માળખાકીય સેવાઓમાં દેશભરમાં અવ્વલ:અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને A+ ગ્રેડ, 5 વર્ષની પ્રતિષ્ઠિત માન્યતા એનાયત કરાઈ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ - Divya Bhaskar
સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ

અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રિડીટેશન (NAAC) દ્વારા A+ ગ્રેડ સાથે 5 વર્ષ માટે પ્રતિષ્ઠિત માન્યતા એનાયત કરવામાં આવી છે. NAAC દ્વારા ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ માટે 4માંથી 3.44 પોઈન્ટ મેળવનારી અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દેશની એકમાત્ર સંસ્થા બની છે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે સર્વાંગી વિકાસ કરીને માળખાકીય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી છે. જેના પરિણામ સ્વરૂપ આ સિદ્ધિ હાંસલ થઇ છે. આ ગુણવત્તાસભર સેવાઓ રાજ્યમાં નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહી છે.

'દેશની 30 ડેન્ટલ કોલેજને જ NAACની માન્યતા'
ડેન્ટલ હોસ્પિટલના ડીન ડૉ.ગિરીશ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં આકાર પામેલ મેડિસીટીએ મેડિકલ ક્ષેત્રે સેવા, સુવિધા અને સારવાર સંબંધિત અનેક કિર્તીમાન સ્થાપિત કર્યા છે. ભારતમાં 313 ડેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાંથી માત્ર 30ને જ NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત છે. તેમાંથી કેરળની ડેન્ટલ કોલેજને 3.30 રેટિંગ સાથે A+ ગ્રેડ મળ્યો છે. જ્યારે અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલે શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓના આધારે 3.44 રેટિંગ મેળવી ઇતિહાસ રચ્યો છે. આ ઉપરાંત બીજા તકક્કામાં નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ (NABH) માન્યતા માટે પણ 3 વર્ષ મળ્યા છે.

કયા આધારે બેસ્ટ રેટિંગ મળ્યું?

  • હોસ્પિટલ અને કોલેજમાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તાસભર સારવાર પદ્ધતિ
  • ડેન્ટલ વિષયોમાં અભ્યાસક્રમોને લગતી શૈક્ષણિક તથા મૂલ્યાંકન પદ્ધતિ
  • આરોગ્ય માળખાને ઉચ્ચસ્તરીય બનાવવા માટે પ્રયાસો અને સંશોધનો
  • વિદ્યાર્થી તેમજ ફેકલ્ટીને વધુને વધુ પ્રોત્સાહન માટે સંસ્થાએ કરેલા પ્રયાસો
  • સંસ્થાના વહીવટી માળખાને સુચારૂ બનાવવાની કામગીરીના મૂલ્યાંકન

NAACની ટીમ દ્વારા 4 અને 5 જાન્યુઆરીએ રોજ અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત માપદંડને આધારે 3.44 બેસ્ટ રેટિંગ મળ્યું છે.

અમદાવાદ ડેન્ટલ કોલેજની ઉપલબ્ધિઓ

  • અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલમાં 2022માં 1 લાખ 31 હજાર 771 દર્દીઓ ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો છે.
  • છેલ્લા 5 વર્ષમાં અંદાજીત 7 લાખ 15 હજાર દર્દીઓએ દાંત, મોઢા સંબંધિત સમસ્યાનું સફળતાપૂર્ણ નિદાન અને સારવાર કરાવી છે.
  • 5 વર્ષમાં દાખલ દર્દીઓમાંથી 792 જટીલ અને 4549 સામાન્ય આમ કુલ 5341 સર્જરી તબીબો દ્વારા સફળતાપૂર્ણ કરવામાં આવી છે.

અગાઉ NIRF રેન્કિંગ અને સ્કોચ 'ગોલ્ડ' એવોર્ડ એનાયત થયેલો
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ભારતની શ્રેષ્ઠત્તમ સરકારી સંસ્થાઓમાંથી એક છે. જેના પરિણામે જ અગાઉ આ હોસ્પિટલને NIRF રેન્કિંગ અને સ્કોચ 'ગોલ્ડ' એવોર્ડ એનાયત થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...