શહેરમાં 24 કલાકમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. ઓઢવ સર્કલ પાસે સાઇકલ ચાલકને કન્ટેનરે ટક્કર મારી હતી, જ્યારે કૃષ્ણનગરથી ઠક્કરનગર તરફ જતાં બાઈકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત થયું હતું. ત્રીજી ઘટનામાં એસપી રિંગરોડ પર રોડ ક્રોસ કરી રહેલા પુરુષને બાઈકચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું હતું. આ ત્રણે ઘટનામાં આરોપીઓ ફરાર થયા છે.
ઘટના-1 ઓઢવમાં આવેલી નિર્મલ સોસાયટીમાં રહેતા 37 વર્ષીય નરવતસિંહ ખાનગી કપંનીમાં નોકરી કરી કરે છે. રવિવારે રાત્રે નોકરી પરથી સાઇકલ લઈને ઓઢવ વેપારી મહામંડળથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ઓઢવ સર્કલ ટ્રાફિક ચોકી સામે રસ્તો ક્રોસ કરતી વખતે કન્ટેનરચાલકે પૂરપાટ ઝડપે નરવતસિંહને ચક્કર મારી હતી. અકસ્માત બાદ પણ કન્ટેનરચાલકે બ્રેક ન મારતા કન્ટેનરનું એક ટાયર નરવતસિંહ પર ચઢી ગયું હતું. ઘટના બાદ આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે નરવતસિંહને મૃત જાહેર કર્યા હતા.
ઘટના-2 સરદારનગરમાં આવેલા એફ વોર્ડમાં રહેતા દીવેશ તંમચે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે વહેલી સવારે કામ અર્થે દીવેશ બાઈક લઈને કૃષ્ણનગરથી ઠક્કરનગર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન શુભમ નર્સિંગ કોલેજ પાસે પહોંચ્યા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. એટલું જ નહીં વાહનનંુ ટાયર દીવેશભાઈ પર ચઢાવી દીધુ હતું, જેથી તેઓ બેહોશ થયા હતા. અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થયા હતા. જોકે લોકોની ભીડ જોઇ વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ ઈજાગ્રસ્ત દીવેશને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે દીવેશને મૃત જાહેર કર્યા હતા.
ઘટના-3 જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ વનરાજસિંહ ફરજ પર હાજર હતા, આ દરમિયાન તેમને કંટ્રોલમાંથી મેસેજ મળ્યો હતો કે, એસપી રિંગરોડ પર કરાઈ કટ પાસે એક પુરુષનો અકસ્માત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા છે, જેથી પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી તો જાણવા મળ્યું કે, આ પુરુષ રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન એક બાઈકચાલકે પુરુષને ટક્કર મારી હતી. આસપાસના લોકોએ પુરુષને હોસ્પિટલ દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે ઈજાગ્રસ્ત પુરુષને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ટ્રાફિક પોલીસે બાઈકચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી પુરુષની ભાડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.