ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે. ચૂંટણીના માહોલની સાથોસાથ ચર્ચા ઊભી કરવા માટે ભાજપ તરફથી એકસાથે અનેક સ્થળોએ જાહેરસભા યોજીને કાર્પેટ બોમ્બિંગ કરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાના બીજા દિવસે પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કાની બેઠકો પર જાહેરસભા યોજવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં આજે 17 તારીખે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.
જાહેરસભા યોજીને કાર્પેટ બોંબીગ કરાશે
બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો 21મી નવેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. આમ બંને તબક્કામાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.18મી નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપ દ્રારા એકસાથે જાહેરસભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.પ્રથમ તબક્કાની ચૂંટણી કચ્છ, સૌરાષ્ટ્ર, અને દક્ષિણ ગુજરાતમાં છે. તે જ રીતે બીજા તબક્કાની ચૂંટણી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર છે. આ બેઠકો પર ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 21મી નવેમ્બર છે. એટલે 22મી નવેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો પર એક જ દિવસે જાહેરસભા યોજીને કાર્પેટ બોંબીગ કરવામાં આવનાર હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.
કોણ કોણ જાહેરસભાઓ સંબોધશે
કેન્દ્રીય મંત્રીઓથી માંડીને સાંસદો, અન્ય રાજયોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત સ્ટાર પ્રચારકો તથા ગુજરાતના નેતાઓ તેમ જ સંગઠનના નેતાઓ જાહેરસભાઓ સંબોધશે. તે ઉપરાંત વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે ગુજરાત આવશે અને 20મીએ ધોરાજીમાં જંગી જનસભાને સંબોધશે. યુપીના મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ પણ ગુજરાતમાં ધામા નાંખશે.
લવીંગીયાના બદલે કાર્પેટ બોમ્બિંગ કરાશે
છુટાછવાયી જાહેરસભા યોજવાના બદલે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ સર્જવાની સાથોસાથ ચર્ચા ઊભી કરવા અને ભાજપની તરફેણમાં માહોલ ઊભો કરવા માટે ભાજપે એક જ દિવસે પ્રથમ અને બીજા તબક્કાની તમામ બેઠકો પર જાહેરસભાઓ યોજીને હાહાકાર મચાવી દેવાની ગણતરી છે. છુટીછવાઇ જાહેરસભા મતલબ કે લવીંગીયા ફોડવાના બદલે કાર્પેટ બોંબીગ એટલે કે એક જ દિવસે તમામ બેઠકો પર જાહેરસભા યોજવાની ગણતરીમાં છે. તેના માટેના હાલ કઇ બેઠક પર કોણ જાહેરસભા સંબોધશે તે માટેના સીડયૂલ તૈયાર થઇ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.