કુલપતિની નિમણૂક માટે સર્ચ:ગુજરાત યુનિ.ના આગામી કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટી બનાવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિએ રજિસ્ટ્રારને સર્ચ કમિટી રચવા પત્ર લખ્યો

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ કુલપતિની નિમણૂકની સર્ચ કમિટી નિમવા માટેની કાર્યવાહી કરવા રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે. કુલપતિનો કાર્યકાળ આગામી જૂન મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે નિયત ધારાધોરણ મુજબ પાંચ મહિના પહેલા કુલપતિની નિયુક્તિ માટેની સર્ચ કમિટીની નિમણૂક કરવી અનિવાર્ય હોય છે. આ બાબતને ધ્યાને લઇને કુલપતિ ડો.હિમાંશુ પંડ્યાએ રજિસ્ટ્રારને સર્ચ કમિટીની નિમણૂક માટેની કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે.

કુલપતિની નિમણૂક માટેની સર્ચ કમિટીમાં ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં એક સભ્ય જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલર(જેબીવીસી)નો પ્રતિનિધિ, બીજો સભ્ય યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલ (એસી) અને એક્ઝિક્યૂટિવ કાઉન્સિલ (ઈસી)નો પ્રતિનિધિ તેમજ એક સભ્ય રાજ્યપાલ દ્વારા નિયુક્ત સભ્ય હોય છે. આ કમિટી દ્વારા પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્દોની અરજીઓ મંગાવવામાં આવે છે. આવેલી અરજીમાં તેઓની શૈક્ષણિક લાયકાત ઉપરાંત શિક્ષણક્ષેત્રે તેઓએ આપેલા પ્રદાનને કેન્દ્રમાં રાખીને નિયત ધારાધોરણ અનુસાર ચકાસણી કરીને અંતિમ પસંદગી કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં કુલપતિનો કાર્યકાળ પુરો થયા બાદ પણ નવા કુલપતિ માટે સર્ચિંગ કમિટી અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. હાલમાં જીટીયુના કુલપતિ તરીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટરને ચાર્જ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...