ગુરુકુળ રોડ હવે વ્હાઇટ ટોપિંગ રોડ બનશે:બેંગલુરું જેવા સારા અને ટકાઉ રોડ અમદાવાદમાં!, વિપક્ષે કહ્યું- અત્યાર સુધી શહેરમાં કેમ આવા રોડ ન બન્યાં?

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદમાં બેંગલુરું જેવા અદ્યતન ટેક્નોલોજીના વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવી છે. શહેરમાં રૂ. 17 કરોડના ખર્ચે કુલ ત્રણ જગ્યાએ આ ટેક્નોલોજીથી રોડ બનાવવામાં આવનાર છે. જેમાં સૌપ્રથમ થલતેજ વોર્ડના ગુરુકુળ રોડ પર વાઈટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવા મામલે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે સવાલો ઉભા કરતા કહ્યું હતું કે, જો આ પદ્ધતિથી રોડ સારા અને ટકાઉ બને છે, તો અત્યાર સુધી તેનો કેમ ઉપયોગ કરવામાં ન આવ્યો? અને હાલમાં રોડની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો ત્યારે નવી ટેક્નોલોજીથી બનાવવામાં આવી રહેલા આ રોડ ટકશે કે કેમ?

ગુરુકુળ રોડ, સરસપુર અને ઇસનપુરમાં કામગીરી ચાલી રહી છે
અમદાવાદ શહેરમાં દર વર્ષે રોડ તૂટી જવાની અને પાંચ વર્ષમાં રોડની હાલત ખરાબ થઈ જતી હોવાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સસ્તા અને ટકાઉ રોડ બને તેના માટે થઈ સૌપ્રથમ વાર બેંગલુરું અને નાગપુર જેમ વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવાનું નક્કી કર્યું છે. રૂ.17 કરોડના ખર્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગુરુકુળ રોડ તેમજ પૂર્વ વિસ્તારમાં સરસપુર ત્રિકમલાલની ચાલીથી સુહાના ચાર રસ્તા અને ઇસનપુર વિસ્તારમાં આલોક બંગલાથી સિદ્ધિ ફ્લેટ સુધી બનાવવામાં આવશે. જેના મામલે વિપક્ષના નેતા દ્વારા સવાલ ઊભા કરવામાં આવ્યા છે કે, જો આ પદ્ધતિ અત્યાર સુધી હતી. તો કેમ તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને રોડમાં જે રીતે છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એક જ સિઝનમાં રોડ તૂટી જાય છે ત્યારે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી બનાવવામાં આવેલા રોડ ક્યાં સુધી ટકી રહેશે તેની કોઈ પ્રકારનો ખુલાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યો નથી.

પ્રજાને સારા રોડ રસ્તા આપવામાં શાસકો નિષ્ફળ હોવાનો આરોપ
ભૂતકાળમાં પ્લાસ્ટિક મટિરિયલથી રોડ બનાવવામાં આવ્યા હતા, જે ખર્ચાળ હતા. કન્સલ્ટન્ટ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, 10 ટકા ડિપોઝિટ સહિત શરતો હોવા છતાં આવી નવી અદ્યતન ટેક્નોલોજીવાળા રોડ પણ તૂટી ગયા હતા. તો શું? આ સ્માર્ટ સિટી છે કે ભાજપનો ભ્રષ્ટાચાર તેના પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ચાલુ વર્ષે પડેલા વરસાદમાં સમગ્ર શહેરમાં તમામ ઝોનમાં 25238 જેટલા વિવિધ પેચવર્કના કામો કરવાની ફરજ પડી છે. 30 ઓક્ટોમ્બર સુધી અમદાવાદ શહેરના તમામ રોડ ખાડામુક્ત થઇ જશે તેમ ભાજપના શાસકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખાડા મુકિતની અપાયેલી ડેડલાઇન પૂરી થઇ ગઇ છે. તેમ છતાં અમદાવાદની પ્રજાને સારા રોડ રસ્તાની સુવિધા આપવામાં ભાજપના શાસકો નિષ્ફળ પૂરવાર થયા છે.

અન્ય સમાચારો પણ છે...