ગુજરાતી યુવકની કમાલ:ફોમ બેઝ શેમ્પૂ-ફેસવોશ તૈયાર કર્યા, ઘરમાં પાણી નહીં હોય તો પણ મોં અને માથું ધોઈ શકાશે

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી

અમદાવાદ શહેરના એક સ્ટાર્ટઅપે દેશના જવાનોને અતિઉપયોગી સાબિત થાય એવી પ્રોડક્ટ તૈયાર કરી છે. ગ્રીમર જોશી નામના યુવાને પાણી વિના જ ઉપયોગ કરી શકાય એવા શેમ્પૂ, બોડી વોશ અને ફેસવોશ તૈયાર કર્યું છે. સામાન્ય રીતે પાણી વિના સ્નાન કરવું કે માથું ધોવું શક્ય નથી, પરંતુ અમદાવાદના એક સ્ટાર્ટઅપે આ શક્ય કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું છે, જે ખાસ કરીને સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે અતિઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

શેમ્પૂ-ફેસવોશ બાદ બોડીવોશ પણ તૈયાર કરશે
આ શેમ્પૂ અને ફેસવોશની ખાસિયત છે કે એ ફોમના સ્વરૂપમાં છે. શેમ્પૂને માથામાં લગાવ્યા બાદ એને સાફ કરવા માટે પાણીની જરૂરિયાત રહેતી નથી. ફોમ બેઝ શેમ્પૂને માથાના ભાગમાં લગાવ્યા બાદ એને કપડાથી લૂંછી નાખવામાં આવશે, સાથે સાથે એ જ રીતે ફેસવોશ પણ પાણી વિના ઉપયોગ કરી શકાશે. આગામી દિવસોમાં શેમ્પૂ અને ફેસવોશ બાદ બોડી વોશ તૈયાર કરવા માટેનું આયોજન છે.

સંરક્ષણ વિભાગ સુધી પહોંચાડી શકાય એ માટે પ્રયાસ
ઇનોવેશન હબ દ્વારા આ પ્રકારનાં નવાં સંશોધનોને માર્કેટ એક્સપર્ટ અથવા તો સંબંધિત વિભાગ સાથે સંપર્ક કરાવવામાં આવે છે. જે-તે વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરેલી પ્રોડક્ટને રિવ્યૂ કરી એને ઉપયોગમાં કેવી રીતે લઈ શકાય એ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવે છે. આ પ્રોડક્ટને પણ કેવી રીતે ડિફેન્સ સુધી પહોંચાડી શકાય એ માટે પ્રયાસ કરશે. આ પ્રોડક્ટની સ્ટેબિલિટી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં સારાં પરિણામ મળ્યાં છે.

ગ્રીમર જોશી છે આઇટી પ્રોફેશનલ
રસપ્રદ બાબત એ છે કે ગ્રીમર જોશી પોતે આઇટી બેકગ્રાઉન્ડમાંથી આવે છે, બાદમાં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે, પરંતુ માતા-પિતા અને ભાઈ ફાર્મસી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી આ પ્રોડક્ટ વિશે વિચાર આવ્યો હતો. ગ્રીમર જોશીના ભાઈ પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીમાં કાર્યરત છે, જેની મદદથી આ પ્રોડક્ટ ડેવલપ કરી છે.

જવાનો એક દિવસમાં કરી શકે છે 5 લિટર જ પાણીનો ઉપયોગ
ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશમાં દરરોજ માથાદીઠ 135 લિટર પાણીનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું. તો બીજી તરફ મિશન પર નીકળેલા જવાનો માટે વોટર ડિસિપ્લિન સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. એક જવાન દરરોજ માત્ર 5 લિટર પાણીનો જ ઉપયોગ કરી શકે છે. તેમાં પણ સિયાચીન અને લદાખ જેવા વિસ્તારોમાં તો પાણી મેળવવાની વાત તો દૂર રહી, બોલવામાં પણ મુશ્કેલી થાય એવી સ્થિતિ હોય છે. પાણીનો વપરાશ તો દૂર રહ્યો, પીવા માટેનું પાણી પણ બરફ ઓગાળીને મેળવવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...