AAPનો સરકાર પર આક્ષેપ:ગુજરાતમાં ભાજપનો જ કોઈ નેતા ડ્રગ્સનો ધંધો કરે છે, 20 હજાર કરોડનું ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પરથી પકડાયું એનું શું?

અમદાવાદ7 દિવસ પહેલા
AAPના નેતા ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પ્રજાને મોંઘવારીનો માર ભાજપે આપ્યો છે. CNGના ભાવ વધતાં રિક્ષાચાલકો પીડાઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં ત્રણ રૂપિયા ભાવ વધ્યા છે. મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. ગુજરાતની સંસ્કૃતિ અને ઓળખ એવા ગરબા પર સરકારે GST નાખી અપમાન કર્યું છે. હિન્દૂ સમાજની લાગણી દુભાવવાની વાત છે અને ભાજપ બચાવ કરે છે કે કમાય છે તો ટેક્સ લાગે તો IPL પર પણ ટેક્સ નાખોને ત્યાં કેમ નથી નાખતા? મુંદ્રા પોર્ટ પરથી 20 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું એનું શું થયું? ગુજરાતમાં ભાજપનો જ કોઈ નેતા છે જે ડ્રગ્સનો ધંધો કરે છે એટલે જ બચી ગયો છે.

ગુજરાતમાં ડ્રગ્સ દારૂની જેમ પકડાય છે
તલાટીઓ પણ હડતાળ પર ઉતર્યા છે અને સરકારથી નારાજ છે.અમારી માંગ છે કે સરકાર તલાટીઓની વાતને સાંભળી અને માગણીઓ સ્વીકારી હડતાલને સમેટી લે. આજે સરકારથી કોઈપણ ખુશ નથી. ભ્રષ્ટ ભાજપમાં માત્ર નેતાઓ, કોન્ટ્રાકટરો અને ઉદ્યોગપતિઓનો વિકાસ થાય છે. અત્યારે સીએનજીનો ભાવ 90 રૂપિયા થયો છે.ગુજરાતમાં ડ્રગ્સ દારૂની જેમ પકડાય છે. 20000 કરોડનું ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી મળ્યું તેની તપાસ ક્યાં સુધી પહોંચી ? પાકિસ્તાનથી ડ્રગ્સ આવતું હશે તો ગુજરાતમાં કોઈને ફોન તો કર્યો હશે. કોઈ ભાજપનો નેતા છે જે ડ્રગ્સનો ધંધો કરે છે એટલે બચી ગયો છે. રાજયમાં ડ્રગ્સ ઓછું પકડાય છે. ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે 1 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં જ છે. સરકાર જ ડ્રગ્સને આવવા દે છે જેથી આની તપાસ કરવી જોઈએ.

ગુજરાતની જનતાનું ભાજપ અપમાન કરે છે
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાનું ભાજપ અપમાન કરે છે. વડાપ્રધાન, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રમુખ સી આર પાટીલને કહું છું કે તમે મફતનું લે છે તે બધું છોડી દો. હર્ષ સંઘવીને કહું છું કે કોરોનામાં રૂ. 15 લાખ બિલ મૂક્યું હતું તો કેમ મફતનું છોડતા નથી. ભાજપ હવનમાં હાડકા નાખવાનું બંધ કરે. પ્રજાના ટેક્સના પૈસાનું મફતનું લેવાનું બંધ કરો. ભાજપના નેતાઓને હવે પાછા કાઢજો. ચૂંટણી વખતે પશ્ચિમ બંગાળમાં અમિત શાહે કીધું હતું 200 યુનિટ વીજળી ફ્રી આપીશું. શુ માત્ર બંગાળની પ્રજા જ ગમે છે.ભાજપ રાજયમાં ગૌ માતાના મોત મામલે મૌન છે. ભાજપ સરકારમાં ગાય માતા કપાય છે.

નવા નિશાળીયાઓને સરકાર ચલાવતા નથી આવડતી
નવા નિશાળીયાઓને સરકાર ચલાવતા નથી આવડતી. હજી સુધી રાહત આપી નથી. ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની હતી પરંતુ કરવામાં આવી નથી. ગાયોના કતલ થાય છે. VHP અને બજરંગદળને વિનંતી છે કે ભાજપની સામે આપણે લડવું પડશે. આમ આદમી પાર્ટી સાંખી નહિ લે.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. બપોરે 1 વાગ્યે જામનગર પહોચશે. 3 વાગ્યે વેપારીઓ સાથે ટાઉનહોલ કરશે. GST મુદ્દે વેપારીઓ સાથે ચર્ચા કરશે. ત્યાંથી સાંજે 5 વાગ્યે વડોદરા પહોચશે. બીજા દિવસે બોડેલીમાં જનસભાને સંબોધન આપશે. જેમાં કેજરીવાલ વધુ એક ગેરેન્ટી ગુજરાતને આપશે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...