટ 'વિકાસ':​​​​​​​અમદાવાદથી આર્થિક રાજધાની મુંબઈ બાદ દેશની રાજધાની દિલ્હી સુધીની એક અલગ બુલેટ ટ્રેન દોડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી દિલ્હી વચ્ચેનું અંતર 4 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી દેવાશે

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેનના ડ્રીમ પ્રોજેક્ટ વધુ એક ઉમેરો થયો છે. જેમા હવે અમદાવાદથી મુંબઈની સાથે હવે અમદાવાદથી દિલ્હીમાં પણ બુલેટ ટ્રેન દોડાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી હવે અમદાવાદથી મુંબઈ જાવ કે દિલ્હી માત્ર 3-4 કલાકમાં પહોંચી શકાશે. અમદાવાદથી દિલ્હી વચ્ચેની બુલેટ ટ્રેન 4 રાજ્યોમાંથી પસાર થશે અને 15 સ્ટોપ હશે. 886 કિલોમીટરનું સફર માત્ર 4 કલાકમાં પૂર્ણ થશે. તો આજે આ અહેવાલના માધ્યમથી અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિતની તમામ માહિતી આપી રહ્યા છીએ.

કયા-કયા સ્ટેશનનો પર રોકાશે બુલેટ ટ્રેન
નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અમદાવાદ-દિલ્હી વચ્ચે 886 કિલોમીટર લાંબા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવા માટે ડીપીઆર (ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડીપીઆરના ભાગરૂપે તાજેતરમાં NHSRCL દ્વારા ગાંધીનગરનાં 16 જેટલાં ગામોમાં સર્વે હાથ ધરાયો હતો. આ રૂટ પર ગાંધીનગર મહાત્મા મંદિરને પણ આવરી લેવામાં આવશે. આ ટ્રેન સાબરમતીથી ખોડિયાર, મહાત્મા મંદિર, પેથાપુર હાઈવે થઈ અલુવા ગામ બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી પ્રાંતિજ થઈ હિંતનગરથી ડુંગરપુર તરફ આગળ વધશે. NHSRCL દ્વારા ચાર રાજ્ય- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઈ દિલ્હી સુધી જનારા આ રૂટ પર 15 સ્ટેશન તૈયાર કરવામાં આવશે. મહત્તમ 350 કિલોમીટર તેમજ એવરેજ 250 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેનનું સંચાલન થતાં અમદાવાદથી દિલ્હી વચ્ચેનું અંતર 4 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી દેવાશે.

બંન્ને પ્રોજેક્ટ એકસાથે જ પૂર્ણ થશે
NHSRCL દ્વારા અમદાવાદ-દિલ્હી રૂટ માટે થોડા સમય પહેલાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ ડીપીઆર સબ્મિટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ડીપીઆરને સરકારની મંજૂરી મળ્યા બાદ એનએચએસઆરસીએલ દ્વારા 2022માં જમીન સંપાદનની કામગીરી શરૂ કરવાની સાથે પ્રોજેક્ટ માટે કંસ્ટ્રક્શન કામગીરી શરૂ કરવામાં આવશે. આ રૂટ મોટા ભાગે રેલવેલાઈન અને નેશનલ હાઈવેની બાજુમાંથી પસાર થતો હોવાથી જમીન સંપાદનની કામગીરી ઝડપી પૂર્ણ થશે, જેને પગલે અમદાવાદ દિલ્હી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાથે જ પૂર્ણ થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં 3, રાજસ્થાનમાં 9 સ્ટેશન બનશે
અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન રૂટ પર ગુજરાતમાં 3, રાજસ્થાનમાં 9, હરિયાણામાં 2 અને દિલ્હીમાં 1 મળી કુલ 15 સ્ટેશન બનશે, જેને કારણે આ રૂટનો સૌથી વધુ લાભ રાજસ્થાનને મળશે. આ રૂટ પર અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, હિંમતનગર, ડુંગરપુર, ઉદયપુર, શાહપુરા, ચિત્તોડગઢ, ભીલવાડા, વિજયનગર, અજમેર, જયપુર, બહરોડ, રેવાડી, માનેસર અને દ્વારકા (દિલ્હી) ખાતે સ્ટેશન તૈયાર કરાશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

દિલ્હીથી મુંબઈ 6થી 7 કલાકમાં પહોંચાશે
હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ અમદાવાદથી મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરાશે. એ જ રીતે અમદાવાદથી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 886 કિલોમીટરનું અંતર 4 કલાકમાં પૂર્ણ થશે. આમ, દિલ્હીથી અમદાવાદ થઈ મુંબઈ સુધીની બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી થતાં દિલ્હી અને મુંબઈ વચ્ચેનું લગભગ 1394 કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેનથી 6થી 7 કલાકમાં પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...