મહાદેવના સાનિધ્યમાં પેન્સનર્સ ઉમટશે:જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવાની માંગણી સાથે સોમનાથમાં 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય અધિવેશન યોજાશે

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાતમાં રાજ્યમાં 4.65 લાખ પેંશનર્સ છે. અત્યારે પેન્શનર્સ જૂની પેન્શન યોજના શરૂ કરવા માંગણી ઉઠી છે, જેને લઈને સોમનાથ ખાતે ગુજરાત સ્ટેટ પેન્શનર્સ સમિતિ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન પાંચમી સપ્ટેમ્બરને સોમવારના રોજ થઈ રહ્યું છે. જેમાં પેન્શનર્સ સંકલન સમિતિ દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવાની માંગણી ઉપરાંત પેન્શનર્સની વિધવા, ત્યકતા કે અપરણિત પુત્રીને કેન્દ્રના ધોરણે પેન્શન આપવાની રજૂઆત સહિતની વિવિધ માગણી કરવામાં આવશે.

સરકારને રજૂઆત કરશે
ગુજરાતમાં 4.65 લાખ અને દેશભરમાં 90 લાખ પેન્શનર્સને યોગ્ય સરકારી સહાય મળે અને કોઈ મુશ્કેલી પડે નહીં તેની તકેદારી રાખવા માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ પેન્શનર્સ સંકલન સમિતિના ભરત પટેલે જણાવ્યું હતું કે, આગામી સોમવારના રોજ સોમનાથ મંદિર પરિસર સાગર દર્શન ખાતે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનમાં 22 રાજ્યોના પેન્શનર્સ ફેડરેશનના પ્રતિનિધિઓ તેમજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાના પેન્શનર્સ મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

પેન્શનર્સ પરિવારજનોને પૂરતું ધ્યાન આપવા માટે રજૂઆત
અધિવેશનમાં પેન્શનર્સ તથા તેમના આશ્રિત પરિવારજનોને સરકાર દ્વારા પૂરતી સહાય આપવામાં આવે અને તેમની મુશ્કેલીઓ તથા પ્રશ્નો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવશે. પેન્શનર્સ સંકલન સમિતિના અગ્રણીઓ દ્વારા પેન્શનર્સની વિધવા ત્યકતા કે અપરણિત પુત્રીને યોગ્ય સહાય મળે મેડિકલ એલાઉન્સના મુદ્દા તેમજ પગાર ભથ્થા કે આવકની વ્યાખ્યામાં પેન્શન નહીં આવતું હોવાથી ઇન્કમટેક્સમાં મુક્તિ આપવાને મુદ્દે રજૂઆત કરવામાં આવશે. સાથે સાથે જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે અને પેન્શનર્સને યોગ્ય પ્રાધાન્ય મળે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...