ગુજરાતમાં મોદીયુગ બાદ આઠ વર્ષે ઓછી સંખ્યાના સભ્યો ધરાવતું આ મંત્રીમંડળ છે. મોદી એ વખતે મિનિમમ ગવર્નમેન્ટ-મેક્સિમમ ગવર્નન્સનું સૂત્ર આપ્યું હતું, ભૂપેન્દ્ર પટેલે એ જ સૂત્ર અપનાવીને બનાવેલા નવા મંત્રીમંડળમાં 8 કેબિનેટ, 2 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓ અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
6 રાજ્યકક્ષાના મંત્રીઓની નિમણૂક
મિનિમમ ગવર્નમેન્ટ-મેક્સિમમ ગવર્નન્સ પાછળ વિભાવના એવી છે કે મંત્રીમંડળમાં ઓછી સંખ્યાના મંત્રીઓ હોય, તેથી તેમની પાછળ પગાર-ભથ્થાં સહિતના ખર્ચા ઓછા થાય, પરંતુ મહત્તમ સરકારી કામ થવું જોઇએ. સૌથી મહત્તમ સંખ્યામાં ધારાસભ્ય ચૂંટાયા હોવા છતાં 156 પૈકી ભૂપેન્દ્ર પટેલે માત્ર સોળ એવા સાથીઓને પસંદ કર્યાં છે, જેમની સાથે મળીને તેઓ આગળના સમયમાં મહત્તમ કામ કરવા પ્રયત્ન કરશે.
2012માં 6 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓ
મોદી 2001માં સૌથી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની કેબિનેટમાં માત્ર સાત મંત્રી હતા, એ પછી 2002ની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં 9 કેબિનેટ અને સાત રાજ્યકક્ષાના મંત્રી સહિત 16 સભ્ય, 2007માં 9 કેબિનેટ અને 9 રાજ્યકક્ષાના મંત્રી સાથે 18 સભ્ય, જ્યારે 2012માં 6 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રી સાથે 16 સભ્ય હતા.
એ પછી આવેલાં આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં 9 કેબિનેટ અને 16 રાજ્યકક્ષાના મંત્રી સહિત 25 સભ્યો, જ્યારે વિજય રૂપાણીએ પહેલી ટર્મમાં નાયબ મુખ્યમંત્રી, 7 કેબિનેટ અને 16 રાજ્યકક્ષાના મંત્રી સહિત 24 સભ્ય અને બીજી ટર્મમાં નાયબ મુખ્યમંત્રી ઉપરાંત 10 કેબિનેટ અન 11 રાજ્યકક્ષાના મંત્રી સહિત 22 સભ્યનો સમાવેશ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે પણ પોતાની આગલી ટર્મમાં પોતાના પુરોગામીઓ આનંદીબેન અને રૂપાણીની જેમ જમ્બો સાઇઝના મંત્રીમંડળમાં કુલ 10 કેબિનેટ, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના અને 9 રાજ્યકક્ષાના મંત્રી સહિત કુલ 24 સભ્ય રાખ્યા હતા.
સરકારમાં મોટા ફેરફારો થાય એ શક્યતા નકારી શકાય એમ નથી
જોકે એવું કહેવાશે નહીં કે ભૂપેન્દ્ર પટેલ પાંચ વર્ષ સુધી માત્ર આ જ મંત્રીમંડળથી કામ ચલાવશે, કારણ કે શંકર ચૌધરી, જિતુ વાઘાણી, રમણ વોરા, ગણપતસિંહ વસાવા, કિરીટસિંહ રાણા, યોગેશ પટેલ, જેઠા ભરવાડ, પંકજ દેસાઇ, પૂર્ણેશ મોદી, જેવા સિનિયરો ચૂંટાયા છતાં મંત્રી બનાવાયા નથી. એ સિવાય નવયુવાન પણ જાણીતા બનેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, રીવાબા જાડેજા જેવા સભ્યોને પણ સમાવાયા નથી. આ કિસ્સામાં આગામી સમયમાં અને સંભવતઃ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને સરકારમાં મોટા ફેરફારો થાય એ શક્યતા નકારી શકાય એમ નથી.
નાના મંત્રીમંડળથી ફાયદો કે નુક્સાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 જેવી બમ્પર બેઠકોનો આંકડો છે. ચૂંટણીમાં સર્વત્ર એક જ ચહેરો નરેન્દ્ર મોદીનો ચાલ્યો છે. સામે વિપક્ષ સંકોચાઈને સાવ 17 બેઠક પર છે. આ સંજોગોમાં કોઈને મંત્રીપદ ન મળે તો નારાજ થાય એવી શક્યતા ખૂબ પાતળી થઇ ગઇ છે અને નારાજ હોય તો નુક્સાન કરી શકે એવું તો સાવ અશક્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.