તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:અમદાવાદ શહેરમાં 50 ટન ઓક્સિજનની ઘટ, સોલા સિવિલમાં મર્યાદિત જથ્થો, જેટલા ડિસ્ચાર્જ એટલાં જ દાખલ થશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • રોજના 275 ટનની જરૂરિયાત સામે હોસ્પિટલોને માત્ર 225 ટન ઓક્સિજનનો જથ્થો મળી રહે છે
  • સોલા સિવિલમાં 11 ટનના દૈનિક પુરવઠા સામે વપરાશ વધીને 15 ટન થતાં નિયંત્રણો મુકવાની ફરજ પડ્યાનો હોસ્પિટલનો દાવો

ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિ. સંચાલિત એસવીપી, એલ.જી., શારદાબેન સહિતની 12 મોટી હોસ્પિટલો, 172 ખાનગી હોસ્પિટલ અને 200 નર્સિંગ હોમને રોજ 275 ટન ઓક્સિજનની જરૂર છે. જેની સામે હાલ ઉત્પાદકો પાસેથી 225 ટન જેટલો જ ઓક્સિજન મળી રહ્યોં છે. આ હિસાબે હવે દરરોજ 50 ટન જેટલા ઓક્સિજનની ઘટ ઊભી થઈ છે. ઉત્પાદકો પાસેથી મર્યાદિત માત્રામાં ઓક્સિજન આવતો હોવાથી હાલ આ ઘટને પૂરી કરવા બીજો કોઈ વિકલ્પ નથી. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ એએમસી સાથે સંકળાયેલી 12 હોસ્પિટમલાં હાલ ઓક્સિજન ઓડિટ કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી છે. આ અધિકારીઓ હોસ્પિટલમાં બિનજરૂરી ઓક્સિજનનો વપરાશ થતો હોય તેને અટકાવશે.

દરમિયાન સોલા સિવિલમાં ગુરુવારથી ઓક્સિજનના વપરાશ પર નિયંત્રણ મુકાયા છે. હાલ અહીં 6 ટનની એક ટેન્ક અને એક એક ટનની 5 ટેન્ક છે. પરંતુ રોજનો વપરાશ 15 ટન છે. આને કારણે હોસ્પિટલે જેટલા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવે તેટલી સંખ્યામાં નવા દર્દીને દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ખાલી બેડ પર આગોતરી જાણ વગર એકપણ દર્દી દાખલ થશે નહીં. હાલ સોલા સિવિલમાં વેન્ટિલેટર, ઓક્સિજન અને બાયપેપ પર 400 દર્દી છે.

ઓક્સિજન બેડવાળા વોર્ડમાં સિલિન્ડરમાંથી અથવા ઓક્સિજનની મેઈન લાઈનમાંથી ક્યાંકથી ઓક્સિજન લિકેજ થતો હોય તેની તપાસ કરવા માટે પણ હોસ્પિટલે ટીમ તૈયાર કરી છે. આ ટીમ નિયમિત સિલિન્ડરના વાલ્વ તપાસ કરી ઓક્સિજન લિકેજ થતો અટકાવવાનું કામ કરી રહી છે. હાલ શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે.

BAPSએ 44 ટન ઓક્સિજન, 600 સિલિન્ડર અને 130 કોન્સન્ટ્રેટર અબુધાબીથી મંગાવ્યા
અબુધાબી સ્થિત બીએપીએસ મંદિરે ઓક્સિજન તેમજ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનો પહેલો જથ્થો અમદાવાદ એરપોર્ટ પર મોકલ્યો છે જેમાં 44 ટન લિક્વિડ ઓક્સિજન, 30 હજાર લિટર મેડિકલ ઓક્સિજન 600 ઓક્સિજન સિલિન્ડર, 130 કોન્સન્ટ્રેટર્સનો સમાવેશ થાય છે. બીએપીએસ શાહીબાગ મંદિર આ જથ્થો સરકારને સુપરત કરશે. જ્યાંથી હોસ્પિટલોને મોકલાશે.

સિવિલની 1200 બેડ હોસ્પિટલ બહાર હજી પણ એકથી દોઢ કિલોમીટર જેટલી લાઇન
સિવિલની 1200 બેડ હોસ્પિટલ બહાર હજી પણ એકથી દોઢ કિલોમીટર જેટલી લાઇન

શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમ તેમ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો પણ લાંબી થતી જઈ રહી છે. શુક્રવારે સિવિલ હોસ્પિટલની 1200 બેડ કોવિડ હોસ્પિટલ બહાર 100થી દોઢસો એમ્બ્યુલન્સ, પ્રાઇવેટ વાહનોની એકથી દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગી હતી. કોરોનાના દર્દીઓના સતત ધસારાને કારણે મંડપ પણ બાંધવામાં આવ્યો હતો. શહેરમાં શુક્રવારે કોરોનાના કુલ 5391 કેસ નોંધાયા હતા. જ્યારે 1200 બેડ હોસ્પિટલમાં 1150થી વધુ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અંદાજે તેના 20 ટકા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે શુક્રવારે સિવિલ મેડિસિટીની તમામ હોસ્પિટલોમાં 2300થી વધુ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...