અકસ્માત:ઘરે કહ્યા વિના સ્કૂટર લઈને નીકળેલા સગીરનું AMTS બસની અડફેટે મોત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નવા વાડજના શ્રીનાથ એપાર્ટમેન્ટના ગેટ પાસે અકસ્માત
  • પિતાએ એએમટીએસના ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ઘરેથી માતા-પિતાને જાણ કર્યા વગર જ એક્ટિવા લઈને સ્કૂલે જવા નીકળેલા યુવકને વ્યાસવાડી પાસે એએમટીએસ બસે અડફેટે લેતા મોત થયું હતું. નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા પાસેના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રાજેન્દ્રભાઈ શર્મા દંતાલી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે તેમનો 15 વર્ષીય પુત્ર રુદ્ર ધોરણ 9માં અભ્યાસ કરતો હતો.

બપોરે 12.30 વાગ્યે તેમના એપાર્ટમેન્ટમાંથી કોઈએ રાજેન્દ્રભાઈને ફોન કરીને કહ્યું હતું કે, રુદ્ર એક્ટિવા લઈને સ્કૂલે જવા નીકળ્યો હતો. રુદ્ર જેવો એપાર્ટમેન્ટના ગેટની બહાર નીકળ્યો ત્યાંથી પસાર થઇ રહેલી એએમટીએસ બસના ચાલકે રુદ્રના એક્ટિવાને ટક્કર મારતાં તે પડી ગયો અને બસ ફરી વળી હતી. આથી સ્થાનિકોએ નજીકના સંબંધીઓને ઘટનાસ્થળે પહોંચવા ફોનથી જાણ કરી હતી અને તેઓ સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તો જાણવા મળ્યું કે, રુદ્રનું મૃત્યુ થઈ ગયું છે. આ અંગે રાજેન્દ્રભાઈ શર્માએ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે એએમટીએસના ચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પકવાન પાસે રિક્ષા પલટી જતાં ચાલકનું મોત
સાઉથ બોપલમાં રહેતા શાંતિલાલ કીર રિક્ષા ચલાવતા હતા. શાંતિલાલ રોજ સવારે 3.30 વાગ્યે શાકભાજી લેવા માટે કાલુપુર શાક માર્કેટ જતા હતા. ગુરુવારે પણ શાંતિલાલ રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા હતા તે દરમિયાન તેઓ ઈસ્કોનથી પકવાન જતા સર્વિસ રોડ પર આવેલા બાલે‌શ્વર સ્ક્વેર સામેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા પલટી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા શાંતિલાલનું મોત નિપજ્યું હતું. આ અંગે તેમના ભાઈ પ્રભુલાલે એસજી હાઈવે-2 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...