રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલા કોરોનાના કિસ્સાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે વર્તમાન સ્થિતિમાં કોર્ટની કાર્યવાહી અને કોવિડ સંદર્ભે મહત્વના મુદ્દા બાબતે ગુજરાત હાઇકોર્ટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશનના હોદ્દેદારો પણ સામેલ થવાના છે. હાલની પરિસ્થિતિને જોતા હાઈકોર્ટની કાર્યવાહી ઉપરાંત તકેદારી અને સતર્કતા રાખવના આયોજન સહિતના મુદ્દાઓને લઈને આ બેઠકમાં મહત્વની ચર્ચા થવાની છે.
હાઇકોર્ટમાં વિન્ટર વેકેશન બાદ કોર્ટની કામગીરી ફરીથી શરૂ થશે
હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી આ બેઠકમાં વધી રહેલા કોરોનાના કિસ્સાને જોતા મહત્વનો પ્રસ્તાવ પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવશે. જેમાં કોર્ટની કામગીરી ફિઝિકલની સાથે વર્ચ્યુઅલ થાય, એટલે હાઈબ્રીડ પ્રકારે કોર્ટની કાર્યવાહી થાય, તે માટેની રજુઆત કરવામાં આવશે. જેથી કોર્ટ પરિસરમાં એકી સાથે વકીલો અને અરજદારોનું એકત્રીકરણ ન થાય અને તકેદારી રાખી શકાય. આગામી સોમવારથી વેકેશન બાદ ગુજરાત હાઇકોર્ટમાં વિન્ટર વેકેશન બાદ કોર્ટની કામગીરી ફરીથી શરૂ થવાની છે. ત્યારે કોર્ટ શરૂ થતાં આગામી સપ્તાહે આ મહત્વની બેઠક યોજાશે. જેમાં હાલ કોવિડને જોતા, તમામ બાબતોને ધ્યાને લઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.
પાછલા 10 દિવસથી દેશ અને રાજ્યમાં કોરોનાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને અલગ-અલગ મોરચે સક્રિયતા દાખવી સતર્કતા રાખવામાં આવી રહી છે. જેને લઈ અગાઉ એડવોકેટ એસોસિએશને ચીફ જસ્ટિસને કોવિડના કેસ વધવાથી કોર્ટ પરિસરમાં માત્ર એડવોકેટ તથા તેમના સ્ટાફને પ્રવેશ માટે પરવાનગી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. જેથી કરીને હાઈકોર્ટમાં દૈનિક આવતા અરજદારોની ચહલપહલ રોકી શકાય અને તકેદારી રાખી શકાય.
અગાઉ કોરોનાના કારણે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીની ઓનલાઇન શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ કોવિડની પરિસ્થિતિમાં સુધારો આવતા ચાલુ વર્ષે 17 ઓગષ્ટના રોજ ફરીથી ફિઝિકલ રીતે ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં દૈનિક એડવોકેટ અને તેમના સ્ટાફ સહિત 3 હજારથી વધુ લોકોની અવરજવર જોવા મળતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.