48 ટકાએ ઓનલાઇન પેમેન્ટ કર્યું:એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને અંદાજે 40 કરોડ રૂપિયાનું રિબેટ અપાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ એડવાન્સ ટેક્સ ભરનારાને રિબેટ આપવાની યોજના જાહેર કરાઈ હતી. જોકે અત્યારસુધી એક મહિના સુધી ચાલેલી આ યોજનામાં એડવાન્સ ટેક્સ ભરનારાને 10 ટકા રિબેટ મળતું હતું, પરંતુ આ વર્ષે આ યોજના ત્રણ મહિના સુધી ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, આ યોજના અંતર્ગત ત્રણ તબક્કા નક્કી કરાયા હતા. પ્રથમ તબક્કામાં એડવાન્સ ટેક્સ ભરનારાને 10 ટકા રિબેટ આપવામાં આવતું હતું. ત્યાર બાદ બીજા તબક્કામાં 9 ટકા અને ત્રીજા તબક્કામાં 8 ટકા રિબેટ આપવાનું નક્કી કરાયું હતું. એમાંય વળી જે કરદાતા ઓનલાઇન પેમેન્ટ કરે તો તેમને એક ટકો એકસ્ટ્રા રિબેટ આપવામાં આવતું હતું.

આમ, સરવાળે સમગ્ર કરદાતાઓને ઓનલાઇન પેમેન્ટ કરવાની દિશામાં વાળવાનો પણ એક પ્રયાસ હતો. જોકે ઉલ્લેખનીય છે કે મોટા ભાગે લોકો હવે ઓનલાઇન પેમેન્ટ કરતા થઈ ગયા છે. આ ત્રણ મહિના સુધી ચાલેલા એડવાન્સ ટેક્સ યોજના અંતર્ગત 5 લાખથી વધુ કરદાતાઓએ 531 કરોડ ટેક્સ ભર્યો હતો. એ બદલ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કુલ અંદાજે 40 કરોડ રૂપિયાની રકમ રિબેટ રૂપે આપી હતી. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે 48 ટકા કરદાતાઓએ ઓનલાઇન ટેક્સની રકમ ભરી હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસેસમેન્ટ એન્ડ ટેક્સ કલેકશન ખાતા દ્રારા એડવાન્સ ટેક્સની રકમ ભરનારા કરદાતાને રિબેટની રકમ ચૂકવવાની જાહેરાત કરાઈ હતી. એ મુજબ 22 એપ્રિલથી 21 મે સુધી ટેક્સ ભરનારી વ્યક્તિને 10 ટકા રિબેટ ચૂકવવામાં આવી હતી, જ્યારે 22 મેથી 21 જૂન સુધી ટેક્સ ભરનારા કરદાતાને 9 ટકા અને 22 જૂનથી 21 જુલાઇ સુધી ટેક્સ ભરનારાને 8 ટકા રિબેટ આપવામાં આવ્યું હતું. એમાંય વળી આ ટેક્સની રકમ ઓનલાઇન ભરનારાને ત્રણેય તબક્કામાં 1 ટકો એકસ્ટ્રા રિબેટ આપવામાં આવ્યું હતું. આમ, સરવાળે ત્રણ તબક્કામાં 5,51,685 કરદાતાએ કુલ 531, 27,99,330ની રકમ ટેક્સ પેટે ભરી હતી. એમાંથી 235,31,46,124 ઓનલાઇન રકમ ભરપાઈ થઇ હતી. ટકાવારીની દ્દષ્ટિએ જોઇએ તો 48.02 ટકા થવા જાય છે. એ બદલ કરદાતાઓને અંદાજે 40 કરોડ રૂપિયા રિબેટ ચૂકવવામાં આવ્યું હતું.

આ અંગે ટેક્સ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, 531 કરોડથી વધુ ભરાયેલી ટેક્સની રકમમાંથી 10 ટકા લેખે રિબેટની રકમ ગણવા જઈએ તો 5.31 કરોડથી વધુ રકમ રિબેટ ચૂકવવાનું થાય, પરંતુ ત્રણ તબક્કા મુજબ રિબેટના ટકા તબક્કાવાર ઘટી જતા હોવાની સાથોસાથ ચાલુ વર્ષની ટેક્સની રકમમાં જ રિબેટ ચૂકવવામાં આવ્યું હતું. જે લોકો પર જૂના ટેક્સની એકપણ રકમ ચૂકવવાની બાકી ના હોય તેમને જ લાભ આપવાનો હતો, જેથી કેટલાક લોકોએ અગાઉના વર્ષનો ટેક્સ પણ ભર્યો હતો, પરંતુ અગાઉના ટેક્સની રકમ પર રિબેટ આપવામાં આવ્યું નહોતું, માત્ર ચાલુ વર્ષના ટેક્સની રકમ પર જ રિબેટ ચૂકવવામાં આવ્યું હતું, જેથી એની રકમમાં તફાવત જોવા મળે છે.

કેટલા ટકા લેખે કેટલું વ્યાજ માફ કર્યું તારીખ કેટલા ટકા માફ કેટલી રકમ માફ કરાઈ

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કરદાતાઓનું 75 ટકા વ્યાજ માફી યોજના અંતર્ગત 2.14 કરોડ વ્યાજ માફ કર્યું
આઝાદીના અમૃત મહોત્સવના ઐતિહાસિક પ્રસંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 75 દિવસ માટે પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 75 ટકા રિબેટ આપવાની યોજના જાહેર કરાઈ છે. 8 ઓગસ્ટથી શરૂ થયેલી આ યોજના 75 દિવસ, એટલે કે 21 ઓક્ટોબર સુધી ચાલશે. આ યોજના અંતર્ગત તમામ રહેણાક તથા બિનરહેણાક મિલકતોને 2021-22 સુધીની રકમ પૂરેપૂરી ભરાય અને બાકી રકમ શૂન્ય થાય તો જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલાની તમામ વ્યાજમાં 75 ટકા માફી આપવામાં આવશે. જોકે આ યોજના ચાલુ વર્ષ 2022-23ની રકમ પર લાગુ પડશે નહીં એવી પણ કોર્પોરેશન તરફથી જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં 8મી ઓગસ્ટથી 23મી ઓગસ્ટ સુધીમાં 8 કરોડ 25 લાખ રૂપિયાની રકમ ટેક્સ પેટે જમા થઈ છે, જ્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને 2 કરોડ 14 લાખ રૂપિયા 75 ટકા વ્યાજ માફ કર્યું છે.

75 દિવસ માટે 75 ટકા વ્યાજ માફીનો લાભ લેવા ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલની કરદાતાઓને અપીલ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિજિટલ ઇન્ડિયાના મિશનને આગળ ધપાવતા સૌપ્રથમ વખત એડવાન્સ ટેક્સ ભરનારા અમદાવાદ શહેરના કરદાતાઓ માટે રિબેટની યોજના ત્રણ માસ જેટલી લાંબી મુદત માટે આપવામાં આવી હતી. આ યોજના્માં 10 ટકા, 9 ટકા અને 8 ટકા વત્તા ઓનલાઇન માધ્યમથી ભરે તો 1 ટકો એકસ્ટ્રા રિબેટ, એટલે કે 11 ટકા, 10 ટકા અને 9 ટકા રિબેટ આપવાની યોજના પ્રથમ વખત આપવામાં આવી હતી. 22 એપ્રિલથી શરૂ થયેલી આ યોજનામાં 21 જુલાઇ સુધીમાં લગભગ 542.70 કરોડ જેટલી માતબર રકમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ટેક્સ પેટે મળી હતી.

આ સમયગાળા દરમિયાન ગત વખત કરતાં 16થી 17 ટકા જેટલી રકમનો વધારો છે અને લગભગ 40 કરોડ જેટલું રિબેટ આ રકમમાં કુલ આપવામાં આવ્યું છે. બીજુ્ં, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આઝાદી અમૃત મહોત્સવનું મિશન છે એના સ્વરૂપે સૌપ્રથમ વખત 75 ટકા વ્યાજ માફી તા.8 ઓગસ્ટ-2022થી લઇને 75 દિવસ માટે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના પણ એક અભૂતપૂર્વ છે. કોઈ દિવસ આવી યોજના અમદાવાદના કરદાતાઓ માટે આવી નથી. આ યોજનાનો લાભ સૌકોઇ અમદાવાદના કરદાતાઓને લે. હાલમાં અત્યારસુધીમાં 27 ઓગસ્ટ સુધીમાં લગભગ 6થી 7 વર્કિંગ દિવસ દરમિયાન 12 કરોડ રૂપિયા જેટલી રકમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં જમા થઈ છે. આગામી દિવસમાં આ 75 દિવસમાં કરદાતાઓ 75 ટકા વ્યાજ માફીની આ સ્કીમનો લાભ લે એ માટે અપીલ કરું છું.

અન્ય સમાચારો પણ છે...