છેતરપિંડી:પ્રિન્ટિંગ પ્રેસના માલિકે વિઝા કન્સલટન્સી ખોલી 100 લોકો પાસેથી 5 કરોડ પડાવ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંકોત્રી, બિલબુક છાપવાનું બંધ કરી લોકો પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું
  • ઉડાન હોલિડેઝ નામે કંપની ખોલી ઠગનાર મુખ્ય આરોપી મુંબઈથી પકડાયો

વિદેશમાં સેટલ થવા માટે ઈચ્છુક લોકોને વિશ્વાસમાં લઈને વૈભવી જિંદગી જીવવા માટે શહેરના ગુરુકુળ વિસ્તારમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકે કંકોત્રી, બિલબુક અને વિઝિટિંગ કાર્ડ છાપવાનું કામ છોડીને ઉડાન હોલિડેઝ નામની વિઝા કન્સલ્ટન્સી ઓફિસ ખોલીને 100 થી વધુ લોકો પાસેથી પાંચ કરોડ પડાવી લીધા હતા. લોકોનુ ફુલેકુ ફેરવીને મુંબઈમાં વૈભવી ફલેટ ભાડે રાખી મોજશોખ કરતા પ્રિન્ટરને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો.

ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે, ભગવતી પ્રસાદ જોષી નામના નિવૃત કર્મચારીના પુત્ર અને પુત્રવધૂને તેમજ ભાણિયા સહિત ચાર વ્યકિતઓને કેનેડાના વર્ક વિઝા અપાવવાના નામે કુલ રૂ.39.50 લાખની લઈ ઉડાન વીઝા કન્સલ્ટન્સીના સંચાલક હર્ષિલ ઘનશ્યામભાઈ પટેલ( રહે.સુંદરવન એપાર્ટમેન્ટ, સોલારોડ નારણપુરા) અને સુનિલ શીંદેએ છેતરપિંડી આચરી હતી.

ક્રાઈમ બ્રાંચે ટેક્નિકલ એનાલીસીસના આધારે મુંબઈમાંથી આરોપી હર્ષિલ ઉર્ફે બંટી પટેલને ઝડપી લીધો હતો. આરોપી હર્ષિલ ગુરુકુળમાં સહજાનંદ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતો હતો. વિદેશ જવા ઈચ્છુક લોકો પાસેથી પૈસા આસાનીથી મળી શકે તેમ હોઈ આ ધંધો બંધ કરી તેણે ઉડાન હોલીડેઝ નામની વિઝા કન્સલટન્ટ તરીકે હેમલભાઈ દવે સાથે મળીને કામ ચાલુ કર્યુ હતુ. આ ઓફીસમાં સુનિલ શીંદે પણ કામ કરતો હતો. અત્યારસુધીમાં તેણે 100 લોકો પાસેથી 5 કરોડ જેટલી રકમ પડાવી લઈ વિઝા નહીં આપી છેતરપિંડી કર્યાનુ તપાસમાં ખુલ્યુ છે.

લોકોના પૈસે હોટેલોમાં જઈ મોજશોખ કરતો
આરોપી હર્ષિલે લોકો પાસેથી રૂપિયા પડાવ્યા બાદ ઓફીસ બંધ કરી દીધી હતી અને મુંબઈ જતો રહ્યો હતો, જયાં જઈને તેણે લોકોના પૈસાથી જુદી જુદી વૈભવી હોટલોમાં રહી મોજશોખ કરતો હતો. આ અંગે પણ પોલીસે તેની વધુ પુછપરછ કરી ક્યા ક્યા પૈસા ખર્ચ કર્યા તેની વિગતો એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરી છે.

હોટેલમાં ભાગીદારીની લાલચ આપતો
આરોપી હર્ષિલ કેનેડામાં મહેન્દ્રભાઈ પટેલ કે જે ખરેખર તેના કોઈ સગા થતા ન હોવા છતાં તેમની હોટલમાં ભાગીદાર બનવાથી ઝડપથી પી આર મળી જાય છે તેવી લાલચ લોકોને આપીને પાર્ટનરશિપ એગ્રિમેન્ટ બનાવી પૈસા પડાવી છેતરપિંડી આચરતો હતો.

અન્ય સમાચારો પણ છે...