આવી મીઠાઈ ખાશો તો માંદા પડશો:કાજુકતરીમાં શિંગનો પાઉડર, માવાની મીઠાઈમાં અખાદ્ય કલરની ભેળસેળ, આવી મીઠાઈ ખાવાથી ઝાડા-ઊલટી અને કિડનીમાં રોગ થઈ શકે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ નફાની લાલચમાં ચાંદીના વરખની જગ્યાએ વેપારીઓ એલ્યુમિનિયમનો વરખ વાપરે છે
  • દિવાળીમાં મીઠાઈ ખરીદીને એને બે જ દિવસમાં પૂરી કરવી જરૂરી

દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. બજારમાં ઠેર ઠેર મીઠાઈઓ વેચાઈ રહી છે. તહેવારોમાં ગિફ્ટમાં આપવા હજારો કિલો મીઠાઈ બજારમાં વેચાય છે. કેટલાક વેપારીઓ બજારમાં વધુ નફો કમાવાની લાલચમાં મીઠાઈમાં ભેળસેળ કરતા હોય છે, જેને કારણે લોકોને રોગનો ભોગ બનવું પડે છે. દિવાળીના તહેવારમાં તંદુરસ્તી જાળવી રાખવી પણ પોતાની જ જવાબદારી બને છે. આવી મીઠાઈ ખાવાથી પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી જેવા રોગો થઈ શકે છે.

ચાંદીના વરખની જગ્યાએ એલ્યુમિનિયમનો વરખ વપરાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ આ મામલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાજુકતરીમાં શિંગ અને એના પાઉડરનો તેમજ અન્ય મીઠાઈમાં કલર, અખાદ્ય માવાનો ઉપયોગ થતો હોય છે. ચાંદીના વરખની જગ્યાએ વેપારીઓ એલ્યુમિનિયમનો વરખ વાપરતા હોય છે. પામોલિન તેલ અને ઘીનો પણ ભેળસેળમાં વધુપડતો ઉપયોગ થાય છે, જેથી ગ્રાહકો આવી મીઠાઈ ખરીદીને ખાતા હોય છે અને બાદમાં તેમની તબિયત લથડતી હોય છે.

ખરીદેલી મીઠાઈનો બે દિવસમાં નિકાલ જરૂરી, નહીં તો એમાં ફૂગ આવે છે ( પ્રતીકાત્મક તસવીર).
ખરીદેલી મીઠાઈનો બે દિવસમાં નિકાલ જરૂરી, નહીં તો એમાં ફૂગ આવે છે ( પ્રતીકાત્મક તસવીર).

ભેળસેળ કરેલી કાજુકતરીમાં સ્વાદ જ આવતો નથી
દિવાળીમાં મીઠાઈમાં કાજુકતરી, માવાની મીઠાઈ વધુ વેચાતી હોય છે. આ મીઠાઈમાં વેપારીઓ ભેળસેળ કરતા હોય છે, જેમાં ખાસ કરીને માવાની મીઠાઈમાં અખાદ્ય કલર અને સેકરિનનો ઉપયોગ થતો હોય છે. આ મીઠાઈ તાજી બનેલી હોય તો જ ઉપયોગમાં લઇ શકાય છે. જે દિવસે ખરીદી કરી એના બે દિવસની અંદર જ ખાઈ જવી પડે છે, નહીં તો એમાં ફૂગ આવવા લાગે છે. કાજુકતરીમાં કાજુનો ઉપયોગ કરાય છે, પરંતુ કેટલાકમાં શિંગ અને એના પાઉડરનો પણ ઉપયોગ થાય છે. ઓરિજિનલ કાજુકતરી અને મિક્સ કાજુકતરીમાં સ્વાદ અલગ જ હોય છે. ભેળસેળ કરેલી કાજુકતરીમાં સ્વાદ જ આવતો નથી.

માવાની મીઠાઈમાં અખાદ્ય કલરનો ઉપયોગ તંદુરસ્તી માટે હાનિકારક ( પ્રતીકાત્મક તસવીર)
માવાની મીઠાઈમાં અખાદ્ય કલરનો ઉપયોગ તંદુરસ્તી માટે હાનિકારક ( પ્રતીકાત્મક તસવીર)

ખરીદેલી મીઠાઈ વધુમાં વધુ બે દિવસ જ રાખી શકાય
ફૂડ વિભાગનાં સૂત્રો મુજબ વેપારીઓએ ભેળસેળ કરેલી અને કલરવાળી મીઠાઈ ખાવાથી લોકોને પેટના રોગો જેવા કે ઝાડા-ઊલટી, પેટમાં ચૂંક આવવી તેમજ કિડની પર અસર કરતા રોગો થવાની સંભાવના રહેલી છે. હંમેશાં જે મીઠાઈ ખરીદી કરો એને એક-બે દિવસમાં ખાઈ જવી જરૂરી છે. જો ત્રણ કે ચાર દિવસ મૂકી રાખવામાં આવે તો મીઠાઈ બગડી જાય છે. જો કોઈ ખાય તો તે બીમાર થવાની સંભાવના રહેલી છે. મીઠાઈમાં વધુપડતો કલર જણાય તો એવી મીઠાઈ આરોગવી ખૂબ જ હાનિકારક છે, કારણ કે એ કલર અખાદ્ય હોય છે, જે શરીરને નુકસાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...