હવે સરકારી 'બાબુ'ઓનો વારો:રૂપાણી સરકારમાં 4 વર્ષ કરતા વધુ સમયથી 'અડ્ડો' જમાવીને બેઠેલા અધિકારીઓની મોટાપાયે બદલીઓની યાદી તૈયાર

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુખ્યમંત્રીના સીધા મોનિટરિંગથી સામાન્ય વહીવટ વિભાગે અલગ અલગ વિભાગો પાસેથી જે તે અધિકારીઓની નોંધ મંગાવી લીધી

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની સાથે હવે વહીવટીતંત્રમાં પણ ફેરફારનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે. ગાંધીનગરની મહાપાલિકાની ચૂંટણી પરિણામ પછી નવરાત્રીમાં વહીવટીતંત્રમાં મોટા પાયે ફેરફાર થશે. હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ એક જ સ્થાન કે જાહેરમાં ત્રણ વર્ષ કે તેથી વધુ નોકરી કરતા હોય તેવા ઉચ્ચ અધિકારીઓની યાદી તૈયાર કરવા મુખ્ય સચિવને જણાવ્યું છે. આમ હવે, રાજકીય નેતાઓની જેમ જ અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવશે.

નોકરીના સ્થળ સહિતની માહિતીઓ એકઠી કરવામાં આવે છે
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે તાજેતરમાં જ પરિપત્ર જારી કરીને રાજ્ય સરકારના તમામ વિભાગોના એડિશનલ ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી અને સચિવને તેમના વિભાગોમાં આ પ્રકારના અધિકારીઓની યાદી તૈયાર કરવા જણાવ્યું છે. જેમાં ગ્રેડ-1 તથા 2ના અધિકારીઓ જેઓ છેલ્લા ચાર વર્ષથી એક જ સ્થાને છે તેમની યાદી તૈયાર કરવાની સાથે તેમની પોઝિશન, નોકરીનું સ્થળ તથા તેમની સર્વિસ રેકોર્ડનો ટૂંકો બાયોડેટા અને કેટલા સમયથી એક જ વિભાગમાં એક જ પોસ્ટ પર છે તે અંગેની માહિતી ભેગી કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સામાન્ય વહીવટ વિભાગ તેનો રિમાર્ક આપશે
આ મામલે જે તે વિભાગની નોંધ પરથી સામાન્ય વહીવટ વિભાગ તેનો રિમાર્ક આપશે અને આ પ્રકારના અધિકારીઓને તેમના જૂના વિભાગો કે જાહેર જગ્યા સાથે સંપર્ક ન રહે તે રીતે બદલી કરાશે. વહીવટીતંત્રમાં અધિકારીઓના સ્થાપિત હિત વધી ગયા હોવાના ખાનગી અહેવાલ બાદ આ માટેના મોટા પાયે ફેરફારો સાથેની આ કામગીરી પર ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નજર રાખી રહ્યા છે. તે પછી કેબિનેટમાં ડેટા તથા માહિતી રજૂ કરાશે. મંત્રીઓને પણ કોઈ ચોક્કસ અધિકારીનો આગ્રહ નહીં રાખવાની સ્પષ્ટ સૂચના છે.

ક્લાસ-1થી લઈ ક્લાસ-3 અધિકારીઓની યાદી તૈયાર કરવા સૂચના
નવી સરકારે વિભાગોમાં કામ કરતાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓની પણ યાદી તૈયાર કરવાની સૂચના આપી છે જેથી શિક્ષણ, આરોગ્ય, પંચાયત, મહેસૂલ, શહેરી વિકાસ, સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ-મકાન, ઉર્જા, ઉદ્યોગ, નાગરિક પુરવઠા, નાણાં, કૃષિ અને નર્મદા-જળસંપત્તિ, સિંચાઇ જેવા વિભાગોમાં પણ બદલાવ આવી શકે છે.

જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ ફેરફારનો રાઉન્ડ આવશે
હાલ અનેક મંત્રીઓએ તેમના પી.એ. તરીકે તેમના જાણીતા અધિકારીઓને ગાંધીનગરમાં બોલાવી લીધા છે, તો જૂના મંત્રીઓમાં કેટલાક તેમના પી.એ.ને નવા મંત્રીઓ સાથે ગોઠવવા માટે પ્રયાસ કરે છે અને થોડા પી.એ. ગોઠવાઈ પણ ગયા છે. આ યાદી પણ મુખ્યમંત્રી પાસે છે. ગાંધીનગર અને ગ્રેડ વન અને ટુમાં આ પ્રકારના ફેરફાર બાદ જિલ્લા તથા તાલુકા કક્ષાએ પણ આ પ્રકારના ફેરફારનો રાઉન્ડ આવશે.

અન્ય સમાચારો પણ છે...