દેશની આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિવીરો શહીદ થયા હતા. 23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી વીરાંજલિ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થાય છે, ત્યારે આગામી 23 માર્ચે આ વીરાંજલિ કાર્યક્રમ રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ગુજરાતી કલાકાર સાંઈરામ દવે, કિર્તીદાન ગઢવી તેમજ ગીતા રબારી દેશભક્તિના સુરો રેલાવશે. વીરાંજલિ કાર્યક્રમમાં સૌ પ્રથમ વાર વીરજવાનોની આરતી લખવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રવેશ લોકો માટે તદ્દન નિઃશૂલ્ક રહેશે, પરંતુ પ્રવેશ માટે પાસ મેળવવા ફરજીયાત છે.
કાર્યક્રમના પાસ આ ત્રણ સ્થળેથી મળશે
આ કાર્યક્રમના નિઃશૂલ્ક પાસ મેળવવા માટે 1800 121 000 011 નંબર પર કોલ કરવાથી આપને SMS દ્વારા પાસની વિગતો મળી જશે. આ કાર્યક્રમના પાસ માટે ત્રણ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કર્ણાવતી ક્લબ એસ.જી. હાઇવે, સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા અને શુકન ચાર રસ્તાનિકોલ પર આપને સવારે 09:00થી 01:00 અને સાંજે 05:00થી 09:00 દરમિયાન પાસ મળી શકશે.
વીરાંજલિ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની સંગીતમય સફર
વીરાંજલિ સમિતિના પ્રમુખ અને ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 23મી માર્ચ શહીદ દિનની ઉજવણી એક પરંપરા બની છે. છેલ્લા 14 વર્ષથી શહીદ દિન નિમિત્તે બકરાણા-સાણંદ ખાતે ભવ્ય ડાયરાના માધ્યમથી આઝાદીના આ અમર શહીદોના ગુણગાન ગવાય છે. આ કાર્યક્રમ મારફતે દેશની પેઢીને દેશ ભકિત રાષ્ટ્રભક્તિને ઉજાગર થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે વીરાંજલિ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની સંગીતમય સફર સાથે નૃત્યો અને રંગભૂમિના મોનોલોગ રજૂ થશે. જેમાં સાંઈરામ દવે, કિર્તીદાન ગઢવી તેમજ ગીતા રબારી પોતાની કલા પાથરશે.
સમગ્ર કાર્યક્રમની પટકથા સાંઇરામ દવે એ લખી
બોલીવુડ સ્ટાર પ્રતિક ગાંધી, ગુજરાતી ફિલ્મ એક્ટર ધર્મેન્દ્ર ગોહીલ અને પ્રખ્યાત થિયેટર આર્ટિસ્ટ તથા જાણીતા સીરીયલ અભિનેત્રી ભક્તિ રાઠોડ જેવા મુંબઇના કલાકારો સહિતના 50 અભિનયના ઓજસ પાથરશે. આ સમગ્ર કાર્યક્રમની પટકથા સાંઇરામ દવે એ લખી છે. ડિરેક્ટર વિરલ રાચ્છે દિગ્દર્શન આપ્યું છે. તેમજ રાહુલ મુંજારીયાએ સંગીત પીરસ્યું છે. તથા કોરિયોગ્રાફી અંકુર પઠાણે કરી છે. આ સમગ્ર કન્સેપ્ટ અમિત દવેનો છે.
બહોળી સંખ્યામાં પધારવાનું વીરાંજલિ સમિતિનું નિમંત્રણ
ગત વર્ષે વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેના સમગ્ર રાજ્યમાં 17 જેટલા જિલ્લામાં સફળ પ્રયોગ થયા તેમજ યુવાનોમાં આ કાર્યક્રમ એ ખાસ્સી લોકચાહના મેળવી હતી. આશરે સાત લાખથી વધુ લોકોએ ગત વર્ષે આ કાર્યક્રમ માણ્યો અને વખાણ્યો હતો. 15માં વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર દેશભક્તિનો દરિયો ઉમટશે તો રાષ્ટ્રપ્રેમથી છલકતા ગીત-સંગીત અને અભિનયને માણવા માટે અમદાવાદની કલારસિક જનતાને બહોળી સંખ્યામાં પધારવાનું વીરાંજલિ સમિતિએ નિમંત્રણ પાઠવીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.