સમાજમાં પતિ-પત્ની, સાસુ-વહુ, ભાઈ-બહેન વચ્ચેના પારિવારિક ઝઘડાઓ થતા હોય છે. જેમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર માટે મહિલા હેલ્પલાઇનની ટીમ કાર્યરત છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં મહિલા હેલ્પલાઇન 181 અભયમની ટીમ દ્વારા ઝઘડાઓમાં સમાધાન લાવી અને નિરાકરણ લાવવામાં આવ્યું છે. મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સમજાવટ અને કાયદાકીય માહિતી આપી તમામ કિસ્સાઓમાં સુખદ સમાધાન લાવી પરિવારને તૂટતાં બચાવ્યા છે.
કિસ્સોઃ 1
શહેરના પૂર્વ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇનમાં ફોન આવ્યો કે, મારી બહેન બોયફ્રેન્ડના પ્રેમમાં પાગલ થઈ છે અને અમારા પરિવારને ખૂબ જ શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. જેથી મણીનગર લોકેશનની હેલ્પલાઇન ટીમ ત્યાં પહોંચી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, મહિલાની નાની બહેન અને તેની વિધવા માતા સાથે રહે છે. બંને બહેનોને પ્રેમ લગ્ન કરવા હતા, પરંતુ નાની બહેનનો બોયફ્રેન્ડ કોઈ કારણોસર લગ્ન કરવા માંગતો ન હતો. મોટી બહેને 9 મહિના પહેલા જ લગ્ન કરી દીધા હતા અને હાલમાં પાંચ મહિનાની પ્રેગ્નન્સી ધરાવે છે. નાની બહેન મોટી બહેનના મારા પહેલા કેમ લગ્ન કરાવી દીધા અને મારા કેમ નથી કર્યા? તેમ કહી અને રૂમમાં બંધ કરી દીધા હતા. આ ઉપરાંત તેની માતાને પણ હેરાન-પરેશાન કરતી હતી.
પ્રેમલગ્ન માટે નાની બહેન મોટી બહેનના સાસરીમાં આવી ઝઘડતી
વિધવા માતાને હેરાન કરતા મોટીબેન તેની માતાને પોતાના સાસરીમાં લઈ આવી હતી. તેમ છતાં પણ નાની બહેન મોટી બહેનની સાસરીમાં આવી અને ઝઘડો કરતી હતી અને સાસરિયાંઓ તેમજ તમામને હેરાન કરતી હતી. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલર સોનલબેન દ્વારા તેના બોયફ્રેન્ડને બોલાવી અને સમજાવ્યા હતા કે જો તેઓ લગ્ન કરવા માંગતા હોય તો તેમના લગ્ન કરાવી દેશે. તેમજ પરિવારને સમજાવશે. નાની બહેનને પણ સમજાવી હતી કે, આ રીતે બહેન પ્રેગનેન્ટ હોય ત્યારે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવો જોઈએ નહીં. માતાને રૂમમાં બંધ કરી નાખવાએ કાયદાકીય ગુનો છે, જેની કાર્યવાહી થઈ શકે છે. આ રીતે તેઓને સમજાવી અને યોગ્ય સલાહ સૂચન આપી સુખદ સમાધાન લાવ્યા હતા.
કિસ્સોઃ 2
શહેરના ઇસનપુર વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇનમાં ફોન આવ્યો હતો કે, મારા સાસરીવાળા મને ઘરમાં આવવા દેતા નથી અને ઘર બંધ કરી દીધું છે. જેથી નારોલ લોકેશનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. ત્યાં પહોંચતા જાણવા મળ્યું હતું કે, પરિવાર ગુજરાત બહારનો વતની છે. ઇસનપુર વિસ્તારમાં સાસુ-સસરા, બે દીકરીઓ અને પતિ સાથે મહિલા રહે છે. પતિની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે, જેથી તેઓ કામ કરી શકતા નથી. મહિલા પોતે રોટલી બનાવવાનું કામ કરી અને ઘરનું ગુજરાન ચલાવે છે.
સાસુ-સસરાને પોતાની ભૂલનો અહેસાસ થતાં માફી માંગી
મહિલા થોડા સમય માટે પોતાના પિયરમાં રહેવા ગઈ હતી. ત્યારે સાસુ-સસરાએ એમ માની લીધું હતું કે, મારો દીકરો હવે કોઈ કામનો રહ્યો નથી, માટે મહિલાએ પોતાનો બીજો પતિ શોધી લીધો છે અને અહીંયા ધ્યાન આપતી નથી. તેમજ બહાર ફરે છે તેમ સમજી કરને બંધ કરી દીધું હતું. મહિલા જ્યારે આવી ત્યારે તેમને ઘરમાં આવવા દીધી ન હતી અને પોલીસ બોલાવી હતી. ત્યારબાદ મહિલાને પાડોશીઓએ મહિલા હેલ્પલાઇનની મદદ લેવાનું જણાવતા નારોલ લોકેશનની ટીમના ગીતા ચાવડાએ બંનેનું કાઉન્સિલિંગ કર્યું હતું. સાસુ સસરા પોતાના પુત્ર માટે ચિંતિત છે અને મહિલા પણ પોતાના પતિ માટે ચિંતિત છે, જેથી બંને એકબીજાને સપોર્ટ કરી અને રહે તેમ સમજાવ્યાં હતાં. સાસુ-સસરાને પોતાની ભૂલનો અહેસાસ થતાં માફી માંગી હતી અને સુખદ સમાધાન લાવ્યા હતા.
કિસ્સોઃ 3
મહિલા હેલ્પલાઇન પર ફોન આવ્યો હતો કે, મારી પત્ની સુસાઈડ કરવાનું જણાવે છે, જેથી અમારી મદદે આવો. મહિલા હેલ્પલાઈનની ઓઢવ લોકેશનની ટીમ તાત્કાલિક ઘટનસ્થળે પહોંચી જાણકારી મેળવી હતી. વાતચીત કરતા મહિલાએ જણાવ્યું હતું કે, એમના બીજા લગ્ન છે. બંને છેલ્લા ચાર વર્ષથી રિલેશનમાં હોય સાત મહિના પહેલા જ બંનેએ પ્રેમ લગ્ન કર્યા છે. મહિલાના પતિ તેમની પૂર્વ પત્ની સાથે વાતચીત હજી કરતા હતાં. પૂર્વ પત્નીના દીકરાના લગ્ન કરવાના હોવાથી તે બાબતમાં ઝઘડો થતા મહિલા તેમની સાથે રહેવું ના હોવાથી ઘર છોડીને જતી રહ્યી હતી.
મહિલાને આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરી
મારે મરી જવું છે, એવું જણાવતા તેમના પતિએ 181 મહિલા હેલ્પલાઇનમા ફોન કરી જાણ કરી હતી. મહિલાનું કાઉન્સેલીંગ કરતા બહેન તેમના પતિ સાથે કે તેમના પિયરમાં રહેવા માંગતા ન હતા. જેથી હાલ તેમને આશ્રય તથા લાંબાગાળા કાઉન્સેલીંગની જરૂરિયાત હોવાથી મહિલાને આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાવ્યો હતો.
કિસ્સોઃ 4
શહેરના પૂર્વ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇનની ટીમમાં ફોન આવ્યો હતો કે, મારા પતિ મને સાસરીમાં રાખતાં નથી. જેથી શાહીબાગ લોકેશનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, પતિ પત્નીને લગ્નના બે વર્ષ થયા છે. બંનેના બીજા લગ્ન છે. ઘરમાં લગ્ન બાદ નાની-નાની વાતોમાં ઝઘડો થતો હતો, જેથી પતિ તેમને પિયરમાં મૂકી આવતા હતા. થોડા સમય પહેલા પણ ઝઘડો થયો હતો અને બાળક સાથે મહિલાને તેમના પતિ પિયરમાં મૂક્યા હતા. ત્યારબાદ બાળક પોતાની દાદી વગર રહેતું નહોતું. જેથી મહિલા પોતાના બાળકને તેની સાસરીમાં મૂકી આવ્યા હતા. પતિ થોડા સમય પછી લઈ જશે તેમ માની અને પિયરમાં જ રહ્યા હતા.
મહિલાને સમજાવવામાં આવતા ઝઘડાનો સુખદ અંત
પરંતુ પતિ પરત લેવા ન આવતા મહિલા સામેથી સાસરીમાં આવી હતી. પતિ અને સાસરિયાઓએ સાથે રાખવાની ના પાડી હતી. તેથી મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સિલર દીપિકા દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. સાસરીમાં મહિલા ઘરના કામમાં મદદ કરાવતા નહોતા અને ઘરના પ્રસંગોમાં ક્યાંય જતા ન હતા. મહિલાને પણ સમજાવવામાં આવ્યા હતા કે, ઘરમાં સાથે રહેવું અને મદદ કરવી જોઈએ આમ તેઓનું સુખદ સમાધાન લાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.