અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં માનસિક અસ્થિર યુવકે 55 વર્ષના આધેડનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે. રોડ પર જ હત્યા કરતા લોકોએ આરોપીને જાહેરમાં બાંધીને માર માર્યો હતો. જેને પગલે આરોપીને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ મામલે પોલીસે માનસિક અસ્થિર યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે ટોળા સામે પણ ગુનો નોંધવામાં આવશે.
જમીન પર પછાડીને ઉપર બેસીને ગળું દબાવી દીધું
ઓઢવના વિરાટનગરમાં રહેતા 55 વર્ષના પ્રતાપભાઈ મહાવર ઘરનું લાઈટ બિલ ભરવા સાઇકલ પર જઈ રહ્યા હતા, ત્યારે આ માનસિક અસ્થિર યુવક રોડ પર આંટાફેરા મારી રહ્યો હતો. પ્રતાપભાઈની સાઇકલ આગળ આરોપી આવીને રસ્તો રોકી ઉભો રહી ગયો. જેથી પ્રતાપભાઈએ ઠપકો આપતા બન્ને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ, આ ઝપાઝપી એટલી હદે વધી ગઈ કે આરોપીએ પ્રતાપભાઈને જમીન પર પછાડીને ઉપર બેસીને ગળું દબાવી દીધું અને માથાના ભાગે પથ્થરથી હુમલો કર્યો. માત્ર એટલું જ નહીં, કોઈ બચાવવા આવે તો તેના પર પણ પથ્થરથી હુમલો કરવા લાગ્યો, જેથી લોકોના ટોળાએ આરોપીને બાંધીને માર માર્યો હતો.
હત્યારાને માર મારતો વીડિયો વાઇરલ
આરોપી માનસિક અસ્થિર હોવાથી ઉશ્કેરાઈને હત્યા કરી હોવાનું પોલોસ તપાસમાં ખુલ્યું છે. આ આરોપીને લોકોએ બાંધીને ખૂબ જ માર મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપીને જાહેરમાં માર મારતો વીડિયો વાઇરલ થતા પોલીસ લોકોના ટોળા વિરુદ્ધ પણ ગુનો નોંધશે. આરોપી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રખડતો હતો. જેથી પોલીસે તેના પરિવારની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.