તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાધારને આધાર મળ્યો:અમદાવાદમાં એક ટ્વીટથી ગંદકીમાં સબડતા દિવ્યાંગ વૃદ્ધને મળી મદદ, અધિક કલેક્ટરે ટીમ મોકલી આશ્રય ગૃહમાં આશરો અપાવ્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરતભાઈ રાવળની મદદે આવેલી જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ - Divya Bhaskar
ભરતભાઈ રાવળની મદદે આવેલી જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ
  • ભરતભાઈ રાવળ નામના વૃદ્ધ સરખેજ ઉજાલા સર્કલ પાસે બ્રીજ નીચે ગંદકીમાં સબડતા હતા
  • કૂદરતી ક્રિયાઓ ત્યાં જ કરી હોવાને કારણે ગંદકીથી ખદબદતી સ્થિતિમાં હતા
  • સત્વરે કરાયેલી કામગીરી એ કોઈ ઉપકાર નથી પણ આપણી ફરજ છેઃ અધિક કલેક્ટર

સોશિયલ મીડિયાની અનેક નેગેટિવ બાબતોની સામે ઘણી પોઝિટિવ બાબતો પણ છે. માણસ ધારે તો સોશિયલ મીડિયા પરથી હજારો કિલો મીટર દૂર બેઠેલા વ્યક્તિને મદદ પણ કરી શકે છે. શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ ટ્વીટરના માધ્યમથી મળેલી માહિતીના આધારે એક નિરાધાર વૃધ્ધજનને સહારો પુરો પાડવાના આદેશ આપ્યા અને ગણતરીના કલાકોમાં જ એ અશક્ત-લાચાર વ્યક્તિને આશ્રય મળ્યો હતો.

સ્થાનિકે ટ્વીટ કરતા જ અધિક કલેક્ટરે લોકેશન સહિતની વિગતો માગી
અમદાવાદ જિલ્લાના અધિક કલેક્ટર હર્ષદ વોરાને તા-18 મે ના રોજ ટ્વીટર પર જાણકારી મળી કે અમદાવાદ શહેરમાં એક વૃધ્ધ-નિરાધાર-દિવ્યાંગ વ્યક્તિ અત્યંત લાચાર પરિસ્થિતિમાં પીડાઈ રહ્યા છે. તેમની દૈનિક ક્રિયાઓ પણ જાતે ન કરી શકનાર એ વૃધ્ધજન એક જગ્યાએ પડી રહેવાના કારણે ગંદકીની હાલતમાં સબડી રહ્યા હતા.

કોઈ સ્થાનિક વ્યક્તિએ આ વૃધ્ધજનને મદદ કરવા ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ ગણતરીની ક્ષણોમાં હર્ષદ વોરાએ ટ્વીટ કરી એ વૃધ્ધજનનું લોકેશન માંગ્યું અને લોકેશનની સાથે સરખેજ ઉજાલા સર્કલ પાસે બ્રીજ નીચે ગંદકીમાં સબડતા એ વૃધ્ધજનનું નામ ઠામ પણ મળ્યું.

અધિક કલેક્ટર હર્ષદ વોરાએ સમાજ સુરક્ષા અધિકારીને આદેશ કરી ટીમ મોકલી
અધિક કલેક્ટર હર્ષદ વોરાએ સમાજ સુરક્ષા અધિકારીને આદેશ કરી ટીમ મોકલી

વૃદ્ધ ગંદકીથી ખદબદતી સ્થિતિમાં કણસતા હતા
આ વૃદ્ધનું નામ ભરતભાઈ સાંકળચંદ રાવળ, (ઉ.વ.72) અને સરનામુ મળતા જ વોરાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આદેશ કરી સત્વરે ટીમ રવાના કરી હતી. આ ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી તો એક પગ કપાયેલા એવા દિવ્યાંગ ભરતભાઈ અત્યંત જીર્ણ-શીર્ણ હાલતમાં પડી રહ્યા હતા. ન કોઈ સાથ ન કોઈ સંગાથ. કૂદરતી ક્રિયાઓ ત્યાં જ કરી હોવાને કારણે ગંદકીથી ખદબદતી સ્થિતિમાં ભરતભાઈ કણસતા હતા.

ઓઢવના આશ્રય ગૃહમાં આરામ કરી રહેલા ભરતભાઈ રાવળ
ઓઢવના આશ્રય ગૃહમાં આરામ કરી રહેલા ભરતભાઈ રાવળ

આશ્રય ગૃહમાં નિયમિત સારવાર અને સાર-સંભાળ
આ ટીમે સત્વરે અધિક કલેક્ટર વોરાને પરિસ્થિતિથી માહિતગાર કર્યા અને તેમને તરત જ ઓઢવ જિલ્લા આશ્રય ગૃહમાં લઈ જવા સુચનાઓ આપી. હાલ ભરતભાઈ આશ્રય ગૃહમાં આશરો લઈ રહ્યા છે. ત્યાં તેમની નિયમિત સારવાર અને સાર-સંભાળ લેવાઈ રહ્યા છે. વોરા કહે છે કે, ‘બેશક સોશિયલ મીડિયાનો સરકારી કામગીરીમાં ભરપૂર ઉપયોગ કરાઈ રહ્યો છે. એમાં મળેલી માહિતીને સંવેદના સાથે જાણીએ અને તેને આધારે પગલા લઈએ તો તેના હકારાત્મક પરિણામો મળે જ છે. ભરતભાઈ માટે સત્વરે કરાયેલી કામગીરી એ કોઈ ઉપકાર નથી પણ આપણી ફરજ છે અને સાથે સાથે આપણામાં રહેલી સંવેદનાનું પ્રતીક પણ છે...’