તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • A Maximum Of 44,540 Were Vaccinated In One Day; Vaccine Centers Continued On Sunday, Taking 24 Lakh First And 5 Lakh Second Doses So Far

અમદાવાદમાં વેક્સિનેશનનો વિક્રમ:એક દિવસમાં સૌથી વધુ 44,540ને રસી અપાઈ; રવિવારે વેક્સિન કેન્દ્રો ચાલુ, અત્યાર સુધીમાં 24 લાખે પ્રથમ અને 5 લાખે બીજો ડોઝ લીધો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટાગોર હોલ ખાતે શનિવારે પણ રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. આ ઉપરાંત ટાઉન હોલ ખાતે ભારે ધસારો જોવા મળ્યો હતો. - Divya Bhaskar
ટાગોર હોલ ખાતે શનિવારે પણ રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. આ ઉપરાંત ટાઉન હોલ ખાતે ભારે ધસારો જોવા મળ્યો હતો.
  • ટાગોર હોલમાં છેલ્લા સપ્તાહમાં 10489ને, શનિવારે 1667ને રસી મુકાઈ, સરેરાશ દર 15 સેકન્ડે એકનું વેક્સિનેશન

અમદાવાદમાં 100 ટકા વેક્સિનેશન માટે મ્યુનિ.એ આયોજન હાથ ધર્યું છે. શહેરમાં શનિવારે અત્યાર સુધી સૌથી વધુ રેકોર્ડ બ્રેક 44,540 નાગરિકોને રસી આપવામાં આવી હતી. અગાઉ 24 જૂને 41,887ને રસી આપવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર તરફથી રસીનો પૂરતો જથ્થો ન મળવાના કારણે રસીના મહાઅભિયાન પર અસર પડી હતી. અત્યાર સુધી શહેરમાં કુલ 3014326 લોકોને રસી આપવામાં આવી છે. રવિવારે પણ વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે. વિવિધ કેન્દ્રો પરથી 25 હજારને રસી આપવામાં આવશે. અનેક સેન્ટરો પર રસી માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

175થી વધુ સેન્ટર પર રસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારે શુક્રવારે વધુમાં વધુ વેક્સિનનો જથ્થો અમદાવાદને આપતાં શનિવારે રેકોર્ડ સંખ્યામાં રસીકરણ નોંધાયું હતું. શનિવારે 44,540 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં 25,161 પુરુષ, 19363 મહિલા તેમજ 16 ટ્રાન્સજેન્ડરનો પણ સમાવેશ થાય છે. શહેરમાં શનિવારે વેક્સિન લેનારમાં 18 થી 44 વર્ષના 22530 લોકોનો સમાવેશ થાય છે. એટલે કે વેક્સિન લેનારમાં 50 ટકા હિસ્સો તો યુવાવર્ગનો રહ્યો છે. અત્યાર સુધીમાં 2433859 નાગરિકોએ પ્રથમ ડોઝ જ્યારે 580467 નાગરિકોએ બીજો ડોઝ મેળવ્યો છે.

3 દિવસ બાદ કોરોનાના કેસ ફરી 20ને પાર, વધુ 1 મોત
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. 3 દિવસ પછી શહેરમાં કેસનો આંક ફરી પાછો 20ને પાર થયો છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું. 40 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. શહેરમાં હવે 749 એક્ટિવ કેસ છે. બીજી લહેરમાં શુક્રવારે અત્યાર સુધીના સૌથી ઓછા 15 કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં 10 દિવસથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

1297 વેપારીએ રસી લીધી
શહેરમાં એક જ દિવસમાં 1297 સુપરસ્પ્રેડર્સે પણ વેકિસન લીધી છે. જેમાં 946 યુવાનો અને 351 જેટલા 45થી વધુની ઉંમરના નાગરિકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં શહેરમાં 15602 વેપારીઓ વેક્સિન મેળવી લીધી છે. જેમાં સૌથી વધુ 5452 વેપારીઓ મધ્ય ઝોનમાં છે. જ્યારે તે પછી ઉત્તર ઝોનમાં 2500, દક્ષિણ ઝોનમાં 2647 અને પશ્ચિમ ઝોનમાં 2054 વેપારીનો સમાવેશ થાય છે.

ટાગોર હોલ બન્યું રાજ્યનું સૌથી મોટું વેક્સિનેશન સેન્ટર
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની રસીની અછત વચ્ચે પણ રાજ્યમાં સૌથી વધુ વેક્સિન આપતું સેન્ટર ટાગોર હોલ વેક્સિનેશન સેન્ટર છે. શનિવારે એક દિવસમાં જ 1667 નાગરિકોએ વેક્સિન લીધી હતી. અહીં દર 15 સેકન્ડે એક નાગરિકને વેક્સિન અપાય છે. ટાગોર હોલના રસીકરણ કેન્દ્રમાં અઠવાડિયામાં જ 10489 નાગરિકોએ વેક્સિન અપાઈ છે. શહેરમાં 400થી વધારે સેન્ટર પર મ્યુનિ.એ વેક્સિનેશન કેમ્પ શરૂ કર્યાં છે, જેમાં કેટલાક મોટા હોલમાં પણ વેક્સિનેશન થાય છે. જોકે ટાગોર હોલ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી વધુમાં વધુ નાગરિકોને વેક્સિન અપાઈ રહી છે. ટાગોર હોલમાં 100થી વધુ કર્મચારી વ્યવસ્થા જાળવી રહ્યા છે. જ્યારે રસી આપવાના કામમાં 36 કર્મચારીઓ જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...