સરખેજ-ફતેવાડીમાં આવેલા ગુલશનનગરમાં ગેરકાયદે બોર બનાવી આસપાસની સોસાયટીઓનાં 150 મકાનોમાં પાણી સપ્લાયનું કૌભાંડ પકડાયું છે. ગેરકાયદે બોર બનાવીને પાણી સપ્લાય કરનાર ફિરોઝ પઠાણની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. ફિરોઝે 7 વર્ષ પહેલાં આ બોર બનાવી ઘરદીઠ પાણી સપ્લાય કરવાના મહિને રૂ. 550 લેતો હતો. આમ ફિરોઝે અત્યાર સુધી ગેરકાયદે પાણી સપ્લાય કરીને લોકો પાસેથી રૂ.70 લાખ ખંખેરી લીધા હતા.
ફતેવાડીની સોસાયટીઓના 150 મકાનમાં પાણીના ગેરકાયદે જોડાણનું કૌભાંડ પોલીસની કોમ્બિંગ નાઇટમાં પકડાયું હતું. ગેરકાયદે ચાલતા કતલખાના વિશે મળેલી બાતમીના આધારે સરખેજ પીઆઈ એસ. જી. દેસાઈ સ્ટાફ સાથે મંગળવારે રાતે કોમ્બિંગમાં નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ ગુલશનનગર આરસીસી રોડ પરથી પસાર થતા હતા ત્યારે એક ઓફિસની બહાર બોર બનાવેલો હતો. આથી પોલીસે તે ઓફિસમાં જતાં ઓફિસમાં હાજર ફિરોઝ નજીરખાન પઠાણ (માધુપુરા)એ પોલીસ પર ગુસ્સે થઈને કહ્યું કે, ‘હું કોઈ ગુનેગાર છું? તમે મારી કેમ પૂછપરછ કરો છો? મારી જગ્યામાં તમે કોને પૂછીને આવ્યા છો? હું મારી જગ્યાની તપાસ નહીં કરવા દઉં. તમે બધાં પોલીસવાળા મારી માલિકીની જગ્યામાંથી હટી જાવ.’ આટલું કહીને પોલીસ સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો.
આથી પોલીસે વધુ તપાસ કરતા ફિરોઝે તેની ઓફિસની આગળ રસ્તા પર ઇંટની દીવાલ ચણીને પાણીનો બોર બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતા ફિરોઝે મ્યુનિ. કે રાજ્ય સરકારની મંજૂરી વગર પાણીનો બોર બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, આ બોર તેણે અંગત ઉપયોગ માટે નહીં, પરંતુ ઘેર-ઘેર પાણી સપ્લાય કરવા બનાવ્યો હતો. ફિરોઝ બોરમાંથી એક ઘરમાં પાણી સપ્લાયના મહિને રૂ.550 લેતો હતો. જ્યારે આ બોરમાંથી તેણે ફતેવાડીની જુદી-જુદી સોસાયટીઓમાં 150 પાણીનાં કનેક્શન આપીને પાણીને સપ્લાય કરતો હતો.
સાત વર્ષ અગાઉ આ બોર બનાવી સાત વર્ષથી પાણી સપ્લાય કરીને ફિરોઝે લોકો પાસેથી રૂ.70 લાખ ખંખેરી લીધા હતા. આ સરખેજ પોલીસે ફિરોઝ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
ફિરોઝ અગાઉ વીજ ચોરી કૌભાંડમાં પકડાયો હતો
ગેરકાયદે બોર બનાવીને લોકોને ઘેર-ઘેર પાણી સપ્લાય કરનાર ફિરોઝ પઠાણ અગાઉ ગેરકાયદે વીજચોરીના કૌભાંડમાં પણ પકડાયો હતો. આ જ રીતે ફિરોઝ પઠાણ ગેરકાયદે વીજચોરી કરીને લોકોના ઘેર સપ્લાય કરીને પૈસા પડાવતો હતો.
તમામનાં ગેરકાયદે જોડાણ કાપી નખાશે
ફિરોઝના બોરમાંથી જે લોકોએ ગેરકાયદે પાણીના કનેકશન લીધાં છે, તે તમામ કનેકશનની મ્યુનિ.કોર્પો. તપાસ કરી તમામ ગેરકાયદે કનેક્શન કાપી નખાશે. જ્યારે બોરને પણ તાત્કાલિક ધોરણે સીલ મારી દેવાશે.
બોરને કારણે ટ્રાફિક જામ સર્જાય છે
ફિરોઝે રસ્તા પર જ બોર બનાવ્યો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમ જ સ્થાનિક રહીશોને આવવા-જવામાં તકલીફ પડે છે. આથી ફિરોઝે રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનાવેલો ગેરકાયદે બોર મ્યુનિ. તોડી પાડશે.
મ્યુનિ., જીઈબી, ટોરેન્ટ પાવરને જાણ કરાઈ
ફિરોઝે ગેરકાયદે બોર બનાવ્યો હોવા અંગે મ્યુનિ.ને જાણ કરી છે. આથી ગુરુવારે મ્યુનિ.ની ટીમ ઘટના સ્થળે આવશે અને કાયદેસરની કાર્યવાહી કરશે. જોકે બોરમાંથી પાણી ખેંચવા અને પાણી સપ્લાય કરવા માટે ફિરોઝે ગેરકાયદે વીજ જોડાણ લીધા હોવાથી આ અંગે જીઈબી અને ટોરેન્ટને જાણ કરી છે. - એસ.જી.દેસાઈ, પીઆઈ, સરખેજ પોલીસ સ્ટેશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.