મર્ડરના લાઈવ CCTV:પ્રેમિકાના પૂર્વ પતિ પર પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો, બચાવવા વચ્ચે પડેલા યુવકનું છરી વાગતાં મોત

અમદાવાદ3 મહિનો પહેલા

અમદાવાદ શહેરમાં પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે ગુનેગારો બેફામ થઇ ગયા છે. વાસણા તેમજ રીવરફ્રન્ટ પર થયેલી બે હત્યાની સાહી હજુ સુકાઇ નથી. ત્યારે શાહપુર વિસ્તારમાં ગઇકાલે એક પરિવાર પર જીવલેણ હુમલો કરીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી. શાહપુરમાં અનૈતિક સંબંધોના કારણે ગઇકાલે પ્રેમીએ પ્રેમિકાના પુર્વ પતિ અને પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રેમી અને તેના સંબંધીઓ હથિયાર લઇને પુર્વ પતિના ઘરે પહોચ્યા હતા જ્યા તેણે ધમકી આપી હતી કે, તુમ હમારી આંખ સે આંખ ક્યું મિલાતે હો, તુમ હમારી ઘર કી લડકીયો કે સામને ક્યું દેખતો હો. ધમકી આપ્યા બાદ એક્ટીવાની તોડફોડ કરીને હુમલો કર્યો હતો.

પત્નીનો અનૈતિક સંબંધ
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા રહેમાની સ્ટ્રીટમાં રહેતા અને દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઇલેકટ્રોનીસ ચીજ વસ્તુઓને હોલસેલમાં ધંધો કરતા મોહમદ ફરીદ કુરેશીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં બિલાલ કુરેશી, મુદ્સિર કુરેશી, ઇમરાન કુરેશી અને ઉસ્માન કુરેશી વિરૂદ્ધ હત્યાની કોશિષ તેમજ તોડફોડની ફરિયાદ કરી છે. ફરીદ તેના માતા સફાતબાનુ, બે ભાઇ અબ્દુલ કાદર અને મોદમદ મદની તેમજ ભાભુ શેરબાનુ અને બે દિકરીઓ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. ફરીદના લગ્ન વર્ષ 2016માં મીર્ઝાપુર ખાતે રહેતી ગુલફીસાબાનુ સાથે થયા હતા. થોડા સમય પહેલા ફરીદને ખબર પડી હતી કે, તેની પત્ની ગુલ્ફીસાબાનુને શાહપુર વિસ્તારમાં આવેલી પ્રેરણા સોસાયટીમાં રહેતા બીલાલ કુરેશી સાથે અનૈતિક સંબંધ છે.

જાનથી મારી નાખવાની ધમકી
પત્નીના અનૈતિક સંબંધ સામે આવતા ફરીદે દોઢ મહિના પહેલા તેને છુટાછેડા આપી દીધા હતા. છુટાછેડા આપી દેતા ગુલ્ફીસાબાનુ તેના પિયરમાં રહે છે. પત્ની છુટેછાડ આપતા બિલાલ અને તેના પિતા ઉસ્માન કુરેશી ઉશ્કેરાયા હતા અને ફરીદને ફોન પર ગાળો બોલાની ઝઘડો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગઇકાલે ફરીદ તેના ઘરે પરિવાર સાથે હાજર હતો ત્યારે બીલાલ કુરેશી, મુદ્દદુસીર કુરેશી, ઇમરાન અને તેના પિતા ઉસ્માન કુરેશી હાથમાં છરી અને દંડા લઇને આવ્યા હતા. ચારેય જણાએ ફરીદને બહાર બોલાવ્યો હતો અને તેનું એક્ટીવા તોડી નાખ્યુ હતું. ફરીદ બહાર આવ્યો ત્યારે ચારેય જણાએ ધમકી આપી હતી કે તુમ હમારી આંખ સે આંખ ક્યું મિલાતે હો, તુમ હમારી ઘર કી લડકીયો કે સામને ક્યું દેખતો હો.

પરિવાર પર જીવલેણ હુમલો
ફરીદ કઇ બોલે તે પહેલા ચારેય જણા તુટી પડ્યા હતા અને તેના પર હુમલો કરી દીધો હતો. ફરીદની માતા છોડાવવા માટે વચ્ચે પડતા તેમના ઉપર પણ ચારેય જણાએ હુમલો કર્યો હતો. ફરીદ અને માતાને માર ખાતા જોઇને અબ્દુલ કાદર પણ છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જ્યાં ચારેય જણાએ તેના પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. અબ્દુલ કાદરને છરી વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો. જ્યારે ચારેય જણા નાસી છુટ્ય હતા. ઇજાગ્રસ્ત અબ્દુલ કાદરને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન અબ્દુલ કાદરનું મોત નીપજ્યું. પોલીસે હત્યાનો ગુનો નોંધી 4 આરોપીની શોધખોળ શરૂ કરી.

અન્ય સમાચારો પણ છે...