શહેરની કો. ઓપરેટિવ સોસાયટીઓના 1982 પછીની મિલકતો શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટર પર હોય તો તેના ઉપર સ્ટેમ્પ ડ્યૂટી ભરવા માટે લોકોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. અરજદારોને ધક્કા ખાવા ન પડેતે માટે નવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ભરવા અરજદારને મોબાઇલ પર મેસેજ મોકલવામાં આવે છે. સાથો સાથ ફિઝિકલ નોટિસ પણ મોકલાય છે. મેસેજ અને નોટિસમાં ફાળેવલી તારીખ અને સમયે આવવાનું રહેશે.
સ્ટેમ્પ ડ્યૂટી ભરવા માટે જુલાઇમાં અંદાજે એક હજારની આસપાસ અરજી આવી હતી. કચેરીના અધિકારીઓએ સ્ટાફની ઘટ હોવાનું રટણ કરતા કહ્યું કે, 1982 સિવાય છેલ્લા 11 મહિનામાં કલમ-33 મોર્ગેજ, બિનઅવેજી, હક રિલીઝ, પાવર ઓફ એટર્નીના વધુ કેસ અને ઓછી સ્ટેમ્પ ડ્યૂટીના કેસ પણ આવે છે. જેથી કામનું ભારણ વધુ છે. મેસેજ સિસ્ટમથી અરજદારોને એક જ ધક્કામાં કામ થઇ જશે.
બીજીતરફ આ પરિપત્રનો અમલ થયા બાદ જૂની મિલ્કત ખરીદનાર અથવા મિલ્કત પર બેંકલોન લેવી હોય તો પણ પ્રથમ 1982 પછીના નિયમ અંતર્ગત મૂલ્યાંકનની કાર્યવાહી હાથધરવી પડે છે. જેના લીધે લોકો પર વધારાનો નાણાકીય બોજો પડ્યો છે. સરકારની 1982 પછીના દસ્તાવેજોની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાની નીતિ સામે લોકોમાં ભારે આક્રોશ છે. જૂની મિલકતો પર સ્ટેમ્પ ડયૂટી નહીં વસૂલવા સરકારમાં પણ રજૂઆત કરાઇ છે.
શહેરની 14 ઝોનલ કચેરીમાંથી પાલડી, મેમનગર, વાડજ, નરોડા, ઓઢવ, વેજલપુર અને નારોલ ઝોનમાંથી 1982 પછીના સૌથી વધુ દસ્તાવેજો આવે છે. જિલ્લામાં સાણંદ, ધોળકા, ધંધુકા, વિરમગામ, દેત્રોજ, માંડલ, બાવળા અને ધોલેરામાંથી નાયબ કલેકટર સ્ટેમ્પ ડયૂટી વિભાગ પાસે અરજીઓ આવે છે. જેનો 7 દિવસમાં નિકાલ કરવાનો હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.