સાત ફેરા પર સંક્રમણનું ગ્રહણ:એક મહિના પહેલાં વિદેશથી મહેમાનો આવ્યા ને લગ્ન પ્રસંગ મોકૂફ રખાયો, વડોદરાના નિવૃત્ત જજે પૌત્રની યજ્ઞોપવીતની કંકોત્રીનું પ્રિન્ટિંગ અટકાવ્યું

અમદાવાદ5 દિવસ પહેલા
  • કોઈ દીકરીના તો કોઈ દીકરાના લગ્ન કેમ યોજવાને લઈ મૂંઝવણમાં
  • મહેમાનોને આમંત્રિત કર્યા બાદ હવે આગ્રહ કરવો કે ના પાડવી

જિતુ પંડ્યા(વડોદરા), રક્ષિત પંડ્યા(રાજકોટ), અર્પિત દરજી(અમદાવાદ): ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે રાજ્ય સરકારે રેલીઓ અને સરકારી કાર્યક્રમોની ભરમાર કરી હતી, જેને કારણે કોરોના ગાંડોતૂર થઈને હવે ઘરે ઘરે પહોંચી રહ્યો છે. આ સ્થિતિને પગલે સરકારે નવાં નિયંત્રણો લગાવ્યાં હતાં, જેમાં લગ્નમાં 400 વ્યક્તિની મર્યાદા જાહેર કરવામાં આવી હતી. જોકે 15 જાન્યુઆરીથી લગ્નસરા શરૂ થઈ રહ્યા હોવાની જાણ છતાં સરકારે 7 જાન્યુઆરીએ લગ્નમાં 400ની છૂટ આપી હતી, પરંતુ 11મીએ અચાનક જ નવી ગાઇડલાઇન્સ જારીને કરીને મર્યાદા 150 કરી હતી, જેની અસર રાજ્યનાં 10 હજાર જેટલાં લગ્નો પર પડી છે. વડોદરાના નિવૃત્ત જજે પૌત્રની યજ્ઞોપવીતની કંકોત્રીનું પ્રિન્ટિંગ રોકાવી દીધું છે. જ્યારે વડોદરાના નાગરવાડાના પટેલ પરિવાર લગ્ન પ્રસંગ માટે 10 લોકો વિદેશથી આવી ગયા હતા, જોકે નવી ગાઇડલાઇન્સને કારણે પ્રસંગ મોકૂફ રાખ્યો છે.

વર્ષો બાદ યજ્ઞોપવીતનો પ્રસંગ આવ્યો ને ગાઇડલાઇન્સે ટેન્શન વધાર્યું
વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલીમાં રહેતા અને ન્યાય મંદિર કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા ચેતનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તા.13 ફેબ્રુઆરીના રોજ પુત્ર અંશુના યજ્ઞોપવીતનું મુહૂર્ત કાઢવામાં આવ્યું છે. યજ્ઞોપવીત માટેની લગભગ તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે. મારા પરિવારનો વર્ષો બાદ અંશુની જનોઇનો પ્રથમ પ્રસંગ આવી રહ્યો હોવાથી ધામધૂમથી એ માટેની તૈયારીઓ કરી રહ્યા હતા અને હાલમાં પણ મૂંઝવણ વચ્ચે તૈયારીઓ કરી રહ્યા છે

અંશુના યજ્ઞોપવીતની કંકોત્રી.
અંશુના યજ્ઞોપવીતની કંકોત્રી.

યજ્ઞોપવીતમાં 800 લોકોને આમંત્રિત કરવા હતા
નિવૃત્ત જજ પરેશભાઈ દેસાઈના પુત્ર ચેતનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમારો મોટો સમાજ છે. હું પણ વકીલના વ્યવસાય સાથે સંકળાયેલો છું. મારા પિતા પરેશભાઇ દેસાઈ નિવૃત્ત જજ હોવાથી અમે 800 જેટલા લોકોને પુત્રના યજ્ઞોપવીત સંસ્કારમાં આમંત્રણ આપવાનું વિચાર્યું છે. યજ્ઞોપવીત માટેની કંકોત્રીનો ડ્રાફ્ટ તૈયાર છે. કંકોત્રીઓ પણ લાવી દીધી છે. પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવા માટે પણ આપી દીધી છે, પરંતુ હાલ પ્રિન્ટિંગ ન કરવા પ્રેસના માલિકને જણાવ્યું છે. એ જ રીતે કેટરિંગ અને ફરાસ ખાનાવાળાને પ્રસંગની તારીખ આપી દીધી છે, પરંતુ હાલ તેમને હોલ્ડ પર રાખ્યા છે. કદાચ ફેબ્રુઆરી સુધીમાં નવી ગાઇડલાઇન્સ આવે તેવી આશા છે. જો 150 માણસો માટેની જ ગાઇડલાઇન્સ રહેશે તો અમે તબક્કાવાર લોકોને બોલાવી પ્રસંગ પતાવવાનું આયોજન વિચાર્યું છે.

યજ્ઞોપવીતમાં અમદાવાદ સહિત દૂર-દૂરથી મહેમાનો આવવાના હતા.
યજ્ઞોપવીતમાં અમદાવાદ સહિત દૂર-દૂરથી મહેમાનો આવવાના હતા.

હોટલોમાં 20 રૂમ બુક કરાવી દીધા
ચેતનભાઇએ જણાવ્યું હતું કે પહેલાં પાર્ટી પ્લોટમાં યજ્ઞોપવીત કરવાનું આયોજન હતું, પરંતુ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇ પાર્ટી પ્લોટમાં પ્રસંગ કરવાનું મોકૂફ રાખી સોસાયટીના બ્લેન્કેટ હોલમાં જ પ્રસંગ કરવાનું નક્કી કર્યું છે. રૂપિયા 3 લાખ ઉપરાંતની કપડાં સહિતની ખરીદી કરી છે. અમદાવાદ સહિત દૂર-દૂરથી આવનારા મહેમાનો માટે હોટલોમાં 20 રૂમ બુક કરાવી દીધા છે, પરંતુ હવે કોરોનાના વધી રહેલા કેસોને જોતાં અમારી ધારણાં મુજબ પ્રસંગ થશે કે નહીં એની મૂંઝવણ છે.

એક મહિનાથી વિદેશથી મહેમાન આવી ગયા છે
વડોદરા શહેરના નાગરવાડા આમલી ફળિયામાં રહેતા ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે તા.22-23 જાન્યુઆરીના રોજ ભાઈ અક્ષયના લગ્ન હતા. એક વર્ષથી ભાઇના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. વિદેશમાં રહેતા પરિવારના 10 જેટલા મહેમાનો પણ એક માસથી લગ્ન પ્રસંગ માટે આવી પહોંચ્યા છે. એક વર્ષ પહેલાં કોરોનાના કેસો ન હોવાથી અમે ભાઇના લગ્ન ધામધૂમથી કરવા માટે માંજલપુરમાં પાર્ટી પ્લોટ પણ બુક કરાવી દીધો હતો. લગ્ન માટેની તમામ ખરીદી કરી દીધી હતી.

લગ્ન મોકૂફ રાખવા પડ્યાં, હવે એપ્રિલમાં યોજશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડી.જે. સાઉન્ડ સિસ્ટમ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની, કેટરિંગ સહિતના લાગતા-વળગતાને ઓર્ડર પણ આપી દીધા હતા. અત્યારસુધીમાં લગ્ન નિમિત્તેનો લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો, પરંતુ સરકારની માત્ર 150 લોકોને લગ્ન પ્રસંગમાં બોલાવવાની ગાઇડલાઇન્સ આવતાં અમારા માટે આટલી વ્યક્તિઓને બોલાવી લગ્ન પ્રસંગ કરવો શક્ય નથી, આથી અમે મારા ભાઇના લગ્ન આગામી એપ્રિલ-2022માં કરવાનું નક્કી કર્યું છે.

જાન્યુઆરીમાં 40 લાખનો ફટકો પડશેઃ રાજકોટના ઘંટેશ્વર પાર્કના મેનેજર.
જાન્યુઆરીમાં 40 લાખનો ફટકો પડશેઃ રાજકોટના ઘંટેશ્વર પાર્કના મેનેજર.

કોઈએ બુકિંગ કેન્સલ કર્યાં તો કોઈએ વ્યક્તિઓ ઘટાડી
સરકારે અચાનક લીધેલા નિર્ણયથી 15 જાન્યુઆરીથી શરૂ થતી લગ્નસરાની સીઝનમાં અનેક ધંધાર્થીઓને આર્થિક નુકસાન થયું છે. નવી ગાઇડલાઇન્સને પગલે લગ્ન સમારોહ પણ રદ કે મોકૂફ રાખવામાં આવ્યા છે, તો ક્યાંક સાદગીથી લગ્ન પ્રસંગ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પાર્કના મેનેજર કરણસિંગે જણાવ્યું હતું કે 15થી 30 જાન્યુઆરી દરમિયાન 30 જેટલા ફંક્શન બુક કરવામાં આવ્યાં હતાં. એ 300થી 400 માણસોની મર્યાદા સાથે બુક કરવામાં આવ્યાં હતાં.

નવી ગાઇડલાઇન્સ આવતાંની સાથે જ કસ્ટમરના ફોન આવવાના શરૂ થયા છે, જેમાં 3થી 4 કસ્ટમરે બુકિંગ કેન્સલ કરાવવા વિચારણા કરી છે, જ્યારે બાકીનાએ સંખ્યામાં ઘટાડો કરી 150 લોકોના બુકિંગ કરાવવાનું શરૂ કરી દીધું છે. આમ, જાન્યુઆરી મહિનાની અંદર અમારે ત્યાં 30 ફંક્શન પર લગભગ 40 લાખનો ફટકો પડશે અને ફેબ્રુઆરીમાં પણ આ ગાઇડલાઇન્સ રહેશે તો અંદાજે એક કરોડનો ફટકો પડી શકે તેમ છે. અગાઉની અમારી તૈયારી 400 લોકોને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી એ પ્રકારે મેનેજમેન્ટ સ્ટાફ સહિત તૈયારી કરવામાં આવી હોય, જે બધું બદલાતાં એમાં આર્થિક ફટકો પડતો હોય છે.

ગાઇડલાઈન્સને કારણે આશાઓ પર પાણી ફરી વળ્યુંઃ પ્રીતિબેન મોદી.
ગાઇડલાઈન્સને કારણે આશાઓ પર પાણી ફરી વળ્યુંઃ પ્રીતિબેન મોદી.

મોદી પરિવાર લગ્ન માટે કોને હા કહેવું અને કોને ના કહેવાની મૂંઝવણમાં
અમદાવાદ નારણપુરા વિસ્તારનાં પ્રીતિબેન મોદીનો પરિવાર દીકરીના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. પ્રીતિબેન મોદીની દીકરીના ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં લગ્ન હતા, લગ્નની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી.

યાદી બનાવીને પરિવારજનો મિત્રો અને સ્નેહીજનોમાં કંકોત્રી વિતરણ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ફરી એકવાર એ જ યાદી લઈને ફરીથી તેઓ ચિંતામાં મુકાયા છે, મૂંઝવણ એ છે કે આ યાદીમાંથી કોને લગ્નમાં આવવા માટે આગ્રહ કરવો અને કોને ના આવવા માટે વિનંતી કરવી! કારણ કે રાજ્ય સરકારે લગ્ન પ્રસંગે માત્ર 150 લોકોની જ પરવાનગી આપી છે, જેની સામે પરિવારજનો લગ્નમાં 400 લોકોની અપેક્ષા રાખી રહ્યા હતા. પ્રીતિબેન મોદીનું કહેવું છે કે કોવિડની ગાઇડલાઈન્સને કારણે તેમની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે અને કાર્યક્રમો ઘટાડીને લગ્ન પતાવવા માટે લાગ્યાં છે.