તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર:કોરોનાકાળમાં અમદાવાદ સિવિલમાં એકપણ દિવસની રજા વિના ફરજ નિભાવતા દિવ્યાંગ લિફ્ટમેન, જુસ્સો જોઈને સલામ કરશો

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
લિફ્ટમેન ગીરીશભાઈની તસવીર - Divya Bhaskar
લિફ્ટમેન ગીરીશભાઈની તસવીર
  • સિવિલમાં 5 વર્ષથી સેવા આપી રહ્યા છે દિવ્યાંગ લિફ્ટમેન ગીરીશભાઈ
  • કોરોનાકાળમાં પોતાની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવા કરે છે.
  • થાપાનું હાડકુ ભાંગી જતા સિવિલમાં જ સારવાર મળી હતી.

‘સિવિલ હોસ્પિટલમાં લાખો દર્દીઓને લિફ્ટમાં લઈ જઈ વોર્ડમાં દાખલ કર્યા છે. વોર્ડમાં જતી વખતે હું હંમેશા દર્દીઓને કહેતો કે, ચિંતા ના કરો, કંઈ નહી થાય. મને જૂઓ, મને ભગવાને તકલીફ આપી છે એવી તો તમને નથી ને! બધુ સારું થઈ જશે અને રજા લઈને જતા દર્દીઓને પણ કહેતો ઘરે સાચવજો’ આ શબ્દો છે કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે સેવા આપતા દિવ્યાંગ કર્મી ગીરીશભાઈના. અમદાવાદ સિવિલમાં મનથી મકક્મ રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા માટે કાર્યરત તબીબો, મેડિકલ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ પૈકીના એક એવા ગીરીશભાઈ પણ એક વોરિયર છે.

દર્દીઓના જુસ્સાને પણ ઉંચે લઈ જાય છે
પાછલા વર્ષથી દેશ સહિત દુનિયાભરમાં કોરોનાની મહામારીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. લાખો લોકોએ આ બીમારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અમદાવાદમાં પણ કોરોનાની મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં રોજના સેંકડો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. એવામાં પોતાની ચિંતા કર્યા વિના દિવ્યાંગ ગીરીશભાઈ દર્દી સાથે લિફ્ટમાં રહી તેમને ઉપર કે નીચે લઈ જવાનું કામ કરે છે. આ સાથે તેઓ દર્દીઓના જુસ્સાને પણ ઉપર લઈ જાય છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

5 વર્ષથી સિવિલમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવે છે
ગીરીશભાઈ ગોહિલ છેલ્લા 5 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવે છે. સિવિલમાં સેવા આપતા ગીરીશભાઈ સદાય હસતા ચહેરે ફરજ બજાવે છે, દિવ્યાંગ હોવા છતાં એમને કુદરત પ્રત્યે કોઈ ફરિયાદ નથી. તેઓ કહે છે કે ‘થોડા સમય પહેલા પડી જતા થાપાનું હાડકુ ભાંગી ગયું હતું. હું આ જ હોસ્પિટલમાં દાખલ થયો હતો. મને અહીં સારવાર મળી હતી અને કુદરતનો ક્રમ જૂઓ, હું આજે અહીં જ એટલે કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરુ છું’.

એક પણ રજા વિના દિવસ-રાત કાર્યરત
સમગ્ર વિશ્વમાં વર્ષ 1992થી 3જી ડિસેમ્બરના રોજ વિશ્વ અક્ષમતા દિવસ(વર્લ્ડ ડિસેબિલીટી ડે) ઉજવવામાં આવે છે. વિશ્વની 15 થી 17 ટકા વસ્તી ડિસેબીલીટી અનુભવી રહી છે. શારીરિક અથવા માનસિક અક્ષમતા ધરાવતા લોકોને આ દિવસ સમર્પિત કરવામાં આવે છે. ગીરીશભાઈ જેવા લોકો માટે રોજ ડિસેબિલીટી ડે હોય છે પણ તેઓ પોતાની શારીરિક દિવ્યાંગતાને ફરજની આડે નથી આવવા દેતા. કોરોનાની મહામારી દરમ્યાન પણ ગીરીશભાઈએ એક પણ રજા ભોગવ્યા વિના દિવસ-રાત ફરજ બજાવી છે.

શારીરિક તકલીફ હોવા છતાં માનસિક રીતે હાર નથી માની
ગીરીશ ભાઈ કહે છે કે, 'હું હલન-ચલનમાં તકલીફ અનુભવતો હતો. આ તકલીફ શારીરિક પડકાર આપતી, પરંતુ માનસિક રીતે ક્યારેય હાર માની નથી.' કોરોનાની મહામારી વચ્ચે આવેલા વર્લ્ડ ડિસેબિલીટી-ડે 2020ની થીમ “બિલ્ટ, બેક અને બેટર” રાખવામાં આવી હતી. દિવ્યાંગ લોકો તેમનામાં રહેલી અક્ષમતાને નબળાઇ નહીં પરંતુ તેમની તાકાત બનાવે, તેને સુધારવાની દિશામાં પ્રયત્નો કરવા તે માટે આ થીમ રાખવામાં આવી હતી. ત્યારે ગીરીશભાઈ જેવી વ્યક્તિઓ આ થીમને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે.